વર્ષ 2016ના સફાઈ કર્મચારીઓના આંદોલન કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 6 નિર્દોષ જાહેર

જિગ્નેશ મેવાણીને અગાઉ પણ આ રીતે કેસોમાં ફસાવવાના પ્રયત્નો થયા છે. ગયા વર્ષે તેમના પર ટ્વિટ જેવી સામાન્ય બાબતે છેક આસામમાં કેસ થયો હતો.

વર્ષ 2016ના સફાઈ કર્મચારીઓના આંદોલન કેસમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિત 6 નિર્દોષ જાહેર
Photo By Google Images

અમદાવાદના ઈન્કમટેક્સ ખાતે વર્ષ 2016માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓના પ્રશ્નોને લઈને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના કાર્યકરોએ ધરણાં કર્યા હતા, એ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ મામલે થયેલા કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે જિગ્નેશ મેવાણી સહિત 6 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવા આદેશ કર્યો હતો.

શું હતો મામલો?
તા. 27 સપ્ટેમ્બર 2016ના રોજ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, માનાભાઈ પટેલિયા સહિતના કાર્યકરોએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ અને મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કામ કરતા રોજમદાર કંડક્ટરોના હકો માટે ઈન્કમ ટેક્સ ખાતે ધરણાં કર્યા હતા. એ દરમિયાન પોલીસ સાથે કાર્યકરોનું ઘર્ષણ થયું હતું. જેને લઈને બાદમાં પીએસઆઈ આર.જે. બોડાતે ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં જિગ્નેશ મેવાણી સહિત 6 લોકો સામે અમદાવાદ મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરાઈ હતી.


આ કેસ કોર્ટ પર આવતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કાર્યકરો તરફથી એડવોકેટ પિયુષ જાદુગર, પરેશ વાઘેલા, ભાનુભાઈ શેખાવા અને રીતુ મકવાણાએ હાજર રહ્યાં હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે, સમગ્ર કેસ ખોટી રીતે કરવામાં આવ્યો છે અને તે નિઃશંકપણે પુરવાર થતો નથી, એટલું જ નહીં ફરિયાદને સમર્થન કરતા પુરાવાઓ રજૂ કરવામાં પણ ફરિયાદી નિષ્ફળ નીવડ્યા છે, જેથી તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા જોઈએ. કોર્ટે આ રજૂઆત માન્ય રાખી હતી અને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને તમામ આરોપીઓને નિર્દોષ છોડવા આદેશ કર્યો હતો.


જિગ્નેશ મેવાણીને અગાઉ પણ ખોટા કેસોમાં ફસાવાયા છે
આ જો કે પહેલીવારનો મામલો નથી. અગાઉ પણ જિગ્નેશ મેવાણીને આ રીતે કેસમાં ફસાવીને હેરાન કરવામાં આવ્યા છે. એપ્રિલ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલી એક ટ્વિટ બદલ તેમના પર છેક આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. એ પછી તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 21 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસમાં જામીન મળ્યા તો તરત આસામની જ બારપેટા પોલીસે અન્ય એક કેસમાં તેમની ધરપકડ કરી હતી. જ્યાંથી તેમને પછી શરતી જામીન મળ્યાં હતાં.

આ પણ વાંચોઃ રાજકીય પક્ષોને કોણ નાણાં આપે છે તે જાણવાનો નાગરિકોને અધિકાર નથી: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.