બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?

બ્રાહ્મણવાદ સામેની લડાઈમાં કેવી રીતે ઉપયોગી છે પેરિયારનું ‘સાચી રામાયણ’ પુસ્તક?
Photo By Google Images

- R. K. Parmar

તેમની ઓળખ માટે પેરિયાર નામ જ કાફી છે. એક બેબાક વ્યક્તિત્વ જેમણે દક્ષિણ ભારતમાં ખૂબ જ આક્રમક રીતે મૂળનિવાસી એટલે કે દ્રવિડ આંદોલનને પ્રસ્થાપિત કર્યું. પોતાની અનોખી નેતૃત્વ ક્ષમતા અને આક્રમક અમલીકરણના લીધે પેરિયારે દક્ષિણ ભારતમાં હિંદુત્વની વિચારધારાને ભોંયભેગી કરી દીધી હતી. આજેપણ સમગ્ર ભારતમાં હિન્દુત્વનો સૂર્ય મધ્યાહને તપતો હોવા છતાં પણ પેરિયારના તમિલનાડુની ધરતી ઉપર હિન્દુત્વનો સૂર્ય ઉગી પણ શકતો નથી.

 

જેટલી આક્રમક પેરિયારની રાજનીતિ રહી છે એટલું જ આક્રમક તેમનું લખાણ રહ્યું છે. તમારે તેમના શબ્દોને વાંચવા, સમજવા અને અમલમાં મૂકવા માટે ફકત સમજણની જ નહિ પણ મજબૂત મનોબળની પણ જરૂર પડશે. પેરિયાર જ્યારે ભાષણો આપતા ત્યારે તેમના ભાષણોને અસહનીય દર્શાવી ઠેર ઠેર વિરોધ કરવામાં આવતો એટલે વિચારી લો કે તેમના શબ્દો કેટલા કઠોર હશે?

 

હિન્દુઓએ રામના નામે જે ગંદી રાજનીતિને હાલ અમલમાં મૂકી છે તેનો તોડ ડૉ.બાબાસાહેબ આંબેડકર અને પેરિયાર જ છે. તમારે હિન્દુત્વ સામે લડવા માટે બહુજન મૂવમેન્ટનાં ત્રણ પુસ્તકોનો ખાસ અભ્યાસ કરવો જોઈએ.

(૧) જોતિબા ફૂલેનું ગુલામગીરી

(૨) ડૉ.બાબાસાહેબ આંબેડકરનું જાતિનો વિનાશ

(૩) પેરિયાર રામાસામીનું સાચી રામાયણ

 આ ત્રણ પુસ્તકો હિંદુ ધર્મની જાતિ વ્યવસ્થા, તેના કારણો, તેને દૂર કરવાના ઉપાયો અને તે ટકાવી રાખનારા પરિબળો વિશે સંપૂર્ણ માહિતી આપે છે.

 

પેરિયારની સાચી રામાયણ હિંદુત્વની જીવલેણ બિમારીનો અક્સીર ઈલાજ છે. આજે જ્યારે દેશમાં જય શ્રીરામનો નારો ના બોલો તો જીવ લઈ લેવામાં આવે છે, રામના નામે રાજકારણ ચલાવવામાં આવે છે, રામના નામે સત્તા મેળવવામાં આવે છે ત્યારે આ રામ અને તેની મૂળ વાર્તા હકીકતમાં શું છે તે જાણવા માટે તમારે સાચી રામાયણ વાંચવી પડશે.

રામ, રાવણ, સીતા, હનુમાન, દશરથ આ બધા પાત્રો હકીકતમાં હતા કે નહિ અને તેમનું મૂળ વાર્તામાં કઈ રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું તે જાણવા માટે તમારે સાચી રામાયણ વાંચવી રહી. રામ અને રાવણની વાર્તા મૂળ શું છે? આ વાર્તાને બ્રાહ્મણો દ્વારા કેવી રીતે મહત્વ આપવામાં આવ્યું અને કેવી રીતે લોકોના જનમાનસમાં તેને એક ધર્મગ્રંથ અને ઇતિહાસ તરીકે સ્થાપિત કરવામાં આવી, શું હકીકતમાં રાવણે સીતાનું અપહરણ કર્યું હતું કે પછી સીતા સ્વયં રાવણ પાછળ ચાલીને લંકા ગયા હતા? શું તમે જાણો છો કે રાવણની પ્રતિભા અને જાહોજલાલીથી ખુદ સીતા અને હનુમાન પણ અંજાઈ ગયા હતા? રાવણની લંકા સળગાવવા, રાવણની હત્યા કરવા, બધા રાક્ષસોને મારવા માટેનું સાચું કારણ શું હતું? યજ્ઞ, આર્યો, રાક્ષસો, દ્રવિડો, સુર, અસુર વગેરે શબ્દોનો સાચો અર્થ શું થાય છે? રામને જંગલમાં મોકલવાનો સાચો હેતુ વનવાસ હતો કે રાક્ષસોનો વધ કરવાનો હતો? જે રામના પાયા ઉપર બ્રાહ્મણવાદે આજે હિંદુત્વનું સામ્રાજ્ય ઉભુ કર્યું છે એ રામ અને તેમના અનુયાયીઓનું ઝીણવટભર્યું અને સચોટ નિરૂપણ પેરિયાર રામાસામીએ સાચી રામાયણ માં કર્યું છે. ૪૦ વર્ષોના સખત અધ્યયન અને અવલોકન બાદ આ પુસ્તક લખવામાં આવ્યું છે. માટે જ બહુજન મૂવમેન્ટ માટે આ સૌથી મહત્વપૂર્ણ પુસ્તકોમાનું એક પુસ્તક છે. બ્રાહ્મણવાદ સામે લડવા માંગતા દરેક વ્યક્તિએ આ પુસ્તકનું અધ્યયન જરૂર કરવું જોઈએ. પેરિયાર દ્વારા આ પુસ્તકમાં રામાયણની મૂળ વાર્તા, તેમાં સમયાંતરે થયેલા સુધારાઓ, તેના પાત્રોની વાસ્તવિકતાઓ અને બ્રાહ્મણો અને હિંદુઓ દ્વારા તેને આપવામાં આવેલા ષડયંત્રકારી મહત્વને ખૂબ જ વિશ્લેષણત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે.

(લેખક બહુજન સાહિત્યના અભ્યાસુ અને બહુજન ચેનલ RK Studiozના ફાઉન્ડર છે)

આગળ વાંચોઃ E. V. Ramasamy Periyar હિંદુ દેવી-દેવતાઓ અને ધર્મગ્રંથો વિશે શું માનતા હતા?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.