વરસાદમાં 61 મોત, 535નું રેસ્ક્યૂ, 4238 લોકોનું સ્થળાંતર કરાયું

ગુજરાતમાં ભારે વરસાદને કારણે આ સિઝનમાં 61 લોકોના મોત થયા છે. પાણી ભરાવાથી 17 સ્ટેટ હાઇવે સહિતના 666 માર્ગો બંધ કરાયા છે.

વરસાદમાં 61 મોત, 535નું રેસ્ક્યૂ, 4238 લોકોનું સ્થળાંતર કરાયું
image credit - Google images

રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ભારે હાલાકીની સ્થિતિ સર્જાઈ છે. રાજયમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 8 વ્યક્તિના મોત નિપજ્યાં છે. તો 215 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે, જ્યારે 800થી વધુ વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે. જ્યારે પાણી ભરાવાના કારણે રાજયમાં 17 સ્ટેટ હાઇવે સહિત કુલ 666 માર્ગો બંધ કરાયા હોવાનું રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું.

રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તો કેટલાક વિસ્તારોમાં જાનહાનિના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. રાજયમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતી અંગે રાજ્યના રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજયમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો કુલ 51 ટકા વરસાદ નોંધાયો છે. સિઝનમાં 73 તાલુકાઓમાં 500 મીમીથી વધુ વરસાદ થયો છે. આજે રાજયમાં સૌથી વધુ વરસાદ આણંદ જિલ્લાના બોરસદમાં નોંધાયો છે, તેમજ તિલકવાડા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 54 ટકા ભરાયો છે. જ્યારે રાજ્યના 206 ડેમમાંથી 46 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે 51 ડેમ હાઇ એલર્ટ પર છે. જ્યારે ભારે વરસાદના કારણે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. ત્રણ તળાવ ઓવરફ્લો થયા છે.

આ પણ વાંચો: બળાત્કારની વધતી ઘટનાઓ પાછળ સ્ત્રીઓના કપડાં જવાબદાર: ભાજપ નેતા

રાહત કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં ભારે વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 8 માનવ મૃત્યુ નોંધાયા છે. જેમાં 3 દ્વારકામાં, 2 બનાસકાંઠામાં જ્યારે કચ્છ, રાજકોટ, સુરતમાં 1-1 સહિત કુલ 8 મોત થયા છે. જ્યારે સિઝનમાં રાજયમાં કુલ 61 મૃત્યુ નોંધાયા છે.

પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા 24 કલાકમાં 215 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે તો 800થી વધુ વ્યક્તિનું સ્થળાંતર કરાયું છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 535 વ્યક્તિનું રેસ્ક્યૂ કરાયું છે તો 4238 વ્યક્તિનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

રાહત કમિશનરે રાજયમાં ભારે વરસાદથી પાણી ભરાવાથી માર્ગો બંધ કરાયા છે તે અંગે જણાવ્યું હતું કે, રાજયમાં વિવિધ વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાવાના કારણે 17 સ્ટેટ હાઇવેને બંધ કરાયા છે, તો 42 અન્ય માર્ગોને જ્યારે 607 પંચાયત હસ્તકના માર્ગો મળીને કુલ 666 માર્ગો બંધ કરાયા છે.

રાહત કમિશનર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે, ભારે વરસાદના પગલે રાજયમાં એનડીઆરએફની 13 ટીમોને તહેનાત કરાઇ છે. જ્યારે એસડીઆરએફની 20 ટીમોને તહેનાત કરાઇ છે. તો એનડીઆરએફની 2 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

આલોક પાંડે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોના 253 વીજ ટ્રાન્સફોર્મર અસરગ્રસ્ત થયા છે. જેમાંથી 184 વીજ ટ્રાન્સફોર્મરને પૂર્વવત કરી દેવાયા છે. જ્યારે 69 વીજ ટ્રાન્સફોર્મરને રિપેરિંગ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

આ પણ વાંચો: જૂનાગઢના વંથલીમાં 24 કલાકમાં 15 ઈંચ, વિસાવદરમાં 13 ઈંચ વરસાદ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.