નાગ દેવતા માની લોકોએ મહિનાઓ સુધી જેની પૂજા કરી તે મશરૂમ નીકળ્યું!

ગામલોકોએ નાગની ફેણ જેવા દેખાતા મશરૂમની મહિનાઓ સુધી પૂજા કરી. વૈજ્ઞાનિકે ખૂલાસો કર્યો છતાં લોકોની અંધશ્રદ્ધામાં જરાય ઘટાડો ન થયો. 

નાગ દેવતા માની લોકોએ મહિનાઓ સુધી જેની પૂજા કરી તે મશરૂમ નીકળ્યું!
image credit - Google images

ભારતમાં કશુંક નવું કે વિચિત્ર દેખાય કે તરત તેમાં ઈશ્વરી શક્તિને શોધવા માંડતા લોકોની કમી નથી. લોકોની આવી માનસિકતાને કારણે લેભાગુ તત્વોને મોકળું મેદાન મળી જતું હોય છે અને તેઓ લોકોની ધાર્મિક લાગણીઓનો આર્થિક લાભ લેવા માંડતા હોય છે. આવું જ કંઈક આસામના સોનિતપુર જિલ્લાના ચારિદુવાર વિસ્તારના અંતરિયાળ ગામ અમલોગામાં બન્યું હતું. અહીં એક વ્યક્તિના ઘર પાછળ આવેલા વાડામાં એક વિચિત્ર પ્રકારનું મશરૂમ ઉગી નીકળ્યું હતું. જેનો આકાર નાગની ફેણ જેવો હતો. ગામમાં પહેલીવાર આ પ્રકારનું મશરૂમ ઉગી નીકળ્યું હોવાથી લોકો તેની હકીકતથી અજાણ હોવાથી તેને નાગદેવતા સમજીન પૂજા કરવા લાગ્યા હતા. જોતજોતામાં આ સમાચાર વાયુ વેગે અન્ય ગામોમાં પણ ફેલાઈ જતા લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને યુવકના ઘરનો વાડો એક તીર્થસ્થળમાં ફેરવાઈ ગયો હતો. લોકોએ અહીં ધૂપદીપ અને દીવાબત્તી કરવાનું તથા માનતા માનવાનું ચાલું કરી દીધું હતું. 

એ દરમિયાન કોઈએ આ મામલે વૈજ્ઞાનિકને બોલાવી તથ્યની ચકાસણી કરાવતા તે કોઈ નાગદેવતા નહીં પરંતુ અલગ પ્રકારનું મશરૂમ હોવાનું સામે આવ્યું હતું. જો કે હકીકતનો પર્દાફાશ થયો હોવા છતાં અંધશ્રદ્ધાળુંઓની ભીડમાં જરાય કમી આવી નહોતી અને લોકોના ટોળેટોળાં દર્શન માટે ઉમટી પડ્યાં હતા.

અમલોગા ગામમાં રહેતા તિલક કોચ નામના યુવકના ઘર પાછળ આવેલા વાડામાં તેણે એક વિચિત્ર સાપ જેવી આકૃતિ જમીનમાંથી ઉગેલી જોઈ હતી. તેણે વિચાર્યું કે આ તો એક અદ્દભૂત વસ્તુ છે અને ટૂંક સમયમાં તેનું ઘર એક તીર્થસ્થળમાં ફેરવાઈ ગયું કારણ કે ગામલોકો તે વિચિત્ર વસ્તુને નાગદેવતા માનીને તેના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા.

ઘટના ગત સોમવારે ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે તિલક તેના ઘરની પાછળના યાર્ડમાં ઉગી નીકળેલા ઝાડીઝાંખરાને સાફ કરી રહ્યો હતો. અહીં તેને અસામાન્ય આકાર દેખાયો હતો. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને થોડી જ વારમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને કહેવાતા દેવતા સમક્ષ પ્રણામ કરી ધૂપદીપ, પ્રાર્થના કરી આશિર્વાદ માંગવા લાગ્યા હતા. લોકો એવું માનતા હતા કે આ નાગદેવતા છે અને તેનું આવું સ્વરૂપ સમૃદ્ધિ અને સુખાકારીનું પ્રતીક હોય છે. 

જો કે, આ નવા દેવતા વિશેની લોકોની ઉત્તેજના લાંબો સમય ટકી શકી નહોતી. રંગપારા કોલેજના આસિસ્ટન્ટ લેક્ચરર શુભમ રોય વિદ્યાર્થીઓ અને કોલેજના બોટની વિભાગના નિષ્ણાતો સાથે ઘટનાની તપાસ કરવા પહોંચ્યા હતા. તેમણે વૈજ્ઞાનિક રીતે તપાસ કરીને જાહેર કર્યું કે નાગદેવતા જેવી દેખાતી આ વિચિત્ર વસ્તુ ખરેખર એક જંગલી મશરૂમ છે.

રંગપારા કોલેજના વનસ્પતિશાસ્ત્ર વિભાગના જણાવ્યા અનુસાર, તિલકના ઘરની પાછળના યાર્ડમાં જોવા મળતા સાપ જેવા મશરૂમ એ ઘણા પ્રકારની ફૂગમાંથી એક છે જે ભેજવાળી પરિસ્થિતિઓમાં ખીલી ઉઠે છે, આવું આસામમાં ઘણી જગ્યાએ બનતું હોય છે. છેલ્લા એક વર્ષમાં, વિભાગે તેના ચાલુ સંશોધનના ભાગરૂપે લગભગ 40 વિવિધ મશરૂમની પ્રજાતિઓને ઓળખી અને તેનું દસ્તાવેજીકરણ કર્યું છે. નાગદેવતા જેવા દેખાતા મશરૂમ તેના લાંબા અને સાપના આકાર માટે જાણીતા છે, તેને કુદરતી રીતે ઉગી નીળકતા પરંતુ અસામાન્ય પ્રજાતિ તરીકે ઓળખવામાં આવ્યા છે.

જો કે આવી અંધશ્રદ્ધાભરી ઘટનાઓની ભારતમાં જરાય કમી નથી. અહીં કુદરતી ઘટનાઓને પણ લોકો ધર્મ અને અંધવિશ્વાસના ચશ્મા ચડાવીને જોવા ટેવાયેલા છે. આંસુ જેવા રસ સાથે ટપકતા વૃક્ષોથી લઈને દેવતાઓનું ઘર માનવામાં આવતા વિચિત્ર આકારના પથ્થરો સુધી, દેશના ઘણા ભાગોમાં અજાણ્યા લોકોને અલૌકિક મહત્વ આપવાનું વલણ છે.

આ પણ વાંચો: એ બંને ડાકણ છે, રાતે ઉંદરડી-બિલાડીનું રૂપ ધારણ કરે છે...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.