Ujjain Rape Caseની દલિત પીડિતાને સરકારી સહાયના નામે મળ્યાં ફક્ત 600 રૂપિયા! જો પીડિતા સવર્ણ હોત તો..?

કહેવાતા ભગવાનની નગરી ઉજ્જૈનમાં ગયા મહિને બનેલી 12 વર્ષની સગીરા પરની બળાત્કારની ઘટનાએ દેશ આખાને હચમચાવી નાખ્યો હતો. પણ હવે તેમાં સરકારે જે કર્યું છે તેનાથી તમે ફરી હચમચી જશો..

Ujjain Rape Caseની દલિત પીડિતાને સરકારી સહાયના નામે મળ્યાં ફક્ત 600 રૂપિયા! જો પીડિતા સવર્ણ હોત તો..?

મહાકાલ મંદિરને લઈને જાણીતા મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ગયા મહિને લોહીથી લથપથ અને અર્ધનગ્ન સ્થિતિમાં લોકોના દરવાજે દરવાજે ભટકીને મદદની ભીખ માંગતી માસુમ સગીરાની તસવીરોએ દેશ આખામાં સૌ કોઈને રડતાં કરી દીધાં હતા. લોકોનું દબાણ વધતા પોલીસ સક્રીય થઈ હતી અને આ કેસમાં કાર્યવાહી કરીને બળાત્કારની ઘટનાને અંજામ આપનારા આરોપીને પકડી પાડ્યો હતો. પીડિતાને દવાખાને દાખલ કરવામાં આવી હતી અને હવે તેની તબિયત સુધારા પર છે અને તે પોતાના ઘરે પહોંચી ગઈ છે. જો કે મામલો દલિતનો હોય ત્યારે સરકાર કેટલી નિષ્ઠુર થઈ જાય છે તેનો નમૂનો એ પછી જોવા મળ્યો છે. એક ન્યૂઝ ચેનલની ટીમ ઉજ્જૈનથી અંદાજે 700 કિમી દૂર આવેલા પીડિયાના ઘરે પહોંચી તો ચોંકાવનારી હકીકતો સામે આવી છે. એમાં ઊંડા ઉતરતા પહેલા સમગ્ર ઘટના શું હતી તેની વાત કરીએ.

ઉજ્જૈનમાં એક ઓટોરિક્ષા ચાલકે ગત 25મી સપ્ટેમ્બર 2023ના રોજ અંદાજે 12 વરસની સગીરા પર બળાત્કાર કર્યો હતો. એ પછી લોહીથી લથપથ પીડિતા અર્ધનગ્ન સ્થિતિમાં કહેવાતા ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનના રસ્તાઓ પર સતત 8 કિમી સુધી ચાલીને લોકોની મદદ માંગતી રહી. પણ કોઈ તેની મદદ માટે આગળ આવ્યું  નહોતું. પીડિતા ઘરે ઘરે ભટકી રહી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને લોકોએ સમગ્ર ઘટના પર ફિટકાર વરસાવવાનું શરૂ કરી દીધું હતું. એ પછી એક વ્યક્તિએ તેની મદદ કરી હતી અને પોલીસને બોલાવીને તેણીને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. સારવાર બાદ પીડિતાને 12 ઓક્ટોબરના રોજ તેના ઘેર મોકલી દેવામાં આવી હતી. આ ઘટનામાં જ્યારે આરોપી પકડાઈ ગયો તો સરકારે મોટા મોટા વાયદાઓ કર્યા હતા. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણે આ ઘટનાને લઈને કહ્યું હતું કે તેનાથી મધ્યપ્રદેશની આત્માને મોટી ઈજા પહોંચી છે. તે મધ્યપ્રદેશની દીકરી છે અને અમે એ રીતે જ તેની ચિંતા કરીશું, તેની સંભાળ રાખીશું.

આ ઘટનાને આજે એક મહિનો થઈ ગયો છે છતાં તંત્ર તરફથી કોઈ અધિકારીએ પીડિતાના ઘર સુધી જવાની તસ્દી લીધી નથી. પીડિતાનું ઘર સતના ઓફિસથી માત્ર 20 કિમી દૂર છે. પીડિતા એક ઘાસની બનાવેલી ઝૂંપડીમાં રહે છે અને ઘરમાં માટીનો ચૂલો છે. બહાર જવાના નામે હવે તે માત્ર તેની કાકી સાથે નજીકમાં આવેલા એક નળ સુધી પાણી ભરવા જાય છે. એ સિવાય તે ઘરમાં જ પુરાયેલી રહે છે.

પીડિતાના ગામમાં આભડછેટ પણ ચરમસીમાએ છે
પીડિતાના પરિવારનો આરોપ છે કે ગામમાં આભડછેટ ચરમસીમા પર છે. પીડિતા અનુસૂચિત જાતિના દોહર સમાજની છે. તેના ભાઈનું કહેવું છે કે, તેના કારણે જ ગામમાં સરપંચ કે વહીવટી તંત્રે તેમની તરફ પાછું વળીને જોયું નથી. ગામમાં અંદાજે 700 મતદારો છે જેમાંના અડધા અગ્ર જાતિના છે અને અડધા દલિત છે. પીડિતાના ભાઈએ કહ્યું કે, અમે નીચી જાતિના છીએ, જો અમે કહેવાતી ઊંચી જાતિના હોત તો અમારી સમસ્યાને તરત સાંભળવામાં આવત અને તેનો ઉકેલ પણ ઝડપથી આવી જાત. આંકડાઓ પણ જણાવે છે કે મધ્યપ્રદેશમાં દલિતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

મધ્યપ્રદેશમાં દલિતો સામે અત્યાચારના આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતા ઊંચા
આંકડાઓ પણ સાબિત છે કે મધ્યપ્રદેશમાં દલિતો સામે ગુનાઓ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ છે. વર્ષ 2021માં દલિતો સામે અત્યાચારના 50 હજાર મામલાઓ સામે આવ્યા હતા, જ્યારે એકલા મધ્યપ્રદેશમાં અત્યાચારનો આંકડો 7211 હતો. 2021માં દેશભરમાં દલિતો વિરુદ્ધ અત્યાચારનો દર 25.3 ટકા હતો, જ્યારે મધ્યપ્રદેશમાં આ દર 63.6 ટકા આસપાસ હતો.

ભાજપના નેતાએ કરી રૂ. 1500ની મદદ
પીડિતાનો પરિવાર અને તેના પડોશીઓ જણાવે છે કે, તેમને અત્યાર સુધીમાં કોઈ મોટી સહાય મળીનથી. પીડિતાના ઘેર પરત ફર્યા બાદ સૌથી મોટી સહાય ભાજપના ઉમેદવાર સુરેન્દ્રસિંહ ગરેવાર તરફથી મળી છે. નેતાજી ખબરઅંતર પૂછવા માટે આવીને રૂ. 1500ની મદદ આપી ગયા છે, જેનાથી ઘરનું રાશન લાવી શક્યા છીએ.

સરકારે તરફથી મળ્યું ફક્ત રૂ. 600નું પેન્શન
પરિવારને સરકાર તરફથી કોઈ મદદ મળી છે કે કેમ તેઓ સવાલ પૂછતા તેણે જણાવ્યું હતું કે સરકારમાંથી એકમાત્ર મદદ જે મળી છે તે દર મહિના રૂ. 600ની સામાજિક ન્યાય પેન્શન યોજના. એવું લાગી રહ્યું છે કે નારી સન્માન, લાડલી લક્ષ્મી, લાડલી બહેના અને મહિલા સુરક્ષા જેવા જુમલાઓ કદાચ આ પીડિતા માટે નથી. હજુ મહિના પહેલા તે જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહી હતી, પણ હવે તે તંત્રની આડોડાઈનો શિકાર બની છે. આ ઘટનામાં સૌથી મહત્વનો સવાલ એ થાય છે કે જો પીડિતા કથિત સવર્ણ જાતિની હોત તો પણ તેની સાથે આ જ પ્રકારનું વર્તન થયું હોત?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.