અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર

SC-ST અનામતમાં ભાગલા પાડવાના સુપ્રીમ કોર્ટના સવર્ણ જજોના ચૂકાદા અંગે વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ અને ડૉ. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આકરી પ્રતિક્રિયા આપી છે.

અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેવળ જુમલાબાજી છેઃ પ્રકાશ આંબેડકર
image credit - Google images

સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ આધાર નથી. આ માત્ર જુમલાબાજી છે. જો ચુકાદો તથ્યો પર આધારિત હોત તો હું સમજી શકત કે કોર્ટે કંઈક કહ્યું છે. પરંતુ જ્યારે તથ્યોની બહાર નિર્ણય લેવામાં આવે છે ત્યારે શંકાઓ જન્મે છે અને પ્રશ્નો ઉભા થાય છે. - વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ અને બાબાસાહેબના પૌત્ર ડો. પ્રકાશ આંબેડકરે એક મુલાકાતમાં આ પ્રકારની આકરી પ્રતિક્રિયા આપી છે. ફોરવર્ડ પ્રેસે તેમની ટેલિફોનિક મુલાકાત લીધી હતી જેનો અહીં અનુવાદ રજૂ કરીએ છીએ.

એસસી-એસટી પેટા વર્ગીકરણ અંગે સુપ્રીમ કોર્ટની સાત સભ્યોની બેંચના નિર્ણય પર તમારી પ્રાથમિક પ્રતિક્રિયા શું છે?

અમે માનીએ છીએ કે કોર્ટે પેટા વર્ગીકરણ કેવી રીતે થશે તે સ્પષ્ટ કર્યું નથી, તેથી અમે તેનો વિરોધ કરીએ છીએ. બેન્ચે અનુસૂચિત જાતિના પેટા-વર્ગીકરણની નોંધ લીધી, જ્યારે એક સમુદાય તરીકે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણમાં તેનું પ્રતિનિધિત્વ હજુ પણ સમાજના ઘણા સમુદાયો કરતાં ઘણું ઓછું છે. બેકલોગની અનામત જગ્યાઓ પર પણ ભરતી કરવામાં આવી નથી. જો અનામત પુરી થઈ હોત તો કદાચ અમે સમજી શક્યા હોત કે કયા સમાજને મળી અને કયા સમાજને નથી મળી. હાલ જે અનામત છે, તેની પચાસ ટકા પણ આપવામાં આવી રહી નથી, તો તમે કેવી રીતે કહી શકો કે આ સમાજને તેનો લાભ મળ્યો અને આ સમુદાયને નળી મળ્યો? કોઈક આધાર તો હોવો જોઈએ ને? એ રીતે જોઈએ તો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો કોઈ આધાર નથી. આ કેવળ જુમલાબાજી છે.

જો ચુકાદો તથ્યો પર આધારિત હોત તો હું સમજી શકત કે કોર્ટે કંઈક કહ્યું છે. પરંતુ જ્યારે તથ્યોની બહાર નિર્ણય લેવામાં આવે છે ત્યારે શંકાઓ જન્મે છે અને પ્રશ્નો ઉભા થાય છે. હું કહીશ કે આ ચૂકાદો એક રીતે ઈન્દ્રા સાહનીના કેસમાં નવ ન્યાયાધીશોની બેન્ચે જે ચુકાદો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે SC-ST પર ક્રીમી લેયર લાદી શકાય નહીં, એ જ ક્રીમી લેયર લાદવાની વાત વર્તમાન સુપ્રીમ કોર્ટના સાત જજોની પીઠે પરોક્ષ રીતે કહી છે. હકીકતે, ઇ.વી. ચિન્નૈયા વિ. આંધ્રપ્રદેશના ચુકાદામાં યોગ્ય બંધારણીય જોગવાઈઓ વિશે સમજાવવામાં આવ્યું હતું. બંધારણ કહે છે કે એસસી-એસટીમાં કઈ જાતિનો સમાવેશ થશે અને કોણ બહાર થશે તે નક્કી કરવાનો અધિકાર માત્ર સંસદને છે, વિધાનસભાઓને નહીં. અમે માનીએ છીએ કે આ બંધારણીય જોગવાઈનું યોગ્ય અર્થઘટન છે. જ્યાં સુધી સામાજિક ન્યાયનો સવાલ છે, તો અમે કોઈ એક વર્ગ માટે સામાજિક ન્યાયની વાત કરતા નથી.

આ પણ વાંચો: લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ-પવાર-કૉંગ્રેસ સામે મૂકી શરત

આ સમગ્ર દેશના સ્તરે કહેવામાં આવે છે. હું તો કહું છું, સામાજિક ન્યાયની આ ચર્ચાની શરૂઆત ન્યાયતંત્રથી જ કેમ ન કરવી? તમે એસસી, એસટી અને ઓબીસીની વાત છોડો સવર્ણોને પણ ન્યાયતંત્રમાં પુરતી ભાગીદારી નથી મળતી. તો તમે કેવી રીતે કહી શકો કે તમે એક સમાજના આધારે અનામતનું પેટાવર્ગીકરણ કરશો અને બીજાના આધારે નહીં? આ ઈક્વાલિટી બિફોર લોનો મામલો છે. તેથી મને લાગે છે કે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો એવી બીજી ઘણી બાબતોને સામે લઈને આવ્યો છે જેના પર હવે ચર્ચા થશે. બીજી વાત એ કે, આ નિર્ણયથી સમસ્યા ઉકેલાવાને બદલે વધુ ગૂંચવાઈ છે.

તમને નથી લાગતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી રાજ્ય આ દિશામાં કેટલીક વિવાદાસ્પદ પહેલ કરશે અને તેને કોર્ટમાં મોટી બેંચના ધ્યાન પર લાવવામાં આવશે, જેમ કે કેશવાનંદ ભારતી વિ. યુનિયનના કેસમાં થયું હતું, જેમાં 13 સભ્યોની બેન્ચે ચૂકાદો આપ્યો હતો?

મૂળ મુદ્દો એ છે કે એસસી-એસટીના મામલે રાજ્યને કોઈ અધિકાર નથી. જે સત્તા છે તે માત્ર સંસદ પાસે છે. બંધારણ આ મામલે રાજ્યને શૂન્ય સત્તા આપે છે. અને અનુસૂચિત જાતિના મામલામાં જો કોઈની પાસે પાવર છે તો તે સંસદ પાસે છે. જ્યારે ચુકાદો કહે છે કે રાજ્યએ ક્વોટા નક્કી કરવો જોઈએ, તો આ ચુકાદો બંધારણની વિરુદ્ધ છે. તેથી જ મેં એ શબ્દનો ઉપયોગ કર્યો કે આ ચુકાદાએ મામલાને ઉકેલવાને બદલે જટિલ બનાવી દીધો છે. રહી વાત કેન્દ્ર સરકારની આ મામલામાં કોઈ હસ્તક્ષેપ કરવાની, તો મને લાગે છે કે આ નિર્ણય તેમના ઈન્ટ્રેસ્ટ પ્રમાણે જ આવ્યો છે, એટલે તેઓ તેને પડકારશે નહીં.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો કહે છે કે પેટા-વર્ગીકરણનો આધાર ઈંપીરીકલ ડેટા હોવો જોઈએ, જેની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં પ્રતિનિધિ તરીકે કરવામાં આવી છે. પરંતુ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ કેવી રીતે પ્રતિબિંબિત થશે, ઉદાહરણ તરીકે, શિક્ષકો અને વિદ્યાર્થીઓના દૃષ્ટિકોણથી?

જુઓ, વાત એ છે કે વર્તમાનમાં જે વસ્તીગણતરી થાય છે, તેમાં અનુસૂચિત જાતિની વિવિધ જાતિઓ માટેની કોલમ હોય છે, પણ તેને પ્રકાશિત કરવામાં આવતી નથી. SC સમુદાયની કુલ વસ્તી અને તેની ટકાવારી કેટલી છે તે પ્રસિદ્ધ કરવામાં આવે છે. પણ ચમાર કેટલાં છે, વાલ્મીકિ કેટલા છે, તે પ્રકાશિત કરવામાં નથી આવતું. મતલબ પેટાજાતિઓની વસ્તીનો ડેટા ચૂંટણી પંચ પાસે ચોક્કસ છે, પરંતુ પબ્લિક ડોમેનમાં નથી. અને તે પબ્લિક ડોમેનમાં ન હોવાને કારણે તમે એ પણ નક્કી નથી કરી શકતા કે કઈ જાતિનો કેટલો વિકાસ થયો છે અને કોનો નથી થયો. હું આ એટલા માટે કહી રહ્યો છું, કારણ કે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો ડેટા વગરનો છે.

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ વર્ગને સજાતીય વર્ગ નથી માન્યો. જ્યારે સમાજમાં વ્યવહારના સ્તરે તેમની વચ્ચે અસ્પૃશ્યતા એક સત્ય છે. આપ આ વિશે શું કહેશો?

અસ્પૃશ્યતા તો દરેક સ્તરે સામાન્ય હોય જ છે. એમાં કોઈ બેમત નથી. ચૂકાદામાં આ પણ એક ભૂલ છે.

એક પ્રશ્ન એ છે કે સુપ્રિમ કોર્ટે અનુસૂચિત જાતિ કેટેગરીના પેટા-વર્ગીકરણને આ શ્રેણીમાં કોઈપણ જાતિના સમાવેશ કે બાદબાકીની પ્રક્રિયા તરીકે ગણી નથી, જેના માટે માત્ર સંસદ અધિકૃત છે, તમારો શું અભિપ્રાય છે? 

હું એ જ તો કરી રહ્યો છું. જ્યારે રાજ્યને નિર્ણય કરવાનો અધિકાર જ નથી, તો પછી તમે રાજ્યને ક્વોટા અથવા પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર કેવી રીતે આપ્યો? રહી વાત SC અનામતની, તો તે સ્પષ્ટ છે કે વસ્તી ગણતરીમાં જે આંકડાઓ સામે આવશે તેના આધારે જ નક્કી કરવામાં આવશે. તો મુદ્દો એ છે કે પેટા વર્ગીકરણ રાજ્ય નક્કી કરે તે યોગ્ય નથી. રાજ્યને તે નક્કી કરવાનો અધિકાર નથી. SC-STના મામલામાં બંધારણે રાજ્યને બહાર રાખ્યું છે.

અનુસૂચિત જાતિમાં ક્રીમી લેયરની શક્યતા અંગે સાત જજોની બેન્ચનો ભાગ રહેલા જસ્ટિસ ગવઈ, જેઓ પોતે દલિત સમાજમાંથી આવે છે તેમના તારણોને તમે કેવી રીતે જુઓ છો? શું તમને લાગે છે કે તેમણે તેમના અનુભવોના આધારે આ વાત કહી હોય? બીજું કે શું ખરેખર અનુસૂચિત જાતિ માટે બંધારણમાં નિર્ધારિત અનામત ક્વોટાનો હવે આટલી હદે દુરુપયોગ થઈ રહ્યો છે?

જ્યારે તેમની(જસ્ટિસ બી.આર. ગવઈ) નિમણૂક કરવામાં આવી ત્યારે તેમના પિતા સ્પીકર અને ગવર્નર રહી ચૂક્યા હતા, એટલે તેમણે તેમના ચુકાદામાં લખવું જોઈતું હતું કે તેઓ પોતાને ક્રીમી લેયરમાં સામેલ કરે છે. તમારે તમારો ચૂકાદો પહેલા તમારા પર લાગુ કરવો જોઈએ.

આ નિર્ણય આંબેડકરવાદી ચળવળ, બ્રાહ્મણવાદ સામેના સંઘર્ષ અને દલિત રાજકારણ પર કેવી અસર કરશે?

જુઓ, આંબેડકરવાદ હવે માત્ર સરકારી નોકરીઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો. તેનો વિસ્તાર થયો છે. તે દરેક અન્યાયી બાબતો સુધી ફેલાઈ ગયો છે, અને એટલે જ તે આગળ વધી રહ્યો છે.

જસ્ટિસ પંકજ મિત્તલે ગીતા અને પૌરાણિક પાત્ર કૃષ્ણને ટાંકીને કહ્યું કે જાતિ વ્યવસ્થા બ્રાહ્મણવાદી માન્યતાઓનું વિકૃત સ્વરૂપ છે. તેમના મતે, બ્રાહ્મણવાદી ભૂતકાળ જાતિવિહીન હતો અને બંધારણે આપણને જાતિવિહીન સમાજ બનાવવાની તક આપી છે અને અનામતનો ઉપયોગ આર્થિક રીતે થવો જોઈએ. શું તમને નથી લાગતું કે જસ્ટિસ મિત્તલનું આ તારણ સામાજિક ન્યાય અંગે ઉચ્ચ જાતિ અને બ્રાહ્મણવાદી માનસિકતાનું સૂચક છે, જે સંપૂર્ણપણે અન્યાયી છે?

જ્યારે જસ્ટિસ પંકજ મિત્તલ પોતાને વૈદિક ધર્મ સાથે જોડે છે, ત્યારે તેઓ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. તેમણે તો એમ કહેવું જોઈએ કે મનુસ્મૃતિ ગેરકાયદે છે. તેમણે હિંમત કરવી જોઈએ કે, રાજસ્થાન હાઈકોર્ટની સામે રાખવામાં આવેલા મનુના પૂતળાને હટાવવામાં આવે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયમાં ઓબીસીના પેટા વર્ગીકરણને કેવી રીતે જોવું જોઈએ?

જુઓ, OBC માટે અનામત કલમ 340 મુજબ છે, જેના આધારે તૈયાર કરેલી યાદીને પડકારી શકાય છે. પરંતુ આ બંધારણની બહારની યાદી હોવાથી તે રાજ્યનો અધિકાર હોઈ શકે છે.

અંતિમ પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે આ નિર્ણય અનુસૂચિત જાતિના ક્વોટા અને તેમના રાજકારણને અસર કરશે? શું તમામ દલિત પક્ષો એક થઈને આ મુદ્દે લડશે, અને તમે તેમાં જોડાશો?

ચોક્કસ. મને લાગે છે કે યુપીમાં જેમ માયાવતી અને ચંદ્રશેખર આઝાદ છે, તેમણે સાથે બેસીને નિર્ણય લેવો જોઈએ. ચિરાગ પાસવાન અને રામદાસ આઠવલેએ નક્કી કરવું જોઈએ કે તેઓ સરકારમાં રહેવા માગે છે કે નહીં. જ્યાં સુધી અમારી પાર્ટીની વાત છે તો અમે તો લડી જ રહ્યાં છીએ. અને જો બધાં સાથે મળીને નિર્ણય કરે તો અમે આ લડતનું નેતૃત્વ કરવા તૈયાર છીએ.

આ પણ વાંચો: “મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.