ગિરનાર બાદ હવે કાંકરેજના જાગીર મઠના મહંતનો વિવાદ શરૂ
જાગીર મઠના મહંતનું અવસાન થયા બાદ નવા મહંત કોણ તેનો વિવાદ એટલો વધી ગયો છે કે કેટલાય દિવસોથી મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.

કહેવાતા સાધુ-સંતો લોકોને ભલેને ત્યાગ અને સમર્પણની સલાહો આપતા હોય, પણ વાત જ્યારે તેમના ખુદના ધન સંપત્તિ છોડવાની આવે ત્યારે તેમનામાં રહેલું સામાન્ય માણસનું તત્વ પ્રગટ થાય છે. જૂનાગઢના ગિરનારમાં અંબાજી મંદિરના મહંત પદને લઈને ઘણાં દિવસોથી અખાડાના સાધુઓ સામસામે આક્ષેપો કરી રહ્યાં છે અને રાજકારણીઓને પણ શરમાવે તેવું રાજકારણ રમી રહ્યાં છે. અગાઉ અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની માલિકીને લઈને પણ બે સાધુઓ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં એક સાધુએ બાઉન્સરો સાથે આશ્રમ પર કબ્જો જમાવ્યો હતો. ભારતી આશ્રમ અને જૂનાગઢના મહંતનો વિવાદ હજુ ભૂલાયો પણ નથી ત્યાં હવે વધુ એક આશ્રમમાં મહંતની નિમણૂકને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. અહીં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે છેલ્લાં કેટલાય દિવસથી આખો મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
કાંકરેજના થળી જાગીર મઠનો મામલો
મામલો બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠનો છે. અહીં મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે. વિવાદ એટલો વકર્યો છે કે છેલ્લાં કેટલાય દિવસથી આખો મઠ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહિત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરૂ ગાદી સોપાઈ. તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડાતા વિવાદ વકર્યો છે. જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઈને પોલીસ ખડકી દેવામાં આવી છે.
બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો થળી જાગીર મઠ એ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે અને સ્થાનિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ જાગીર મઠમાં અત્યાર સુધી ૧૩ જેટલાં મહંત ગુરૂગાદીએ બિરાજી ચૂક્યા છે. જો કે તાજેતરમાં મહંત જગદીશપુરી કે જે છેલ્લાં કેટલાય સમયથી આ મઠનો કારભાર સંભાળતા તેઓ ૧૯ નવેમ્બરે હાર્ટએટેકના કારણે તેઓ દેવલોક પામ્યા હતા. મહંત દેવલોક પામ્યા બાદ તેમના દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરાઈ હતી. એ પછી ગુરૂગાદી દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીર મઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરૂગાદી સોપાઈ હતી.
આ તરફ આ મઠની આસપાસના ગામોના લોકો દ્વારા દેવ દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરાયો અને ૨૨ નવેમ્બર આસપાસના ગામોના હજારો લોકોએ થળી જાગીર મઠ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું તું. એ દરમ્યાન સ્થાનિકો દ્વારા મઠ બહાર જ મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવા નિર્ણય લેવાયો હતો અને તેમને ચાદર ઓઢાડી દીધી હતી.
સમર્થકોનો રોષ જોતા પોલીસ ખડકી દેવી પડી
આમ સમગ્ર મામલામાં શંકપુરી અને કાર્તિકપુરીના સમર્થકો મહંતપદને લઈને સામસામે આવી ગયા છે અને કોઈપણ ભોગે મહંતપદું મેળવવા તત્પર છે. સ્થિતિની ગંભીરતા પારખીને જાગીર મઠ ખાતે કાયદો વ્યવસ્થા કથળે નહીં તે માટે બનાસકાંઠા એસપી સહિત પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને બંને પક્ષોને પોલીસ દ્વારા સમજાવવા પ્રયાસ કરાયા છે. પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે. તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા છે.
કથિત સાધુ-સંતોનો દંભ ખૂલ્લો પડ્યો
આ ઘટનામાં પરિણામ જેની પણ તરફેણમાં આવે તેનાથી કોઈ ફરક નથી પડતો. પરંતુ આખા મામલામાંથી એટલો બોધ ચોક્કસ મળે છે કે કહેવાતા સાધુ-સંતો જ્યારે તેમની ગાદીઓનો ત્યાગ કરવાનો વખત આવે ત્યારે સામાન્ય સમજણ પણ વિસરી જાય છે. જે લોકો ખુદ ભોગવિલાસનો ત્યાગ નથી કરી શકતા તેઓ એક સામાન્ય માણસ, જેણે હજુ દુનિયાના રંગો પુરા જોયા પણ નથી તેને ત્યાગ કરવાની સલાહ આપે ત્યારે દંભની પરાકાષ્ઠા આવ્યા વિના રહેતી નથી.
આ પણ વાંચો: 50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો