દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે એક દલિત મહિલા પર હુમલો થયો છે, જેમાં આરોપીએ તેની છાતી પર કુહાડીથી ઘા મારી તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યો હતો.

દલિત મહિલાની છાતી પર કુહાડી મારી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યું, હાલત ગંભીર
image credit - Google images

એક બાજુ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, બીજી તરફ દલિતો પર અત્યાચારની ઘટનાઓનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણેથી અનુસૂચિત જાતિ સમાજની બહેન-દીકરીઓ કે મહિલાઓ પર જાતિય હિંસાની ઘટના બનતી રહે છે. આવો જ એક રૂંવાડા ઉભા કરી દેતો કિસ્સો જાતિવાદ અને મહિલાઓ માટે નર્ક ગણાતા વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં એક દલિત મહિલા પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખવામાં આવ્યો છે. હાલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું કહેવાય છે.

મામલો જાતિવાદ અને મહિલાઓ માટે નરક ગણાતા રાજ્ય રાજસ્થાનનો છે. અહીંના ચુરુ જિલ્લામાં બર્બરતાની હદ વટાવતી એક ઘટના સામે આવી છે. જેમાં ભાલેરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં, એક દલિત પરિણીત મહિલા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. હત્યાના ઈરાદે આરોપીઓએ ઘરમાં સૂતેલી મહિલા પર કુહાડી વડે તેના ચહેરા, છાતી અને બંને હાથ પર હુમલો કર્યો હતો. જે બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. આ હુમલામાં મહિલાના પ્રાઈવેટ પાર્ટ અત્યંત ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે.
ઇજાગ્રસ્ત મહિલાને મધરાતે ચુરુ જિલ્લાની સરકારી ભરતિયા જિલ્લા હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લોહી વહેતી હાલતમાં લાવવામાં આવી હતી. અહીં તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પરંતુ તેની ગંભીર હાલતને જોતા તેને હાયર સેન્ટર જયપુર રીફર કરવામાં આવી છે. મહિલાની હાલત જોઈને પોલીસ અને મેડિકલ સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો. હાલ પોલીસ આરોપીને શોધવામાં વ્યસ્ત છે.

આરોપીએ અડધી રાત્રે ઘરમાં ઘુસીને દુષ્કર્મ આચર્યું
ઘાયલ મહિલાના ભાઈ વિનોદે જણાવ્યું હતું કે તેની બહેન સંજુ મેઘવાળના લગ્ન વર્ષ 2012માં સાંત્યૂ નિવાસી યુવક સાથે થયા છે. તેને બે દીકરીઓ પણ છે. સંજૂ મેઘવાળના પતિ મજૂરી માટે વિદેશ ગયેલા છે એટલે તે છેલ્લાં આઠ મહિનાથી તેના પિયર ભાલેરીમાં જ રહે છે. ગઈકાલે શનિવારે રાતે લગભગ અઢી વાગ્યાની આસપાસ ભાલેરીનો ભજનલાલ નામનો વ્યક્તિ સંજૂની હત્યાના ઈરાદે તેના ઘરમાં ઘૂસ્યો હતો. તેણે ઘરમાં સુઈ રહેલી સંજૂ પર આડેધડ કુહાડીના ઘા કરવા શરૂ કરી દીધા હતા.

સંજૂની તબિયત જોઈને પરિવારજનો સ્તબ્ધ
ભજનલાલે અણધાર્યા હુમલાથી સંજૂએ રાડારાડી કરી મૂકતા પરિવારજનો જાગી ગયા હતા. જ્યાં તેમણે જે જોયું તો તેઓ સ્તબ્ધ થઈ ગયા. કેમ કે, આરોપી ભજનલાલે સંજૂના ચહેરા, છાતી, બંને હાથ અને જાંઘ પર આડેધડ કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી. જો કે ભાલેરી પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ આરોપી ફરાર થઈ ગયો હતો. દરમિયાન સંજૂની હાલત નાજુક હોવાથી તરત તેને લોહીલુહાણ હાલતમાં ચૂરુની ભરતિયા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

હુમલાનું કારણ હજુ સુધી અકબંધ
સંજૂ મેઘવાળ પર થયેલા આ હુમલાનું કારણ શું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. હાલ તેને પ્રાથમિક સારવાર આપીને જયપુર રીફર કરવામાં આવી છે. તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પોલીસ તપાસ કરી રહી છે કે આરોપી ભજનલાલે તેના પર શા માટે આટલો ઘાતકી હુમલો કર્યો હતો. જો કે, તેના ભાઈ વિનોદે જણાવ્યું હતું કે ભજનલાલને રૂ. 60 હજારની લેવડ-દેવડને લઈને તેમની સામે નારાજગી હતી. છતાં સંજુ હોશમાં આવશે પછી જ આરોપીએ આ હુમલો શા માટે કર્યો તેના કારણો બહાર આવશે. હાલ તો ભાલેરી પોલીસ આરોપી ભજનલાલને શોધી રહી છે.

આ પણ વાંચોઃ દલિત રેપ પીડિતાને મેજિસ્ટ્રેટે કહ્યું- કપડાં ઉતાર અને ઈજાના નિશાન બતાવ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.