અંબાજીમાં મંદિરે ધજા ચડાવવા રૂ. 5100 સુધીનો ચાર્જ ભરવો પડશે
ઉત્તર ગુજરાતના યાત્રાધામ અંબાજી ખાતે અત્યાર સુધી ભક્તો ફ્રીમાં ધજા ચડાવી શકતા હતા, પણ હવે તેમણે રૂ. 5100 સુધીનો ચાર્જ આપવો પડશે.
ગુજરાતના લાખો હિંદુઓની આસ્થાના પ્રતિક એવા આધ્યશક્તિ અંબાજી માતા મંદિર અંબાજી ખાતે હવે માઈભક્તોએ માતાજીને ધજા ચડાવવા માટે રૂ. 5100 સુધીનો ચાર્જ ભરવો પડશે. અત્યાર સુધી માઈભક્તો આસ્થા મુજબ ફ્રીમાં ધજા ચડાવી શકતા હતા. પણ આજથી તેમાં ચાર્જ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે અહીં સુવર્ણ શિખર ઉપર ધ્વજા રોહણનું ખાસ મહત્વ રહેલું છે. અંબાજી મંદિરમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ જે તે યાત્રિક ટેમ્પલ ઇન્સ્પેક્ટર ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરીને ધજા ચડાવી શકતા હતા. તેના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો. પણ આજથી ધજા ચડાવવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
1 ઓગસ્ટ 2024 થી ધ્વજા રોહણ માટે ધજાની સાઈઝ મુજબ મસમોટો ચાર્જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.
મંદિર ટ્રસ્ટે ભક્તો બધું પોતાને ત્યાંથી જ ખરીદે અને બધો નફો પોતાની પાસે જ રહે તે માટેની સજ્જડ વ્યવસ્થા કરવામાં આવી છે. એ મુજબ ભક્તોને હવે ધ્વજા ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસેથી જ મળશે અને સવારે 7:00 વાગ્યાથી બપોરના સાડા ચાર સુધી જ ધ્વજા રોહણ કરી શકશે.
ભક્તોએ મંદિર ટ્રસ્ટમાં અલગ અલગ ગજની ધ્વજા પ્રમાણે ચાર્જ આપવો પડશે. તેના બદલામાં ટ્રસ્ટ તરફથી નિયુક્ત કરેલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોત વિધિવિધાનથી પૂજન અર્ચન કરવામાં આવશે. તેના ફોટોગ્રાફ્સ પણ મોબાઈલ મારફતે ભક્તોને આપવામાં આવશે.
આ પણ વાંચો: રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો
ધ્વજા રોહણ ભક્તોને ટેમ્પલ ઇસ્પેક્ટરની ઓફિસથી મળી રહેશે. સાંજે 4:30 બાદ ધ્વજા રોહણ કોઈપણ ભક્ત કરી શક્શે નહીં. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5, 7, 9 અને 11 મીટરની ધજાના ભાવ અનુક્રમે 2100, 2500, 3100 અને 5100 ભાવ નકકી કરાયા છે.
અંબાજી મંદિરના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, “હાલમાં થોડા સમય માટે જે ભક્તો ધજા લઈને આવશે તેમને ટ્રસ્ટની ઓફિસમાં નોંધણી કરાવીને નોમિનલ ચાર્જ આપીને ચઢાવી શકશે. પણ 1 ઓગસ્ટથી ધ્વજારોહણના નિયમો બદલાયા છે. આ રકમમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જ નીમાયેલા બ્રાહ્મણો ભક્તોને પૂજન અર્ચન કરાવશે. ત્યાર બાદ ભક્ત ઢોલનગારાના તાલે ધ્વજા શિખર ઉપર ભક્ત ચઢાવવા જશે. ભક્તને ધજા ચડાવતા હોય તેવા ફોટા તેના મોબાઈલમાં મોકલવામાં આવશે. ભક્તોએ હવેથી મંદિર પર ચડાવવા માટેની ધજા મંદિરમાંથી જ લેવાની રહેશે અને તેના માટે તેણે સાઈઝ મુજબ રૂ. 5100 સુધીનો નક્કી કરેલો ચાર્જ આપવાનો રહેશે.”
આજે અંબાજી મંદિરના યાજ્ઞિક ત્રિપ્રમંડળના બ્રાહ્મણો પણ ધ્વજા રોહણ નિયમને લઈને વહીવટદારની મુલાકાત માટે આવ્યા હતા. વહીવટદારે રજૂઆતો સાંભળીને જણાવ્યું હતું કે હાલ પૂરતી જૂની વ્યવસ્થા ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સોમનાથ અને દ્વારકામાં પણ ભક્તો માટે મંદિરના શિખર પર ધજા ચડાવવા માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરાયું હતું. એ રીતે હવે અંબાજી મંદિરમાં પણ ધજા ચડાવવાનો ચાર્જ વસૂલવાનું નક્કી કરાયું છે. જો કે, આટલી મોટી રકમ નક્કી કરી હોવા છતાં આજે પહેલા દિવસે પણ કેટલાક ભક્તોએ મંદિર પર ધજા ચડાવી હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા