આ વર્ષે 4300 કરોડપતિઓ ભારત છોડી અન્ય દેશોમાં સ્થાયી થશે
ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં કરોડપતિઓ પોતાનો બિઝનેસ સમેટીને અન્ય દેશોમાં સ્થાયી થઈ રહ્યાં છે. આ વર્ષે પણ 4300 કરોડપતિઓ ભારત છોડશે.
ભારતમાં અમીરો ગરીબો વચ્ચેની ખાઈ દિનપ્રતિદિન પહોળી થતી જઈ રહી છે. ગરીબો વધુ ગરીબ બની રહ્યાં છે અને માલેતુજારો વધુને વધુ પૈસા કમાઈને મોજ કરી રહ્યાં છે. ભારતમાં માલેતુજારો માટે અનેક અનુકૂળતા વચ્ચે પણ છેલ્લાં કેટલાક વર્ષોથી કરોડપતિઓ પોતાનો બિઝનેસ સમેટીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યાં છે. આ વર્ષે પણ આ રીતે 4300 જેટલા કરોડપતિઓ ભારત છોડીને વિદેશમાં સ્થાયી થશે તેવું એક રિપોર્ટમાં સામે આવ્યું છે.
આ પરિસ્થિતિ જો કે ચીન, બ્રિટન જેવા દેશોમાં પણ જોવા મળી રહી છે. જ્યાં કરોડપતિઓ અન્ય દેશોમાં વસવાટ કરવા જઈ રહ્યાં છે. ભારતની સરખામણીએ અહીંથી ઘણાં વધુ હાઈ નેટ વર્થ ઈન્ડિવિજ્યુઅલ્સ(HNI) અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. હેનલે એન્ડ પાર્ટનર્સે ૧૦ દેશોની યાદી બહાર પાડી છે જ્યાંથી સૌથી વધુ આ પ્રકારના એચએનઆઈ આ વર્ષમાં અન્ય દેશોમાં સ્થાયી થઈ શકે છે.
હેનલે એન્ડ પાર્ટનર્સનો પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન ૨૦૨૪ રિપોર્ટ જણાવે છે કે આ વર્ષે 4300 કરોડપતિઓ ભારત છોડીને અન્ય દેશોમાં સ્થાયી થઈ શકે છે. ટોપ-૧૦ દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. જો કે, આ વર્ષના આંકડા છેલ્લા બે વર્ષમાં ભારતમાંથી સ્થળાંતર કરીને ગયેલા કરોડપતિઓની સંખ્યા કરતા ઘણાં ઓછા છે. વર્ષ ૨૦૨૨માં ભારત છોડીને જનારા કરોડપતિઓની સંખ્યા લગભગ ૭,૦૦૦ હતી, જે ૨૦૨૩માં ઘટીને ૫૧૦૦ થઈ હતી અને આ વર્ષે તેમાં વધુ ઘટાડો થઈ શકે છે.
આ પણ વાંચો: અમેરિકાના H1-B વિઝાની અરજીઓમાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો
ટોપ-૧૦ દેશોની આ યાદી પર નજર કરીએ તો, મોટા ભાગના એચએનઆઈ વર્ષ ૨૦૨૪માં ચીનથી અન્ય દેશોમાં જઈ શકે છે. હેનલે એન્ડ પાર્ટનર્સ અનુસાર, આ આંકડો ૧૫,૨૦૦ હોઈ શકે છે અને તે વર્ષે વધી રહ્યો છે. એ રીતે ચીનમાં ભારતની તુલનામાં લગભગ ત્રણ ગણા કરોડપતિઓ દેશને બાય-બાય કહેવા માટે તૈયાર છે. આ મામલામાં બીજા નંબર પર બ્રિટનનું નામ સામેલ છે. અહેવાલો અનુસાર, અહીં ચાલુ વર્ષે ૯,૫૦૦ કરોડપતિઓ દેશ છોડીને અન્ય દેશોમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યા છે. દક્ષિણ કોરિયામાં આ અંદાજિત આંકડો ૧૨૦૦ છે, જ્યારે રશિયામાં તે ૧૦૦૦ છે. અન્ય દેશોની વાત કરીએ તો છઠ્ઠા નંબર પર બ્રાઝિલ છે જ્યાંથી ૮૦૦ કરોડપતિ દેશ છોડવાની તૈયારી કરી રહ્યાં છે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના ૬૦૦, તાઈવાનના ૪૦૦, જ્યારે નાઈજીરિયા અને વિયેતનામના ૩૦૦-૩૦૦ કરોડપતિઓ અન્ય દેશોમાં સ્થાયી થવાની યોજના બનાવી રહ્યાં છે.
આ કરોડપતિઓ ક્યાં સ્થાયી થશે?
હેનલે એન્ડ પાર્ટનર્સ અનુસાર, યુએઈ કરોડપતિઓ માટે સૌથી પસંદગીનું સ્થળ બની ગયું છે. એવો અંદાજ છે કે આ વર્ષે ૬,૭૦૦ એચએનઆર અહીં સ્થાયી થઈ શકે છે. જ્યારે ૩૮૦૦ કરોડપતિઓ અમેરિકાને પોતાનું ઘર બનાવી શકે છે. આવા દેશોની યાદીમાં સિંગાપુર (૩૫૦૦), કેનેડા (૩૨૦૦), ઓસ્ટ્રેલિયા (૨૫૦૦), ઇટાલી (૨૨૦૦), સ્વિટ્ઝર્લેન્ડ (૧૫૦૦), ગ્રીસ (૧૨૦૦), ૮૦૦ કરોડપતિઓ સાથે પોર્ટુગલ અને ૪૦૦ કરોડપતિઓ સાથે જાપાન સામેલ છે.
શા માટે કરોડપતિઓ ભારત છોડી રહ્યાં છે?
સામાન્ય માણસ સવાલ થઈ રહ્યો છે કે, શા માટે કરોડપતિઓ ભારત છોડીને અન્ય દેશોમાં જઈ રહ્યાં છે. વાસ્તવમાં, ભારતમાં ટેક્સ સંબંધિત નિયમોમાં જટિલતાઓને કારણે દર વર્ષે હજારો અમીરો દેશ છોડીને જતા રહે છે. ઓસ્ટ્રેલિયા, યુએઈ અને સિંગાપોર વિશ્વભરના અમીરો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવતા દેશો છે. કારણ કે અમીરો એવા દેશોમાં જવાનું પસંદ કરે છે જ્યાં ટેક્સ સંબંધિત નિયમો લચીલા હોય છે. આ સિવાય લોકો બહેતર જીવનશૈલી, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોને પ્રાધાન્ય આપીને અન્ય દેશોમાં જઈને સ્થાયી થાય છે. આ ત્રણ દેશોમાં આ તમામ સુવિધાઓ સરસ રીતે આપવામાં આવે છે.
આ પણ વાંચો: નર્કાગાર જેવી સ્થિતિ છતાં શા માટે ભારતીય મજૂરો કુવૈત જાય છે?
.