દલિત યુવક અને રાજપૂત યુવતીની પ્રેમ કહાનીનો કરૂણ અંત આવ્યો
જાતિવાદ સામે સૌથી વધુ બંડ પ્રેમી યુગલો પોકારતા હોય છે. પણ તેમને જોઈને બીજા પ્રેમી યુગલોની હિંમત ન ખૂલી જાય તે માટે જાતિવાદીઓ મોતથી ઓછી સજા આપતા નથી.

જાતિવાદને કારણે ભારતમાં સેંકડો પ્રેમીયુગલો એવા હશે જેઓ ચાહીને પણ લગ્ન કરી શક્યા ન હોય. ડો.આંબેડકરે જાતિપ્રથાને તોડવા માટેના એક અક્સીર ઈલાજ તરીકે આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી હતી. પણ મનુવાદી તત્વો જ્ઞાતિ-જાતિના વાડા જરાય તૂટે નહીં તે માટે મનુવાદી સિસ્ટમને તોડીને બળવો કરનાર આવા પ્રેમી યુગલોને મોતથી ઓછી સજા આપતા નથી. મોટાભાગના આવા કિસ્સાઓમાં માત્ર બે જ અંત આવે છે. કાં તો યુવક-યુવતી ભાગીને લગ્ન કરી લે અને યુવતીના પરિવારજનો યુવકના પરિવાર પર હુમલો કરી તેમને સજા આપે. જો યુવક-યુવતી ભાગીને લગ્ન કરી શકે તેમ ન હોય તો, આત્મહત્યા કરી લેતા હોય છે. જો પ્રેમીયુગલ લગ્ન કરી પણ લે છે, તો પણ તેમના પર મોતનો ભય સતત તોળાતો રહે છે. સૈરાટ ફિલ્મ યાદ કરો. આવી જ એક ઘટનાની વાત છે.
દલિત યુવક અને ઠાકુર યુવતીની પ્રેમકહાની
મામલો જાતિવાદના એપીસેન્ટર અને બટેંગે તો કટેંગે ફેઈમ યુપીનો છે. અહીં બારાબંકીમાં એક ઠાકુર યુવતી અને એક દલિત યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ જાતિ અલગ હોવાથી તેઓ લગ્ન કરી શકે તેમ નહોતા. આથી બંને એક જ સમયે અલગ-અલગ જગ્યાએ જઈને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો, પરંતુ સમાજ તરફથી સ્વીકાર ન થતાં તેમણે આ પગલું ભર્યું હતું. આ ઘટના જાતિવાદી માનસિકતા અને સામાજિક ભેદભાવ પર સવાલો ઉભા કરે છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ હિંદુ યુવતી-મુસ્લિમ યુવકના લગ્નનું રિસેપ્શન હિંદુ સંગઠનોએ રદ કરાવ્યું?
બારાબંકીના અકોહરી ગામની ઘટના
ઘટના ગઈકાલની છે. બારાબંકી જિલ્લાના અસંદ્રા પોલીસ સ્ટેશનના અકોહરી ગામમાં એક ઘટના પ્રકાશમાં આવી જેણે જાતિવાદી માનસિકતાનો પર્દાફાશ કર્યો છે. ગામના ઠાકુર સમાજની યુવતી અને દલિત યુવક વચ્ચે પ્રેમ થઈ ગયો હતો, પરંતુ તેઓ જીવતા રહીને પોતાના પ્રેમને સમાજના બંધનોમાંથી મુક્ત ન કરી શક્યા, અંતે તેઓ પોતાનો જીવ આપીને આ નિષ્ઠુર સમાજ માટે એક મેસેજ આપતા ગયા હતા.
યુવતીની લાશ તેના ઘરમાં, યુવક ગામ બહાર ઝાડ સાથે લટકતો મળ્યો
સવારે 6 વાગ્યાની આસપાસ યુવતીની લાશ તેના ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી, જ્યારે યુવકની લાશ ગામની બહાર ઝાડ પર લટકતી મળી આવી હતી. આ વાત વાયુવેગે ફેલાતા જ ગ્રામજનોમાં સનસનાટી મચી ગઈ હતી અને સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
જાતિવાદે પ્રેમી યુગલનો ભોગ લીધો?
પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું કે કેસની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, પરંતુ યુવતી ઠાકુર સમાજની અને યુવક દલિત સમાજનો હોવાના કારણે બંનેના સંબંધોને સમાજની સ્વીકૃતિ મળી શકી ન હતી.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર, બંને પ્રેમીપંખીડા એકબીજાના સંપર્કમાં હતા અને પોતપોતાની જ્ઞાતિની મર્યાદાઓથી આગળ વધીને નવા જીવનના સપના જોતા હતા. પરંતુ તેમના પ્રેમને સ્વીકારવાને બદલે સમાજમાં પ્રવર્તતી જાતિવાદી વિચારસરણીએ તેમને એટલી હદે મજબૂર કરી દીધા કે તેમણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.
આ પણ વાંચોઃ રાજપૂત પરિવારે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન પોતાના ઘરે કરાવ્યા
જાતિવાદ એક ખતરનાક માનસિકતા
આ ઘટના જ્ઞાતિવાદી માનસિકતા પર મોટો પ્રશ્ન ઉભો કરે છે. છેવટે, આપણા સમાજના લોકોને જાતિના આધારે તેમના સંબંધો પસંદ કરવાનો અધિકાર ક્યાં સુધી નહીં મળે? પ્રેમ જેવી માનવીય લાગણી ક્યાં સુધી જ્ઞાતિવાદની બેડીમાં જકડી રાખશે?
આ ઘટના માત્ર દલિત સમાજને થતા અન્યાયને જ ઉજાગર કરતી નથી, પરંતુ સમગ્ર સમાજ માટે દર્પણ સમાન છે. દલિત યુવકે પોતાનો જીવ આપીને બતાવ્યું કે સમાજમાં જાતિવાદ માત્ર એક વિચાર નથી પરંતુ એક ખતરનાક માનસિકતા છે, જે પ્રેમ અને માનવતાનો નાશ કરી રહી છે.
સમાજ, પોલીસ અને તંત્રએ આત્મમંથન કરવાની જરૂર છે
આ ઘટના બાદ પોલીસ અને વહીવટીતંત્ર કરતાં સમાજે વધુ આત્મમંથન કરવાની જરૂર છે. હવે સમય આવી ગયો છે કે જ્ઞાતિવાદ જેવા ભેદભાવને ખતમ કરવા કડક પગલાં લેવામાં આવે. આ ઘટના એ બોધપાઠ છે કે પ્રેમને જાતિ અને ધર્મની સીમાઓથી ઉપર જોવો જોઈએ અને દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર મળવો જોઈએ.
બારાબંકીમાં બનેલી આ ઘટનાએ માત્ર એક દંપતીના જીવનનો અંત જ નહીં, પરંતુ સમાજમાં રહેલા જ્ઞાતિના ભેદભાવને પણ ઉજાગર કર્યો. સમય આવી ગયો છે કે આપણે આ માનસિકતાને બદલવા માટે નક્કર પગલાં લઈએ, જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
આ પણ વાંચોઃ રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે