અયોધ્યાના રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટો ચોરાઈ ગઈ!

પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં રામપથ પર લાગેલી હાઈટેક લાઈટો પર તસ્કરો હાથફેરો કરી ગયા છે. વાંચો શું છે આખો મામલો.

અયોધ્યાના રામપથ પર લાગેલી 3800 હાઈટેક લાઈટો ચોરાઈ ગઈ!
image credit - Google images

દેશભરના હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા અયોધ્યામાં રામપથને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અહીં નાખવામાં આવેલી 3800થી વધુ હાઈટેક લાઈટો કોઈ ચોરી ગયું છે. જેને લઈને હવે ભક્તો પણ સવાલ કરી રહ્યાં છે કે, પ્રભુની નગરીમાં જ આ સ્થિતિ હોય તો બીજે તો કેવું હશે?

પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળ્યા બાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિર સુધી જવા માટે રાજ્યની યોગી સરકારે અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર ત્રણ પથ બનાવ્યા હતા. જેમાં સૌથી લાંબો રામ પથ, બીજો જન્મભૂમિ પથ અને ત્રીજો ભક્તિ પથ છે.

આ પથ પર હાઈટેક લાઈટિંગ પણ લગાવવામાં આવી હતી. રામપથની સાઈડમાં ઝાડ પર લાઈટિંગ કરવામાં આવ્યું હતું. જેથી શ્રદ્ધાળુઓને પ્રભુ રામની નગરી અયોધ્યા રાતમાં પણ દિવસ જેવી લાગે. પણ ભક્તોની એ આશા પર તસ્કરોએ પાણી ફેરવી દીધું છે.

આ પણ વાંચો: 'જય શ્રીરામ' સામે 'જય ભીમ'નો નારો કેવી રીતે ભારે પડ્યો?

બન્યું છે એવું કે, રામપથ અને ભક્તિ પથ પર લાગેલી ૩૮૦૦ લાઈટ અને ૩૬ ગોબો પ્રોજેક્ટર લાઈટની ચોરી થઈ ગઈ છે. યશ ઈન્ટરપ્રાઈઝીઝના કર્મચારી શેખર શર્માએ અજાણ્યા લોકો વિરુદ્ધ રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. રામપથ પર ૬૪૦૦ બાંબૂ લાઈટ લગાવી હતી. આ ઉપરાંત ભક્તિ પથ પર ૯૬ ગોબો પ્રોજેક્ટ લાઈટ પણ લગાવી હતી. જેને ચોર લોકો ચોરી કરીને લઈ ગયા છે. ધર્મની નગરી અયોધ્યામાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે.

એકબાજુ વર્તમાન મુખ્યંત્રી યોગી આદિત્યનાથ વિશ્વની પ્રાચીનતમ નગરી પૈકીની એક એવી અયોધ્યાને સુંદર નગરી બનાવવા માંગે છે. તેના માટે તેઓ લખલૂંટ ખર્ચ પણ કરી રહ્યાં છે, પરંતુ બીજી તરફ તસ્કરો અને લેભાગુ તત્વો પણ અહીં સક્રીય થઈ જતા ચોરી,લૂંટફાટ વધી ગયા છે. રાત્રે અયોધ્યા સુંદર અને ભવ્ય લાગે તે માટે લાખો રૂપિયા ખર્ચીને લાઈટિંગ કરાવવામાં આવ્યું હતું. પણ તસ્કરો તેમાંની ઘણીખરી લાઈટો ચોરી ગયા છે. રામની નગરીમાં ચોરીની આ ઘટનાને લોકો પચાવી શકતા નથી. સ્વયં ભગવાન રામની જ્યાં હાજરી છે તે અયોધ્યામાં તેમના જ નામે બનેલા પથ પર ચોરી થતા ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. સમગ્ર મામલે અયોધ્યા પોલીસ તપાસમાં લાગી ગઈ છે.

આ પણ વાંચો: અયોધ્યામાં રામના નામે જમીન કૌભાંડનો નવો અધ્યાય...


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.