હિંદુ મહિલાઓએ ફિગર જાળવવાનું બંધ કરી 4 બાળકો પેદા કરવા જોઈએ...
પંચાયતી અખાડાના મહામંડળેશ્વર સ્વામી પ્રેમાનંદ મહારાજે હિંદુ મહિલાઓને સલાહ આપતા કહ્યું છે કે, તેમણે ફિગરની ચિંતા છોડીને 4-4 બાળકો પેદા કરવા જોઈએ.
કહેવાતા સંતો મહિલાઓને લઈને કેટલા નિમ્નસ્તરના વિચારો ધરાવતા હોય છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં એક મહારાજે હિંદુ મહિલાઓને ફિગરની ચિંતા છોડીને ચાર ચાર બાળકો પેદા કરવાની સલાહ આપી દીધી છે.
પંચાયતી અખાડા શ્રી નિરંજનીના મહામંડલેશ્વર સ્વામી પ્રેમાનંદ મહારાજે ઉજ્જૈનમાં આયોજિત શ્રીમદ ભાગવત કથા દરમિયાન કહ્યું હતું કે, ”ભાગવત કથામાં હું એ વાતો કહેવા નથી આવ્યો જે તમારા કાનને પ્રિય છે. હું એ વાતો કહું છું જે સનાતન ધર્મને આગળ લઈ જશે. અત્યારે તો બધા સનાતનનો ધ્વજ લહેરાવીને તેને આગળ લઈ જવાની વાત કરે છે, પણ હું બધાંને ચેતવણી આપું છું કે અત્યારે પણ સાવધાન રહેવું જોઈએ. ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લા આપણાં હાથમાંથી છીનવાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં પણ આવી જ સ્થિતિ છે, ત્યાંના લોકો પણ આ જ સમસ્યા સામે ઝઝૂમી રહ્યાં છે. આસામમાં ૫ લાખ લોકો પાસે પાસપોર્ટ અને વિઝા નથી. મારો સીધો મતલબ એ છે કે ૨૫ વર્ષ પહેલા એ લોકો ૨ કરોડ હતા, પછી ૯ કરોડ થયા અને હવે ૩૮ કરોડ થઈ ગયા છે. હજુ પણ સમય છે, સાવચેત રહો નહીંતર ભારત પણ ઇન્ડોનેશિયા બની જશે અને ટૂંક સમયમાં તમારી ગણતરી પણ લઘુમતીઓમાં થશે.”
આ પણ વાંચો: વ્રત, ઉપવાસ, મંગળસૂત્ર, સિંદૂર છોડો, આપણે હિંદુ નથીઃ આદિવાસી સમાજ
પ્રેમાનંદ મહારાજે કથા દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, “આજે સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે મહિલાઓએ ચાર-ચાર બાળકોને જન્મ આપવાની જરૂર છે. હિંદુ મહિલાઓ હવે એક બે સંતાનોને જન્મ આપતા પણ ખચકાય છે, જ્યારે અન્ય સમાજના લોકો ૮-૮ બાળકો પેદા કરે છે. હિંદુ મહિલાઓએ પોતાનું ફિગર જાળવી રાખવાને બદલે સનાતન ધર્મ અને દેશ માટે કંઈક કરવું જોઈએ.”
પ્રેમાનંદ મહારાજે આગળ કહ્યું હતું કે, “જો તમારું લક્ષ્ય ૨ બાળકોનું છે અને તમે ૩નું લક્ષ્ય રાખતા હોવ તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમારા ત્રીજા બાળકની સંભાળ લઈશું. ઇન્ડોનેશિયામાં રામલીલા ટિકિટ લઈને જોવામાં આવે છે. એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભગવાનનું નામ લેવામાં આવે તો તેને કાપીને ફેંકી દેવામાં આવે છે. આપણે હવેથી જાગીને આ સમસ્યાઓ વિશે વિચારવું પડશે.”
આ પણ વાંચો: વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે