યુવકે જાતિવાદીઓ સામે ફરિયાદ કરી, આરોપીઓએ પગ ભાંગી નાખ્યા

દલિત યુવકને એક શખ્સે જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કર્યો. યુવક પોલીસને ફરિયાદ કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં જ આંતરીને પગ ભાંગી નાખ્યા.

યુવકે જાતિવાદીઓ સામે ફરિયાદ કરી, આરોપીઓએ પગ ભાંગી નાખ્યા
image credit - Google images

જાતિવાદી તત્વોને દેશમાં કાયદાની જાણે કોઈ બીક જ ન હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એમાં પણ મામલો જ્યારે દલિત અત્યાચારનો હોય ત્યારે તો તેઓ વધારે આક્રમક બની જાય છે અને છડેચોક કાયદાનો ભંગ કરે છે. આ ઘટનામાં પણ આવું જ બન્યું છે, જ્યાં એક દલિત યુવકને જાતિવાદી તત્વો લાંબા સમયથી હેરાન કરતા હતા. યુવક એક હોટલમાં જમવા ગયો હતો ત્યાં જાતિવાદીઓ પહોંચી ગયા હતા અને તેની સાથે મારામારી કરી હતી. યુવક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયો, પરંતુ તેની ફરિયાદ ન લેવાઈ. એ પછી તે મિત્ર સાથે ડીએસપીને મળવા ગયો અને ત્યાં ફરિયાદ કરી.

અસલ ઘટના એ પછી બની. યુવક પોતાના મિત્ર સાથે ડીએસપીને ફરિયાદ કરીને પરત આવી રહ્યો હતો ત્યારે જાતિવાદી તત્વોએ તેને આંતર્યો હતો અને લાકડી-દંડા, લોખંડના પાઈપ વડે ઢોર માર મારી તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. એ પછી તેઓ યુવકને મૃત મારીને એક ખેતરમાં ફેંકીને જતા રહ્યા હતા. બાદમાં યુવકના મિત્રએ પરિવારજનો અને પોલીસને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને યુવકને હોસ્પિટલ સારવાર માટે મોકલ્યો હતો. હાલ યુવક જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.

ઘટના જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીં શાહજહાંપુરમાં ઢુકરી ખુર્દ ગામનો રહેવાસી ગણેશ બાબુ ગૌતમ 20 જુલાઈના રોજ એક ઢાબા પર જમી રહ્યો હતો. એ વખતે તેના ગામના જ વિવેક પ્રતાપ સિંહ નામના શખ્સે તેને જાતિસૂચક ગાળો ભાંડીને તેને માર મારવા પ્રયત્ન કર્યો હતો. ગણેશે આ મામલે આરોપી સામે એફઆઈઆર નોંધાવી હતી અને પોતાના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: ખલીલ ધનતેજવી સાહેબના સંભારણા

આ મામલે સ્થાનિક પોલીસે આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહોતી કરી. જેના કારણે ગણેશે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. આરોપ છે કે તે ડીએસપી કચેરીએ ન્યાયની માંગ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને રસ્તામાં આંતર્યો હતો, એ વખતે તેનો મિત્ર સુખબીર પણ તેની સાથે હતો, પણ આરોપીઓએ તેને હથિયારોની બીક બતાવીને ભગાડી દીધો હતો. એ પછી તેઓ ગણેશ ગૌતમ પર તૂટી પડ્યા હતા. આરોપીઓએ ગણેશના પગ પર લાકડીઓ, દંડા અને લોખંડના પાઈપના ઘા કરીને તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. પાઈપના ફટકાને કારણે ગણેશ બેભાન થઈ ગયો હતો અને આરોપીઓ તે મરી ગયો છે તેમ માની તેને ઢસડીને એક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૂકીને ભાગી ગયા હતા. એ દરમિયાન આરોપીઓએ ગણેશ ગૌતમ પાસે રહેલા પોલીસ ફરિયાદના કાગળો ફાડીને ફેંકી દીધા હતા અને તેનો મોબાઈલ ફોન પણ છીનવી લીધો હતો. ઘટના ફિરોઝપુર નજીક શીવધામ પાસે બની હતી. હાલ ગણેશની સારવાર ચાલી રહી છે અને આ ઘટનાને લઈને એફઆઈઆર નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે.

લાકડી, દંડા અને બંદૂકની ખૂંધથી માર માર્યો

ગણેશ ગૌતમે ફરિયાદમાં નોંધાવ્યા પ્રમાણે, આરોપી તેને ખેતરમાં ખેંચીને લઈ ગયા હતા અને ત્યાં લાકડી, દંડા, લોખંડની પાઈપ અને બંદૂકની ખૂંધથી તેને માર્યો હતો. જાતિવાદી તત્વોએ તેના બંને પગ ભાંગી નાખ્યા હતા. તેના હાથ અને માથામાં પણ ગંભીર ઈજા થઈ છે. મારને કારણે ગણેશ બેભાન થઈ ગયો હતો જેથી આરોપીઓ તેને મરી ગયેલો સમજીને ભાગી ગયા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાનમાં આવેલા ગણેશ ગૌતમે જણાવ્યું હતું કે, તે અનુસૂચિત જાતિ સમાજમાંથી આવે છે અને આરોપીની જાતિના લોકો તેની પાસે બળજબરીથી મજૂરી કરાવીને વર્ષોથી હેરાન કરતા હતા. તેઓ તક મળ્યે જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરતા હતા. તે દિવસે હોટલમાં પણ તેણે આ જ રીતે અપમાન કરીને માર મારવા પ્રયત્ન કર્યો હતો. જેનાથી તંગ આવી જઈને તેણે સ્થાનિક પોલીસને ફરિયાદ કરી હતી. જો કે તેમણે આરોપીઓ સામે કોઈ કાર્યવાહી કરી નહોતી અને તેને છાવર્યા હતા. ગણેશનો આરોપ છે કે, આરોપીઓ તેમના બાળકોને સ્કૂલમાં ભણવા પણ નથી દેતા અને હવે તેમના આખા પરિવારનો જીવ જોખમમાં છે.

સ્થાનિક પોલીસ આરોપીઓને સાથ આપે છે

આ મામલે ડીએસપીને મળ્યા બાદ આરોપીઓ સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ ગણેશનો આરોપ છે કે સ્થાનિક મદનાપુર પોલીસ આરોપીઓનો સાથ આપે છે અને તે એસપીને ફરિયાદ કરવા ગયો છે તે વાત પણ મદનાપુર પોલીસે જ આરોપીઓને જણાવી દીધી હતી. એસપી અશોકકુમાર મીણાએ જણાવ્યું છે કે, આ મામલે એફઆઈઆર નોંધી લેવાઈ છે અને એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: દાંતામાં વાલ્મિકી યુવકને મર્યા પછી પણ આભડછેટ નડી, જાતિવાદી ગામલોકોએ સ્મશાનમાં અંતિમવિધિ ન થવા દીધી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.