50 કરોડના ભારતી આશ્રમ પર બાપુએ બાઉન્સરો સાથે કબ્જો મેળવ્યો
સરખેજના ભારતી આશ્રમની રૂ. 50 કરોડની પ્રોપર્ટી પર કબ્જો જમાવવા બે બાપુઓ લડી રહ્યાં છે. આજે એક બાપુએ બાઉન્સરો સાથે તેના પર કબ્જો જમાવ્યો છે. આખો મામલો સમજો.

Bharti Ashram Sarkhej Vivad: ધર્મની આડમાં પોતપોતાના ધંધા ચલાવતા બાપુઓનો ભારતમાં તોટો નથી. હવે તો દરેક મોટા ગામ કે શહેરની ભાગોળે આવા બાપુઓ ફૂટી નીકળ્યાં છે, જે ધર્મની આડમાં મોકાની જમીનો પર આશ્રમો બાંધીને પછી તેના પર કબ્જા કરવા માંડે છે. ભોળાં લોકોને આ બધી ગેમ સમજાતી નથી. તેમને માત્ર દાન-ધર્મ થકી ઈશ્વરી શક્તિની કૃપા મેળવવામાં રસ હોય છે. પણ કહેવાતા બાપુઓ તેમની આ આસ્થાનો ઉપયોગ કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તારતા રહે છે. આવા અનેક આશ્રમો હવે ધર્મનું કેન્દ્ર મટીને બાપુઓની પ્રાઈવેટ પ્રોપર્ટી બની ચૂક્યાં છે અને તેનો તાજો દાખલો અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલો ભારતી આશ્રમ છે. જ્યાં એક બાપુએ ઉભાં કરેલા સામ્રાજ્ય પર હક જમાવવા તેમના બે શિષ્યો સામસામે આવી ગયા છે. સ્થિતિ એ હદે વણસી ગઈ કે એક બાપુની ગેરહાજરીમાં આશ્રમ પર કબ્જો જમાવવા અન્ય બાપુ બાઉન્સરો અને 100 જેટલા સમર્થકો સાથે આશ્રમની ગાદી પર બેસી ગયા છે.
અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમની જમીન પચાવી પાડવા મુદ્દે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ આજે પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરોની સુરક્ષા વચ્ચે આશ્રમની ગાદી સંભાળી લીધી હતી. પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેમણે પોતાના સમર્થકો સાથે મંદીરમાં પ્રવેશ કર્યો હતો.
હરિહરાનંદ બાપુ બાઉન્સરો સાથે આશ્રમમાં પ્રવેશ મેળવ્યા બાદ મુખ્ય મંદીરમાં દર્શન કરી આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા. જ્યારે છેલ્લા દોઢ વર્ષથી આશ્રમનો વહિવટ કરતા ઋષિ ભારતી બાપુ સાંજથી જ આશ્રમની બહાર હતા. મહામંડલેશ્વર 1008 ભારતી બાપુના અવસાન બાદ સરખેજના આ આશ્રમના સંચાલનને લઇને તેમના જ બે શિષ્યો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભારતી બાપુએ ચાર આશ્રમો સ્થાપ્યા હતા. જે પૈકી ત્રણનો વહીવટ હરિહરાનંદ બાપુ કરે છે. પરંતુ સરખેજ આશ્રમનો વહિવટ ઋષિ ભારતી બાપુ દ્વારા કરવામાં આવતો હતો. જેના કારણે આ આશ્રમને પણ પોતાના કબ્જામાં લેવા માટે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી બાપુ છેલ્લાં ત્રણ વર્ષથી એકબીજા સામે લડી રહ્યાં છે.
આ પણ વાંચો: સ્વામીએ કિશોરનું બ્રેઈનવોશ કર્યું, હવે તેને સાધુ બની જવું છે?
હરીહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુ પર ખોટું વસીહતનામું રજૂ કરવાના પણ આક્ષેપો કર્યા હતા. આગામી 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયું હતું, જેને લઈને આ વિવાદ વધુ વકર્યો હતો. થોડા સમય પહેલા હરીહરાનંદ બાપુના ગુરુભાઈ કલ્યાણ ભારતી બાપુનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમની સમાધિ વખતે ઋષિ ભારતી અને હરીહરાનંદ બાપુ વચ્ચે સમાધાન થઈ જશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ આગળ જતા તેમાં કશી પ્રગતિ થઈ નહોતી. કેમ કે રૂ. 50 કરોડથી વધુની પ્રોપર્ટી ધરાવતો સરખેજનો આ આશ્રમ એકેય બાપુ જતો કરવા તૈયાર નથી.
હરિહરાનંદ બાપુએ જણાવ્યું છે કે, તમામ ટ્રસ્ટી મંડળે મને મેનેજિંગ ટ્રસ્ટી બનાવ્યો છે, તેથી હવે તમામ આશ્રમનો વહીવટ હું જ કરીશ. સાથે જ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરેલા ઠરાવને પણ ચેરિટી કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. બાકી રહેલા ચાતુર્માસ દરમિયાન હું અહીંયા જ અનુષ્ઠાન કરવાનો છું. સરખેજ ભારતીય આશ્રમનો વહીવટ હવે મારા દ્વારા જ કરવામાં આવશે.
4 આશ્રમોની અંદાજિત કિંમત 500 કરોડથી વધુ?
ઉલ્લેખનીય છે કે વિશ્વંભર ભારતી બાપુના સ્વર્ગવાસ બાદ છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના વારસદાર કોણ તેને લઈને આ વિવાદ સર્જાયો છે. આ ટ્રસ્ટના ગુજરાતમાં ચાર સ્થળે આશ્રમો આવેલા છે. આ આશ્રમો તથા એને સંલગ્ન મિલકત તેમજ આશ્રમને મળતી દાન-ભેટ ઉપરાંત ભાડાંની આવક વગેરે મળીને અંદાજિત કિંમત 500 કરોડની આસપાસ છે, જેના પર કબ્જો જમાવવા બંને બાપુઓ સામસામે છે.
વિશ્વંભર ભારતી બાપુ 11 એપ્રિલ 2021ના રોજ અવસાન પામ્યા હતા. તેમના ગયા બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક-જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઇ હતી. ત્યારે ભારતી આશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિશ્વંભર ભારતી બાપુએ 2019માં કરેલા વિલ મુજબ ચાલવવાનો આગ્રહ રાખ્યો હતો. એ દરમિયાન હરિહરાનંદ બાપુના શિષ્ય ઋષિ ભારતી મહારાજે વિશ્વંભર ભારતી બાપુ બ્રહ્મલીન થયા પહેલાં તેમને કરી આપેલી હસ્તલિખિત નોટરીનું વિલ રજૂ કરતાં વિવાદનો મધપૂડો છેડાયો હતો. વિશ્વંભર ભારતી બાપુએ કરેલું 2019નું વિલ સાચું કે પછી 2021માં કરેલું વિલ સાચું એ મામલે વિવાદ વણસ્યો છે. આ મામલે મિરઝાપુર કોર્ટમાં કેસ પણ થયો હતો.
આ પણ વાંચો: સ્વામિનારાયણ સાહિત્યમાં વાહિયાત અને તદ્દન જૂઠાં પરચાઓ છે
સ્વ. વિશ્વંભર ભારતી બાપુએ 16 નવેમ્બર 2019ના રોજ રજિસ્ટર વિલ કરાવ્યું હતું, જેમાં તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમના શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક મહંત તરીકે કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઉપરાંત તેમની ચાદર વિધિ સંત પરંપરા મુજબ કરવામાં આવે અને તેમને મહંત પદ સોંપવામાં આવે એમ જણાવ્યું હતું. સાથોસાથ તેમણે મિલકતો પૈકીની સરખેજ સ્થિત આશ્રમ ઉપરાંત જૂનાગઢ, સાણંદ હાઇવે પરના શાંતિપુરા ગામમાં આવેલા લંબેનારાયણ આશ્રમના ઉત્તરાધિકારી-ટ્રસ્ટી તરીકે શિષ્ય હરિહરાનંદ ભારતીની નિમણૂક કરી હતી. જ્યારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામે આવેલા ભારતી આશ્રમના ઉત્તરાધિકારી તરીકે કોઠારી સ્વામી પૂર્ણાનંદ ભારતી મહારાજની મહંત તરીકે નિમણૂંક કરવા ઇચ્છા વ્યક્ત કરી હતી.
જો કે ઋષિ ભારતી બાપુ તરફથી રજૂ કરવામાં આવેલા વીલમાં વિશ્વંભર ભારતી બાપુએ જૂનાગઢ આશ્રમ અને ગોરા આશ્રમના ઉત્તરાધિકારી તરીકે શિષ્ય હરિહરાનંદ મહારાજની નિમણૂક કરવામાં આવે અને સરખેજ સ્થિત ભારતી આશ્રમ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ખાતે આવેલાં મંદિર, કુટીર સહિતના આશ્રમના મહંત તરીકે ઋષિ ભારતી મહારાજની મહંત તરીકે નિમણૂંક કરવાની ઇચ્છા વ્યક્ત કરી હોવાનું સામે આવ્યું હતું. આ વીલમાં બેંકમાં રહેલી રકમ તથા ડિપોઝિટની રકમ મેળવવા માટેની કાર્યવાહી કરવા નિયુક્ત મહંતને અધિકાર અપાયાનું જણાવ્યું હતું.
ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટની 1 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી મિટિંગમાં અનેક ઠરાવો થયા હતા. એ પૈકી ઠરાવ નં.6માં ભારતી આશ્રમ સરખેજનો વહીવટ ટ્રસ્ટી મંડળની પરવાનગી સિવાય એકહથ્થું અને ગેરકાયદે રીતે ઋષિ ભારતીજીએ સંભાળી લીધો હતો. તેમના તરફથી આશ્રમને મળેલાં દાન-ભેટ સહિતની અન્ય 10 પ્રકારની થયેલી આવક ટ્રસ્ટના બેંક ખાતામાં જમા થઈ નથી કે તેઓ આ અંગે કોઇ જ ખુલાસો કરતા નથી કે હિસાબો આપતા નથી તેને લઈને વિવાદ થયો હતો.
એટલું જ નહીં તેઓ ટ્રસ્ટીઓ સાથે ગેરવતર્ણૂક કરીને ગાળો બોલીને ટ્રસ્ટ્રીઓને અપમાનિત કરતા હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને ઋષિ ભારતી બાપુ અને તેમના મળતિયાઓ વિરુદ્ધ ફોજદારી અને દિવાની રાહે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ તેમની સાથે કોઇએ લેવડ-દેવડ કરવી નહીં કે વહીવટી કામકાજ કરવું નહીં એ અંગે મીડિયામાં જાહેરાત આપવાનું પણ ઠરાવાયું હતું. હવે જો કે હરિહરાનંદ બાપુએ જૂનાગઢથી આવીને સરખેજના આશ્રમ પર કબ્જો જમાવી દીધો છે ત્યારે આશ્રમમાંથી બહાર થઈ ગયેલા ઋષિ ભારતી બાપુ શું પગલાં છે તેના પર સૌ કોઈની નજર રહેશે.
આ પણ વાંચો: હિંદુ મહિલાઓએ ફિગર જાળવવાનું બંધ કરી 4 બાળકો પેદા કરવા જોઈએ...