છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!

છેલ્લાં 5 વર્ષમાં હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 79 ટકા જજો સવર્ણ જાતિના; SC 2.8 ટકા, ST 1.3 ટકા, લઘુમતિ ફક્ત 2 ટકા!
image credit - Google images

High Court Judge Recruitment: ગુજરાત સહિત દેશભરમાં લગભગ તમામ ક્ષેત્રોમાં કથિત સવર્ણ જાતિઓનો દબદબો હોવાની વાત હવે અજાણી નથી રહી. સંસદ, કારોબારી, મીડિયા બાદ ન્યાયતંત્રમાં પણ કથિત સવર્ણોની જ ઈજારાશાહી હોવાનું ખુદ કેન્દ્રીય કાયદા મંત્રાલયના એક રિપોર્ટમાં સામે આવ્યું છે.

કેન્દ્રીય કાયદા મંત્રાલયે કાયદા અને ન્યાય વ્યવસ્થાની ભરતીઓને લઈને સંસદીય સ્થાયીને આપેલા આંકડાઓ ચોંકાવનારા છે. એ મુજબ છેલ્લાં 5 વર્ષોમાં દેશની વિવિધ High Courtમાં કરવામાં આવેલી જજોની નિયુક્તિઓમાં 79 ટકા જજો કથિત ઉચ્ચ જાતિ(General Categories) ના છે.

આંકડાઓ જણાવે છે કે વર્ષ 2018થી 19 ડિસેમ્બર 2022 સુધીમાં કુલ 537 જજોને વિવિધ હાઈકોર્ટોમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ જજો પૈકી 79 ટકા જજો જનરલ કેટેગરીમાંથી, 11 ટકા ઓબીસી વર્ગમાંથી અને 2.6 ટકા લઘુમતિ સમાજમાંથી હતા. જ્યારે અનુસૂચિત જાતિના જજોની ટકાવારી ફક્ત 2.8 ટકા અને અનુ. જનજાતિના જજોની ટકાવારી ફક્ટ 1.3 ટકા હોવાનું જણાયું છે. આ સિવાય 20 જજો એવા હતા જેમનું સામાજિક બેકગ્રાઉન્ડ જાણી શકાયું નહોતું.

કક્ષા

બાર

સર્વિસ

કુલ

ટકાવારી

સામાન્ય(General)

213

211

424

79%

ઓબીસી(OBC)

28

29

57

11%

લઘુમતી(Minority)

08

06

14

2.6%

અનુસૂચિત જાતિ(SC)

07

08

15

2.8%

અનુસૂચિત જનજાતિ(ST)

03

04

07

1.3%

જેમના વિશે જાણકારી ન મળી

12

08

20

 

કુલ (2018થી ડિસેમ્બર 2022 સુધી)

271

266

537

 

 

છેલ્લે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાળે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું છે તે મુજબ, વર્ષ 2018થી 17 જુલાઈ 2023 સુધીમાં નિયુક્ત કરવામાં આવેલા 604 હાઈકોર્ટ જજોમાંથી 458 જજ જનરલ કેટેગરીના છે. 18 જજો એસસી છે. 9 એસટી સમાજના અને 72 ઓબીસી શ્રેણીના છે. 34 લઘુમતિ સમાજના છે. આ સિવાય 13 જજો એવા છે જેમના વિશે કોઈ જાણકારી મળી શકી નથી.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટોમાં જજોની નિયુક્તિ બંધારણની કલમ 124, 217 અને 224 હેઠળ કરવામાં આવે છે. તે કોઈપણ જાતિ કે વર્ગના લોકો માટે અનામત પ્રદાન નથી કરતી. તેમ છતાં વગર અનામતે તેમાં ચોક્કસ જ્ઞાતિના લોકોનો જ દબદબો રહ્યો હોવાનું આ આંકડાઓ પરથી ફલિત થાય છે.

કાયદામંત્રી મેઘવાળે જણાવ્યું હતું કે, સરકાર હાઈકોર્ટોના મુખ્ય ન્યાયધીશોને અનુરોધ કરે છે કે ન્યાયધીશોની નિયુક્તિનો પ્રસ્તાવ મોકલતી વખતે સામાજિક વિવિધતા સુનિશ્ચિત કરવા માટે એસસી, એસટી, ઓબીસી, લઘુમતિઓ અને મહિલાઓની ભાગીદારી પર યોગ્ય વિચાર કરવામાં આવે.

 

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.