લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ-પવાર-કૉંગ્રેસ સામે મૂકી શરત
Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં ડૉ. આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસ સાથેના મહા વિકાસ અઘાડી ગઠબંધન આગળ જે શરત મૂકી તેનાથી ત્રણેય પક્ષો મૂંઝવણમાં મૂકાયા છે.
Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં લોકસભા સીટોની વહેંચણી મુદ્દે NDA અને INDIA બંને ગઠબંધનોમાં ખેંચતાણ ચાલી રહી છે. ગઈકાલે વિપક્ષી ગઠબંધન મહા વિકાસ અઘાડી(MVA) ના સાથી પક્ષોના નેતાઓ અને વંચિત બહુજન અઘાડી (VBA)ના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર વચ્ચે રાજ્યની 48 લોકસભા સીટોની વહેંચણીને લઈને મુંબઈની એક હોટલમાં બેઠક યોજાઈ હતી. લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલી આ બેઠક અંતે અનિર્ણાયક રહી હતી.
મળતી માહિતી પ્રમાણે ડૉ. આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકરે આ બેઠકમાં બે એવી શરતો મૂકી દીધી હતી જેનાથી મહા વિકાસ અઘાડીના બે નેતાઓ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે ટેન્શનમાં આવી ગયા હતા. વાસ્તવમાં, પ્રકાશ આંબેડકરે આ મિટીંગમાં રાજ્યની કુલ 48 લોકસભા સીટોમાંથી 17 સીટોની માંગણી કરી દીધી હતી. એટલું જ નહીં, તેમણે અકોલા, અમરાવતી, ડિંડોરી, રામટેક અને મુંબઈની એક સીટ પર પણ દાવો ઠોકી દીધો હતો. આ સિવાય તેમણે સાંગલી અને વર્ધા સીટો પર વહેંચણી પહેલા જ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જ્યાં સામાન્ય રીતે કૉંગ્રેસ ચૂંટણી લડે છે. પ્રકાશ આંબેડકરની આ શરતોથી સાથી પક્ષો કૉંગ્રેસ, શીવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ) અને એનસીપી(શરદ પવાર) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં SC, ST, OBCની 48 હજારથી વધુ નોકરીઓ ખાલી
પ્રકાશ આંબેડકરે આ બેઠકમાં બીજી પણ એક શરત રાખી દીધી હતી જેણે ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવારને મૂંઝવણમાં મૂકી દીધા હતા. બેઠકમાં પ્રકાશ આંબેડકરે શરત રાખી કે ગઠબંધનના બધા સાથીપક્ષોએ લેખિતમાં આપવું પડશે કે ચૂંટણી પછી તેઓ ભાજપ સાથે કોઈ જોડાણ નહીં કરે. વાસ્તવમાં, પ્રકાશ આંબેડકરે આ મુદ્દો એટલા માટે ઉઠાવ્યો કેમ કે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમા એવી ચર્ચા ચાલી રહી છે કે, મહા વિકાસ અઘાડીના કેટલાક સાથી પક્ષો ભાજપ સાથે અંદરખાને વાતચીત કરીને જોડાણ કરવાની વેતરણમાં છે.
બેઠક બાદ એક ટીવી ચેનલ સાથે વાત કરતા વંચિત બહુજન અઘાડીના પ્રવક્તા સિદ્ધાર્થ મોકલેએ કહ્યું કે, તેમની પાર્ટી બેવડા ધોરણોની વિરુદ્ધ છે. એટલે પ્રકાશ આંબેડકરે સાથી પક્ષો સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, વંચિત બહુજન અઘાડી સત્તાધારી ભાજપને કેન્દ્રમાંથી દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે, એટલે સાથીપક્ષોએ પણ આવી જ પ્રતિબદ્ધતા બતાવવાની જરૂર છે.
દરમિયાન શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો વચ્ચે રાજ્યની 48 સીટોની વહેંચણી મુદ્દે કોઈ મુદ્દે વિવાદ નથી. રાઉતે કહ્યું કે, સીટોની વહેંચણી મુદ્દે મહાવિકાસ અઘાડીના સભ્યો દ્વારા સંયુક્ત રીતે જાહેરાત કરવામાં આવશે. જો કે, તેમણે તેની નિશ્ચિત તારીખ જણાવવાનો ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ નામદેવ ઢસાળઃ દલિત પેન્થરના સ્થાપક, ભારતીય કવિતાઓના આંબેડકર
સંજય રાઉતે કહ્યું કે, મહાવિકાસ અઘાડી વચ્ચે 48 સીટોમાંથી એકેય સીટ પર કોઈ વિવાદ નથી. પ્રકાશ આંબેડકર સાથે પણ અમારી બહુ સકારાત્મક ચર્ચા થઈ છે. તેઓ વડાપ્રધાન મોદીના તાનાશાહી શાસનને દૂર કરવાના અમારા વલણથી પણ સંતુષ્ટ છે. પ્રકાશ આંબેડકરે અમને જે પ્રસ્તાવ આપ્યો હતો તેના પર પણ સકારાત્મક ચર્ચા થઈ છે. બેઠકમાં અન્ય લોકો ઉપરાંત શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, જિતેન્દ્ર આવ્હાડ અને પ્રકાશ આંબેડકર મોજૂદ હતા.
સંજય રાઉતે એકતા બતાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પ્રકાશ આંબેડકરના પક્ષની તેમને અલગ રીતે બીક છે. આમ પણ વંચિત બહુજન અઘાડીએ પહેલેથી જ સાંગલી અને વર્ધા બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જ્યાં સામાન્ય રીતે કૉંગ્રેસ ચૂંટણી લડે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેની શીવસેના અને કૉંગ્રેસ બંને મહારાષ્ટ્રમાં કોલ્હાપુર સીટ પર દાવો ઠોકી રહી છે. મુંબઈ દક્ષિણ મધ્ય સીટ પણ ઉદ્ધવ ઠાકરે અને કૉંગ્રેસ વચ્ચે એક વિવાદ સ્વરૂપે ઉભરી રહી છે.
રાજકીય નિષ્ણાતોના મતે મહાવિકાસ અઘાડીના ત્રણેય સાથીપક્ષો (શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે-કૉંગ્રેસ) મતોના ભાગલાની કોઈપણ પ્રકારની શક્યતાઓથી બચવા માટે પ્રકાશ આંબેડકરને પોતાના પક્ષમાં રાખવા માંગે છે. પ્રકાશ આંબેડકર ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર છે અને તેમને મહારાષ્ટ્રના દલિતોનું મજબૂત સમર્થન છે. એટલે જ છેલ્લાં ઘણાં દિવસોથી તેમની વચ્ચે સીટોની વહેંચણીને લઈને ગહન વાતચીત ચાલી રહી છે. પણ પ્રકાશ આંબેડકરની શરતોએ તેમને મૂંઝવણમાં મૂકી દીધા છે.
આ પણ વાંચોઃ “મારા દાદા ડૉ. બાબાસાહેબ આંબેડકરે ચેતવ્યા હતા કે...” પ્રકાશ આંબેકરે રામ મંદિરનું નિમંત્રણ ઠુકરાવ્યું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.