મહેસાણામાં દલિત શિક્ષકને સવર્ણ પડોશીએ ગાળો ભાંડી માર માર્યો

પડોશી પરિવારે જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી હુમલો કરતા દલિત શિક્ષક અને તેમના પત્નીને ઈજા પહોંચી હતી.

મહેસાણામાં દલિત શિક્ષકને સવર્ણ પડોશીએ ગાળો ભાંડી માર માર્યો
image credit - Google images

Dalit teacher was beaten up by a Sawarna neighbor in mehsana : મહેસાણામાં એક દલિત શિક્ષક અને તેમના પત્નીને પડોશમાં રહેતા સવર્ણ મોદી પરિવારના ત્રણ સભ્યોએ મળીને જાતિસૂચક ગાળો ભાંડી લોખંડની પાઈપ, બેટ અને ગડદાપાટુનો માર મારતા મહેસાણા પોલીસમાં એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

આ મામલાની નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી કાર્તિકભાઈ રાજ મહેસાણાના વાઈડ એન્ગલ સામે હિમાલયા રોયલ એપાર્ટમેન્ટના મકાન નંબર 404માં રહે છે. તેમનું મૂળ વતન વીસનગર તાલુકાનું ચિત્રોડીપુરા ગામ છે. મહેસાણામાં તેઓ તેમના પત્ની અને સાત વર્ષના પુત્ર સાથે રહે છે. કાર્તિકભાઈ સીઆરસીસી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કોર્ડિનેટર મહેસાણા-4માં શિક્ષકના હેડ તરીકે નોકરી કરે છે અને તેમની નીચે 29 સ્કૂલો આવે છે. તેમના માતાપિતા ચિત્રોડીપુરામાં રહે છે.

કેસની વિગતો પ્રમાણે તા. 27 ઓક્ટોબરના રોજ રાતના સાડા નવ વાગ્યા આસપાસ કાર્તિકભાઈ તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમનું એક ચપ્પલ મળતું નહોતું. આથી તેઓ તેને શોધી રહ્યા હતા. એ દરમિયાન તેમની બાજુના ઘરમાં રહેતા પડોશી મનીષ મોદી, તેમનો છોકરો નીશુ અને મનીષભાઈના પત્ની આવી પહોંચ્યા હતા અને કાર્તિકભાઈને "તું શું શોધે છે ઢે#@?" કહીને ત્રણેયે મળી જાતિસૂચક ગાળો ભાંડી, લોખંડની પાઈપ અને બેટથી માર મારી, ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એ દરમિયાન કાર્તિકભાઈના પત્ની તેમને છોડાવવા આવી પહોંચતા આરોપીઓએ તેમને પણ વાળ પકડીને માર માર્યો હતો. આ મામલે મહેસાણા સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શું રાજ્ય સરકાર એટ્રોસિટી એક્ટને નબળો પાડવા છુપી સહમતી આપી રહી છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.