રાજકીય પક્ષોને કોણ નાણાં આપે છે તે જાણવાનો નાગરિકોને અધિકાર નથી: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર

રાજકીય પક્ષોને કોણ નાણાં આપે છે તે જાણવાનો નાગરિકોને અધિકાર નથી: સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર
Photo By Google Images

કેન્દ્ર સરકાર વિવિધ રાજકીય પક્ષોને ફંડ મેળવવા માટે ૨૦૧૮માં ઇલેક્ટોરલ બોન્ડ લાવી છે. જોકે ઇલેક્ટોરલ બોન્ડને પડકારતી ચાર અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થઇ છે. જે મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. પોતાના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે રાજકીય પક્ષોને ફંડ ક્યાંથી મળે છે તે જાણવાનો નાગરિકોને કોઈ જ અધિકાર નથી. એટલું જ નહીં કેન્દ્રએ એવો પણ જવાબ આપ્યો હતો કે ચૂંટણી સંલગ્ન બોન્ડ અંગે સમીક્ષા કરવાનો સુપ્રીમ કોર્ટને પણ કોઈ જ અધિકાર નથી.

સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓમાં એવો દાવો કરાયો છે કે આ ચૂંટણી બોન્ડ અથવા તો ઇલેક્ટોરલ બોન્ડ પારદર્શી નથી, સાથે જ તેને લોકશાહી વિરૂદ્ધના પણ ગણાવવામાં આવ્યા. કોઇ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને કયા પક્ષને કેટલુ ફંડ આપી રહ્યું છે તેની જાણકારી જનતાને આપવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. આ અરજીઓની સુનાવણી સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં ગઠીત પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ કરી રહી છે. 

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ આર. વેંકટરમણીએ સોગંદનામુ દાખલ કર્યું હતું, જેમાં કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે બંધારણે નાગરિકોને રાજકીય પક્ષોને મળતા ફંડની જાણકારી મેળવવાનો મૌલિક અધિકાર નથી આપ્યો. કેન્દ્રએ સુપ્રીમને જણાવ્યું હતું કે ચૂંટણી લડતા ઉમેદવારોની સામે કેટલા ક્રિમિનલ કેસો છે તેની જાણકારી મેળવવાનો નાગરિકોને અધિકાર છે, જોકે તેનો અર્થ એ નથી થતો કે નાગરિકોને પક્ષોને મળતું ફંડ ક્યાંથી આવે છે તે જાણવાનો પણ અધિકાર છે. સુપ્રીમ કોર્ટ ઇલેક્ટોરલ બોન્ડ સામે થયેલી અરજીઓની સુનાવણી ક૨વા જઇ રહી હતી તે પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા પોતાનો જવાબ ૨જુ ક૨વામાં આવ્યો હતો. કેન્દ્રએ એવી પણ દલીલ કરી હતી કે રાજકીય પક્ષોને જે લોકો દાન આપે છે તેમની માહિતી ગુપ્ત રાખવાનો પણ તેઓને અધિકાર છે. સાથે જ આ યોજનાથી કોઇના અધિકારોનું ઉલ્લંઘન પણ નથી થઇ રહ્યું, તેથી સુપ્રીમ કોર્ટ આ મામલામાં સુનાવણી ત્યારે જ કરી શકે જ્યારે કોઈ અધિકારોનું ઉલ્લંઘન થતું હોય.

આ વિવાદ વચ્ચે કોંગ્રેસે શું કહ્યું?

વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતા પી. ચિદંબરમે ટ્વિટર પર ભાજપને ઘેરી હતી, ચિદંબરમે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભાજપે નક્કી કરી લીધુ છે કે તે કાવતરા કરીને જ ફંડ મેળવશે. આ કાવતરાના ભાગરૂપે તે મોટા કોર્પોરેટ હાઉસ પાસેથી જે ફંડ મેળવ્યું છે તેનો ઉપયોગ કરશે. હવે જોઇએ કે મોટા કોર્પોરેટ જીતે છે કે સામાન્ય નાગરિકો જીતે છે કે જેઓ રાજકીય પક્ષોને દાન આપવામાં ગૌરવ અનુભવે છે. ચિદંબરમના આરોપોનો વળતો જવાબ આપતા ભાજપના આઇટી સેલ હેડ અમિત માલવીયએ કહ્યું હતું કે કોંગ્રેસ વધુ પારદર્શી અને લોકશાહીવાળા રાજકિય ફન્ડિંગની પદ્ધતિ લાગુ કરવાના પ્રયાસોનો વિરોધ કરી રહી છે.

આ પણ વાંચોઃ છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.