પોલીસે દલિત સગીરા પર બળાત્કારની કિંમત રૂ. 1 લાખ લગાવી
એક દલિત સગીરા પર વેપારીના છોકરાએ બળાત્કાર કર્યો હતો. પોલીસે કેસ નોંધવાને બદલે બળાત્કારની કિંમત રૂ. 1 લાખ નક્કી કરીને સમાધાન કરાવી દીધું.
પોલીસની છાપ જનસામાન્યમાં સારી નથી. લોકો પોલીસનું નામ પડે ત્યાં જ ફફડવા માંડે છે. પોલીસ કહેવા માટે તો નાગરિકોની રક્ષક છે, પરંતુ લોકોના મનમાં પોલીસની છાપ મોટાભાગે વગદાર લોકો અને રાજકારણીઓના કાળા કારનામાઓ પર ઢાંકપિછોડા કરતા સરકારીકર્મીઓ જેવી છે. ખોટા કેસો કરી દઈને રૂપિયા પડાવવાના તો પોલીસ પર એટલા આરોપ લાગે છે કે તેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. આ બધી ઘટનાઓ વચ્ચે પોલીસની વધીઘટી આબરૂનું પણ ધોવાણ થઈ જાય તેવી એક ઘટના સામે આવી છે. જેમાં પોલીસે એક દલિત સગીરા પર થયેલા બળાત્કારની કિંમત રૂ. 1 લાખ નક્કી કરીને પરાણે આરોપીઓ સાથે સમાધાન કરાવી દીધું હતું.
ઘટના જાતિવાદ અને ગુનાખોરીના ગઢ ગણાતા ઉત્તરપ્રદેશની છે. અહીં બારાબંકીમાંથી ખાખીની આબરૂનું ધોવાણ થાય એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના મસૌલી પોલીસ સ્ટેશનના પીઆઈએ એક દલિત સગીરા પર થયેલા બળાત્કારના આરોપમાં આરોપીને બચાવવા માટે બળજબરીથી સમાધાન કરાવી દીધું હતું. આરોપ છે કે, પીઆઈએ વેપારીના આરોપી પુત્ર પાસેથી 1 લાખ રૂપિયા લઈને પીડિતા પર સમાધાન માટે દબાણ કર્યું અને બળજબરીથી સમાધાન કરાવ્યું. એ પછી થયેલી તપાસમાં પ્રથમ દષ્ટિ ગુનો જણાતા પીઆઈને લાઈન હાજર કરી દેવાયો છે.
બારાબંકી જિલ્લાના મસૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક દ્વારા દલિત સમાજની એક સગીરાનું અપહરણ કરીને તેના પર બળાત્કાર કરવાની ઘટના સામે આવી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આરોપી યુવક એક વગદાર વેપારીનો પુત્ર છે અને તેના પિતાએ તેને બચાવવા માટે મસૌલીના પીઆઈને સમાધાન કરાવી આપવા માટે કહ્યું હતું. આથી પીઆઈએ પોલીસ ફરિયાદ કરવા આવેલા સગીરાના મામાને ધમકાવીને એક લાખ રૂપિયામાં સમાધાન કરી લેવા મજબૂર કર્યા હતા. જો કે પીડિતાના પરિવારને ન્યાય જોઈતો હોવાથી તેમણે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી. જેના કારણે આખરે ભાંડો ફૂટ્યો હતો અને પીઆઈને સસ્પેન્ડ કરી દેવાયો હતો.
આ પણ વાંચો: દલિત સરપંચને સુરક્ષા આપવાનું પોલીસે 1.79 લાખ બિલ મોકલ્યું
ASP ચિરંજીવી નાથ સિન્હાએ કહ્યું કે આ કેસમાં દોષી સાબિત થયા બાદ પોલીસ અધિક્ષક (એસપી) દિનેશ કુમાર સિંહે સ્ટેશન ઈન્ચાર્જ અરુણ પ્રતાપ સિંહને લાઈનમાં મૂક્યા છે અને ત્રિલોકપુર ચોકીના ઈન્ચાર્જ મનોજ કુમારને સસ્પેન્ડ કરી દીધા છે.
અગાઉ પીડિતાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે આ કેસમાં યોગ્ય કાર્યવાહી કરી નહોતી અને સમાધાન માટે દબાણ કરી આરોપીઓ પાસેથી પરાણે 1 લાખ રૂપિયા અપાવી દીધા હતા.
ફરિયાદ અનુસાર સ્થાનિક બિઝનેસમેનના 28 વર્ષીય છોકરા અંકિત વર્માએ 22 ઓગસ્ટના રોજ એક 16 વર્ષની દલિત છોકરીનું અપહરણ કરી હોટલમાં લઈ જઈને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો અને પછી ત્યાંથી સગીરાને ગાઝિયાબાદ લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં પણ તેને એક હોટલમાં રાખવામાં આવી હતી અને તેના પર વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ચાર દિવસ બાદ આરોપી યુવતીને તેના ગામની બહાર છોડીને ભાગી ગયો હતો.
આ પણ વાંચો: અર્ણેશ કુમારના ચૂકાદાના ખોટા અર્થઘટન મુદ્દે હવે આરપારની લડાઈ શરૂ
પીડિતાના મામાએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેણે પોલીસમાં આ બાબતે ફરિયાદ કરી ત્યારે ચોકીના ઈન્ચાર્જે બળજબરીથી સમાધાન કરાવ્યું અને સમાધાનના બદલામાં તેને એક લાખ રૂપિયા આપ્યા, જેમાંથી 50 હજાર રૂપિયા એકાઉન્ટમાં ઓનલાઈન મોકલવામાં આવ્યા અને બાકીની રકમ રોકડમાં આપવામાં આવી હતી.
પીડિતાના મામાએ જણાવ્યું કે દીકરીના માતા-પિતા નથી અને તે નાનપણથી તેમની સાથે રહે છે. માબાપ વિનાની દીકરી સાથે આવું જઘન્ય કૃત્ય કેવી રીતે સહન થાય? અમારે ન્યાય જોઈતો હતો પણ પોલીસે ફરિયાદ નોંધવાને બદલે સમાધાન કરાવી દીધું.
પીડિતાન મામાએ વધુમાં જણાવ્યું કે 30 ઓગસ્ટે તે પોલીસ અધિક્ષકને મળ્યા અને આ મામલે પોલીસ પર કાર્યવાહીની માંગ કરી હતી. એસપીની સૂચનાથી પોલીસે આ કેસમાં કાર્યવાહી શરૂ કરી હતી. પીડિતાના મામાએ આ મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર પાઠવી ઘટના અંગે ફરિયાદ કરી હતી. એએસપી સિન્હાએ કહ્યું કે પીડિત પરિવારની ફરિયાદ પર આરોપી અંકિત વર્મા વિરુદ્ધ પોક્સો એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય સંબંધિત કલમો હેઠળ અપહરણ અને બળાત્કાર સહિત એફઆઈઆર નોંધીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ પોલીસની કાર્યવાહીને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો