ટોળાંએ દલિત યુવક પર જાહેરમાં પેશાબ કર્યો, પગ પકડાવી માફી મગાવી
ઉત્સવ હોવાથી યુવક શહેરથી ગામમાં આવ્યો હતો. જાતિવાદી તત્વો તેને પકડીને ગામ બહાર લઈ ગયા અને તેની સાથે બર્બરતા આચરી.
જે બાબતનો જાહેરમાં ઉલ્લેખ કરવાનું પણ સજ્જન લોકો પસંદ ન કરે તેવી બર્બરતા જાતિવાદી તત્વો દલિતો સાથે છડેચોક કરવામાં પણ લાજશરમ નથી અનુભવતા. આવું આપણે લગભગ દરેક દલિત અત્યાચારની ઘટનામાં જોતા આવ્યા છીએ. આવી જ વધુ એક બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે, જેમાં એક નિર્દોષ દલિત યુવક પર જાતિવાદી તત્વોએ બાળકની સામે જાહેરમાં તેની સામે પેશાબ કર્યો હતો અને તેને ટોળાંએ મળીને માર માર્યો હતો. આ મામલે હવે 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીંના મદુરાઈમાં એક દલિત યુવક પર અત્યાચારની બર્બરતાપૂર્ણ ઘટના સામે આવી છે. જાતિવાદી તત્વોએ દલિત યુવક પર એક 6 વર્ષના બાળકની હાજરીમાં જાહેરમાં માથે પેશાબ કર્યો હતો. એટલું જ નહીં ટોળાંએ તેને ઢોર માર પણ માર્યો. આ મામલે પોલીસે 6 યુવાનો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલી રહી છે. જૂની અદાવતને કારણે યુવકને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ ૧૭ વર્ષના દલિત યુવકને માર મારીને આરોપીઓએ તેને બધાં લોકોના ચરણ સ્પર્શ કરવાની ફરજ પાડી હતી. દલિત યુવકે એવો પણ આરોપ લગાવ્યો છે કે 6 વર્ષના બાળકની હાજરીમાં તેના પર પેશાબ કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે પેશાબના દાવાઓને નકારી કાઢ્યા છે.
આ ઘટના 16 જાન્યુઆરીની હોવાનું કહેવાય છે. યુવક રાજ્યના સંગમપટ્ટી ગામનો વતની છે. તેની ફરિયાદના આધારે, પોલીસે શનિવારે છ આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
અહેવાલો અનુસાર, નીલમ કલ્ચરલ સેન્ટર નામના એક NGOએ આ ઘટનાની નિંદા કરી છે. એનજીઓએ પોલીસ પર કેસ નોંધવામાં વિલંબ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. શનિવારે, 17 વર્ષનો પીડિત દલિત યુવક VCK ના સભ્યો અને વકીલ સાથે DSP ઓફિસ પહોંચ્યો હતો. પીડિત યુવકે કહ્યું, 'ગયા મહિને અમારા ગામમાં એક તહેવાર ઉજવાઈ રહ્યો હતો, તે દરમિયાન મારી જાતિને કારણે લોકોના એક જૂથ દ્વારા મને હેરાન કરવામાં આવ્યો હતો અને તેમણે મારા પરિવાર વિરુદ્ધ પણ હોબાળો મચાવ્યો હતો.'
તેણે આગળ કહ્યું, 'મને કેરળમાં રહેતા ડર લાગતો હતો. હાલમાં જ હું પોંગલનો તહેવાર હોવાથી ગામમાં પાછો આવ્યો છું. યુવકનું કહેવું છે કે આ સમગ્ર મામલે શાંતિ જાળવવા છતાં આરોપીઓ તેને ગામના સૂમસામ વિસ્તારમાં ખેંચીને લઈ ગયા હતા અને તેની સાથે બર્બરતા આચરી હતી.
દલિત યુવકે કહ્યું, 'એ પછી તે લોકોએ મને માર માર્યો અને જાતિસૂચક અપશબ્દો બોલીને મને બધાંને પગે લાગી માફી માગવા માટે દબાણ કર્યું હતું. મેં કશું ખોટું નહોતું કર્યું છતાં એ લોકોએ એક ૬ વર્ષના બાળકની હાજરીમાં મારા પર પેશાબ કર્યો હતો અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ હુમલામાં હું ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી
વોટ્સએપ ચેનલ ફોલો કરવા અહીં ક્લિક કરો.