જાહેર પાણીની પરબ પરથી પાણી પીધું તો જાતિવાદીઓએ દલિત યુવકને માર્યો
દલિત યુવકે બજારમાં આવેલી જાહેર પાણીની ટાંકી પરથી પાણી પીધું તો જાતિવાદી તત્વોએ તેને 'ટાંકી અભડાવી નાખી' કહીને માર માર્યો.
જાતિવાદીઓ દ્વારા દરરોજ દલિતો પર અત્યાચારની કોઈને કોઈ ઘટના બનતી રહે છે. કેટલીક ઘટના મોટી હોઈ છાપે ચડતી હોય છે પણ મોટાભાગની ક્યાંય હાંશિયામાં ધકેલાઈ જાય છે અને તેની કોઈ નોંધ પણ લેતું નથી. ગોદી મીડિયા અને વિશાળ કોર્પોરેટ મીડિયા સવર્ણો તરફી હોવાથી તેમના માટે દલિત, આદિવાસી, લઘુમતી સમાજ સાથે થતા અત્યાચારો કે સમાચારોની કોઈ કિંમત નથી. કથિત સવર્ણો માટે આભડછેટ કે જાતિ આધારિત ભેદભાવ જાણે સામાન્ય બાબત હોય તેમ વર્તે છે. જ્યારે દલિતો, આદિવાસીઓ માટે આ આત્મ સન્માનનો મુદ્દો છે. એટલે જ તેઓ ન્યાય મેળવવા માટે ઝઝૂમતા રહે છે. કેમ કે, જાહેરમાં તમારી જાતિને આગળ ધરીને અપમાન થાય ત્યારે કેવી લાગણી થાય એ તો જેમણે વેઠ્યું હોય તે જ જાણે.
આવી જ એક જાહેર અપમાનની ઘટના સામે આવી છે. જ્યાં એક દલિત યુવકે બજારમાં મૂકેલા ઠંડા પાણીના પરબ પરથી પાણી પીધું તો જાતિવાદી તત્વોએ તેને "તેં ટાંકી અશુદ્ધ કરી દીધી" એમ કહીને ફટકાર્યો હતો. તેને જાહેરમાં જાતિસૂચક ગાળો દઈને અપમાનિત કર્યો હતો. આ મામલે યુવકે તેની માતાને જાણ કરતા તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા હતા. જેનાથી જાતિવાદીઓ વધુ ઉશ્કેરાયા હતા અને યુવકના ઘરે જઈને તેમને ફરી માર માર્યો હતો અને ઘરમાં રહેલા બચતના રૂ. 5 હજાર પણ લઈ ગયા હતા. આ મામલે ફરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હોવા છતાં જાતિવાદને લગતા મોટાભાગના કેસોમાં બને છે તેમ પોલીસ આરોપીઓના પક્ષે ઉભી રહી જાય છે અને આખા કેસનો લૂલો કરી નાખે છે. આ કેસમાં પણ એવું જ બન્યું હોવાનું જણાય છે. યુવકની માતાએ કરીયાદ કરી હોવા છતાં પોલીસે હજુ સુધી આરોપીઓની ધરપકડ કરી નથી. હવે ભીમ આર્મીના કાર્યકરો આ મામલે તેમની મદદે આવ્યા છે.
બરેલીની બજારમાં જાતિવાદની ઘટના
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીની બજારમાં વિકાસ નામનો દલિત યુવક સાર્વજનિક વોટર કૂલર પરથી પાણી પી રહ્યો હતો ત્યારે સુરેન્દ્ર મૌર્ય નામનો વ્યક્તિ ત્યાં આવ્યો હતો અને "તું કેમ અહીં પાણી પીવે છે, આખી ટાંકી અભડાવી નાખી" એમ કહીને ભરબજારમાં તેને જાતિસૂચક ગાળો દીધી હતી. જ્યારે વિકાસે કહ્યું કે, આ તો જાહેર ટાંકી છે, તો સુરેન્દ્રએ તેને ફરી જાતિસૂચક ગાળો દીધી અને મારવા લાગ્યો હતો.
યુવકની માતાએ ફરિયાદ કરી પણ પોલીસ નિષ્ક્રીય
આ મામલે યુવક વિકાસની માતા દુર્ગાવતીએ શાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં દુર્ગાવતીએ જણાવ્યું હતું કે, "મારો દીકરો વિકાસ 22મી મેના રોજ સાંજે 8.30 વાગ્યા આસપાસ અહીંની વાલ્મિકી બજારમાં આવેલી જાહેર પરબ પરથી પાણી પી રહ્યો હતો. એ વખતે શેરીમાં જ રહેતો સુરેન્દ્ર આવ્યો હતો અને તેને 'તારી હિંમત કેવી રીતે થઈ અહીં પાણી પીવાની' તેમ સવાલ કર્યો હતો. જ્યારે વિકાસે કહ્યું કે, 'આ સરકારી ટાંકી છે તો પાણી પીવામાં શું વાંધો છે?' જેને લઈને સુરેન્દ્રએ મારા દીકરા વિકાસને જાતિસૂચક શબ્દો કહીને કહ્યું કે, 'તેં પાણી પીને આખી ટાંકી અભડાવી નાખી.' મારા દીકરાએ તેનો વિરોધ કર્યો તો સુરેન્દ્રએ તેને મારવાનું શરૂ કરી દીધું. મારા દીકરાએ ઘરે આવીને મને વાત કરી એટલે હું સુરેન્દ્રના પરિવાર પાસે તેની ફરિયાદ કરવા ગઈ. જ્યાં તેના પરિવારે મારી સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો અને ઘરે ભગાડી દીધી. આ મામલે મેં શાહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે."
ફરિયાદ કરી તો આરોપીઓએ ફરી હુમલો કર્યો
વિકાસની માતા દુર્ગાવતી આગળ કહે છે, "મેં આ મામલે પોલીસ ફરિયાદ કરી છે તેની જાણ થતા જ આરોપીઓ સુરેન્દ્ર, જિતેન્દ્ર, મનીષ, ગેંદન, પ્રદીપ મૌર્ય(કોર્પોરેટર), હરિરામ મૌર્ય અને નરેશ કશ્યપ લાકડીઓ અને ધોકા લઈને મારા ઘરે આવી પહોંચ્યા હતા અને અમ મા-દીકરા પર હુમલો કરી દીધો હતો. સાથે જ મારા ઘરમાં પડેલા રૂ. 5 હજાર પણ લઈ ગયા હતા. હોબાળો થતા શેરીના લોકો દોડી આવ્યા હતા. જેથી તેઓ ધમકી આપતા જતા રહ્યા હતા. આ મામલે મેં ફરિયાદ નોંધાવી છે. પણ હજુ સુધી કોઈ કેસ દાખલ નથી થયો."
આ પણ વાંચો: ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો
ભીમ આર્મી વ્હારે આવી
આ મામલે હવે ચંદ્રશેખર રાવણની ભીમ આર્મી પીડિત પરિવારની વ્હારે આવી છે. બરેલીમાં ભીમ આર્મીના મીડિયા પ્રભારી આકાશે પીડિત મા-દીકરાની મુલાકાત લઈને જણાવ્યું હતું કે, "જો પોલીસ આ મામલે ફરિયાદ દાખલ નહીં કરે તો ભીમ આર્મી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરશે."
પોલીસ કંઈક જુદી જ વાત કરે છે
આ મામલે પોલીસ દલિત અત્યાચારના મોટાભાગના કેસોમાં બને છે તેમ જુદી જ વાત કરતી જણાય છે. શાહી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સતીશ કુમારનું કહેવું છે કે, "આ મામલામાં હજુ સુધી કોઈ કેસ નોંધવામાં નથી આવ્યો. તપાસમાં જણાયું છે કે, બાઈક પર સવાર બે યુવકો અથડાયા હતા. એ પછી તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપી પક્ષના બે લોકો ઘાયલ થયા છે."
આ પણ વાંચો: ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો