10 માંથી 7 ભારતીયોએ સ્વીકાર્યું દેશમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે
વિખ્યાત સર્વે એજન્સી પ્યૂ રિસર્ચ સેન્ટરે જાતિગત ભેદભાવને લઈને સર્વે હાથ ધર્યો હતો. જેમાં ભારતમાં જાતિ આધારિત ભેદભાવને લઈને ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

દેશમાં જાતિ અને ધર્મના આધારે ભેદભાવ છે કે નહીં? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ સરળ છે. પછી તે હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મામલો હોય કે પછી IIT બોમ્બેના અમદાવાદના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યાનો મામલો હોય. દેશભરમાં દલિતો પર અત્યાચારના કિસ્સા હોય કે મુસ્લિમો વિરુદ્ધ નફરતભર્યા ભાષણ અને લિંચિંગના કિસ્સા હોય, દેશભરમાંથી જાતિ અને ધર્મના આધારે ભેદભાવના સમાચાર દરરોજ આવતા રહ્યાં છે. તો સવાલ એ છે કે, કેટલા લોકો માને છે કે આવો ભેદભાવ થાય છે? આ પ્રશ્નનો જવાબ પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાંથી મળ્યો છે.
70 ટકા લોકોએ સ્વીકાર્યું કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે
પ્યુ રિસર્ચ સેન્ટરના એક નવા અહેવાલ મુજબ, ૭૦ ટકાથી વધુ ભારતીયો માને છે કે ભારતમાં ધાર્મિક ભેદભાવ એક મધ્યમ અથવા ખૂબ જ મોટી સમસ્યા છે. ૬૯ ટકા ભારતીયો માને છે કે ભારતમાં જાતિ આધારિત ભેદભાવ થાય છે. રસપ્રદ વાત એ છે કે, વિશ્વભરમાં સર્વે કરાયેલા 36 દેશોમાં આ સૌથી વધુ પ્રમાણ છે. જોકે, અન્ય દેશોમાં લોકોને જાતિ કરતાં 'નસ્લીય અને વંશીય' ભેદભાવ વિશે પૂછવામાં આવ્યું હતું.
ભારતીયોમાં ધાર્મિક અને જાતિગત ભેદભાવ એક મોટી ચિંતા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, "એકંદરે, આ સર્વેક્ષણમાં અમે પૂછેલા અન્ય મુદ્દાઓ કરતાં ધાર્મિક ભેદભાવ વિશે થોડી ઓછી ચિંતા છે," છતાં 29 ટકા પુખ્ત વયના લોકો કહે છે કે ધર્મના આધારે લોકો સામે ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે, અને 27 ટકા લોકો કહે છે કે તે એક મધ્યમ પ્રકારની સમસ્યા છે. જોકે, તેમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ભારત એવા થોડા દેશોમાંનો એક છે જ્યાં ધાર્મિક ભેદભાવ એક મોટી ચિંતાનો વિષય છે.
જાતિ અને નસ્લીય ભેદભાવ વિશે શું કહ્યું?
રિપોર્ટ કહે છે કે, "પાંચ દેશો - બાંગ્લાદેશ, ફ્રાન્સ, ભારત, નાઇજીરીયા અને શ્રીલંકા - માં અડધા કે તેથી વધુ લોકો માને છે કે ધાર્મિક ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે." ભારતમાં, ૫૭ ટકા જવાબ આપનારાએ કહ્યું કે ધાર્મિક ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે અને અન્ય ૧૪ ટકા લોકોએ કહ્યું કે તે મધ્યમ પ્રકારની સમસ્યા છે.
અહેવાલમાં જણાવાયું છે કે, "સર્વે કરાયેલા દેશોમાં 34 ટકા પુખ્ત વયના લોકોનું કહેવું છે કે નસ્લીય કે જાતીય ભેદભાવ ખૂબ મોટી સમસ્યા છે," બીજા ૩૪ ટકા લોકો તેને મધ્યમ સમસ્યા માને છે. ભારતમાં, ઉત્તરદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે શું જાતિ અને જાતીય ભેદભાવ એક સમસ્યા છે અને જો હા, તો કેટલી મોટી સમસ્યા છે?
આ પણ વાંચો: 'તું ભંગી છે' કહીને સફાઈકર્મી પર હુમલો, પરાણે 'જય શ્રી રામ' બોલાવ્યું
પ્યુ રિસર્ચ સેન્ટરે ગુરુવારે 'આર્થિક અસમાનતાને દુનિયાભરમાં એક મોટા પડકાર તરીકે જોવામાં આવે છે' શીર્ષક હેઠળનો તેનો અહેવાલ પ્રકાશિત કર્યો. તે એશિયા-પેસિફિક ક્ષેત્ર, યુરોપ, લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ ઉત્તર આફ્રિકા ક્ષેત્ર, ઉત્તર અમેરિકા અને સબ-સહારન આફ્રિકાના 36 દેશોમાં કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારિત છે. પ્યુએ ૫ જાન્યુઆરીથી ૨૨ મે, ૨૦૨૪ના સમયગાળા દરમિયાન અમેરિકામાં ૩,૬૦૦ લોકો અને અન્ય ૩૫ દેશોમાં ૪૧,૫૦૩ લોકોનો સર્વે કર્યો હતો. એક તૃતીયાંશ દેશોમાં, આ સર્વે ટેલિફોન દ્વારા કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીના દેશોમાં તે રૂબરૂમાં કરાયો હતો.
રોહિત વેમુલાથી દર્શન સોલંકી સુધીની ઘટનાઓ
જાતિ અને ધર્મના આધારે ભેદભાવનો આ અહેવાલ એ ભારતની સ્થિતિ દર્શાવે છે જ્યાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા જેવા કિસ્સાઓ થયા છે. રોહિત આંબેડકર વિદ્યાર્થી સંઘ સાથે જોડાયેલો હતો. તે એવા મુદ્દાઓ પર વિરોધ અને આંદોલન કરતો હતો જે દક્ષિણપંથી જમણેરી જૂથોને પસંદ નહોતા. આ કટ્ટરવાદી જૂથોની ફરિયાદ પર વેમુલાની શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી નેતા પર હુમલો કરવાના આરોપસર તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની સામે કાર્યવાહીની માંગણી કરતા પત્રો લખનારાઓમાં RSSના નેતા બંડારુ દત્તાત્રેયનો પણ સમાવેશ થાય છે, જેમનો પત્ર તે સમયે માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મોકલવામાં આવ્યો હતો.
વેમુલાએ તેના પાંચ સાથીઓ સાથે રિલે ભૂખ હડતાળ શરૂ કરી હતી. પરંતુ જ્યારે તેમને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે તે ભાંગી પડ્યો હતો. લાંબી લડાઈ લડ્યા પછી હતાશાની એક નબળી ક્ષણે આત્મહત્યા કરી લીધી હતી.
દલિત વિદ્યાર્થી સંગઠનોએ શું કહ્યું?
આવો જ એક કિસ્સો IIT બોમ્બેના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીનો હતો. APPSC એટલે કે આંબેડકર પેરિયાર ફુલે સ્ટડી સર્કલ IIT બોમ્બેએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે 'અમારી ફરિયાદો છતાં સંસ્થાએ દલિત બહુજન આદિવાસી વિદ્યાર્થીઓ માટે તેની જગ્યાને સમાવિષ્ટ અને સુરક્ષિત બનાવવાની કાળજી લીધી નથી.' પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને અનામતિયા અને મેરિટ વિનાના કહીને ટોણાં મારી સૌથી વધુ હેરાનગતિ કરવામાં આવતી હતી. બીજી તરફ આ વિદ્યાર્થીઓને તેમના જ જેવી જ પરિસ્થિતિમાંથી આગળ આવેલા અને આશ્વાસન આપીને ઉભા કરે તેવા ફેકલ્ટી અને કાઉન્સેલર્સની અછત છે. સંઘ પરિવારના લોકો દિન-પ્રતિદિન દલિત, આદિવાસી અને ઓબીસી ફેકલ્ટીઓને વિવિધ યુનિવર્સિટીઓ, પ્રિમિયમ ઈન્સ્ટિટ્યૂટોમાંથી બહાર કરી રહ્યાં છે.”
મૂછો ન રાખવા દેવી સહિતના ભેદભાવો
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 'એ નગ્ન સત્ય છે કે, SC/ST સમાજના વિદ્યાર્થીઓને કેમ્પસમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને સ્ટાફ તરફથી ભારે ઉત્પીડન અને ભેદભાવનો સામનો કરવો પડે છે'. આ ઉપરાંત દલિત અત્યાચારના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. ચોરીના આરોપમાં દલિતોને માર મારવો, તેમની સાથે દુર્વ્યવહાર કરવો, તેમની મૂછો કાપી નાખવી, લગ્નમાં વરઘોડો ન કાઢવા દેવો, જાન પર પથ્થરમારો કરવો, માટલામાંથી પાણી ન પીવા દેવું વગેરે જેવા જાતિ આધારિત ભેદભાવોનો સતત સામનો કરવો પડે છે.
મુસ્લિમોનું ગૌહત્યાના નામે મોબ લિંચિંગ
મુસ્લિમો સામે પણ આવા જ પ્રકારના ભેદભાવના કિસ્સા નોંધાયા છે. મુસ્લિમ દુકાનદારોનો બહિષ્કાર કરવા, ગૌમાંસની હેરાફેરીના આરોપમાં તેમને ટોળાં દ્વારા માર મારવો અને તેમની વિરુદ્ધ ધાર્મિક નફરત ફેલાવવાના કિસ્સાઓ પણ વધ્યાં છે. 2017 માં રાજસ્થાનના અલવરના પહેલુ ખાનની ટોળાં દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી હતી. તે દૂઝણી ગાયને ખરીદીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, પરંતુ ગાયની તસ્કરીના આરોપમાં હિંદુત્વાદી ટોળાંએ તેને માર મારીને હત્યા કરી નાખી હતી.
નફરતભર્યા ભાષણોનું ઝેર ફેલાઈ ચૂક્યું છે
૨૦૧૮ માં હાપુડમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં પશુઓની ખરીદી કરનારા કાસિમ અને સમયદ્દીન પર ગૌહત્યાના આરોપસર ટોળાંએ હુમલો કર્યો હતો. તેમાં કાસિમનું મોત થઈ ગયું હતું. લિંચિંગની ઘટનાઓ સતત બનતી રહી છે અને તે હજુ સુધી બંધ થઈ નથી. આ સાથે, દેશના વિવિધ ભાગોમાં મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવતા ભાષણના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. ઘણા અહેવાલો કહે છે કે તેના પરિણામે, મુસ્લિમો સામે ભેદભાવની ઘટનાઓમાં વધારો થયો છે અને તેમના પર હુમલા પણ વધ્યા છે.
આ પણ વાંચો: અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિ.ના NO.1 પ્રોફેસરને IIM માં જાતિવાદ નડ્યો