કેવડિયામાં દીપડાએ કાળિયારનું મારણ કર્યું, આઘાતમાં બીજા 7 કાળિયારના મોત
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત જંગલ સફારીમાં અચાનક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારને ફાડી ખાધો હતો, જે જોઈને તેના સાથી 7 કાળિયાર આઘાતમાં મોતને ભેટ્યાં હતા.

કેવડિયા કોલોની ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં પાસે આવેલા જંગલ સફારી પાર્કમાં અચાનક એક દીપડો ઘૂસી ગયો હતો. તેણે કાળિયારનો શિકાર કર્યો હતો. જે જોઈને આઘાતમાં 7 જેટલાં હરણનાં મોત થયા છે. મળતી માહિતી મુજબ 1 જાન્યુઆરીએ સવારે દીપડો અહીંના ઝૂઓલોજિકલ પાર્કમાં આવેલા એન્ક્લોઝરમાં ઘૂસી ગયો હતો અને એક કાળિયારનું મારણ કર્યું હતું. જે બાદ વધુ 7 હરણો મૃત્યુ પામ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી છે.
આ મામલે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર નવા વર્ષની સવારે દીપડો ફેન્સીંગ ઓળંગીને અંદર પ્રવેશી ગયો હતો. આ બિડાણ કેવડિયા વન વિભાગ હેઠળ આવે છે અને ઉદ્યાન શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્યના જંગલોથી ઘેરાયેલું છે. અહીં પ્રાણીઓની સુરક્ષા માટે મજબૂત ફેન્સિંગ કરવામાં આવી છે. પરંતુ દીપડો તેને પાર કરવામાં સફળ રહ્યો હતો. તેણે એક કાળિયારનું મારણ કર્યું હતું. જેના આઘાતમાં અન્ય 7 કાળિયાર મોતને ભેટ્યાં હતા. વન વિભાગે કુલ 8 કાળિયારના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. એ પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
સમગ્ર મામલે કેવડિયા વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF) અગ્નિશ્વર વ્યાસે જણાવ્યું હતું કે, આસપાસના જંગલોમાં દીપડાની હાજરી સામાન્ય છે. પરંતુ સફારી પાર્કમાં દીપડો ઘૂસ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. પાર્કની આસપાસ 400 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અહીં કેમેરા દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવે છે. સીસીટીવી ફૂટેજમાં દીપડાની હાજરી સામે આવી છે. દીપડો પ્રવેશતા જ કર્મચારીઓને જાણ થઈ હતી. કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા ત્યારબાદ દીપડો ભાગી ગયો હતો. અત્યારે એ કહી શકાય નહીં કે દીપડો સફારી પાર્કમાંથી નીકળી ગયો છે કે અંદર ક્યાંક છુપાઈ ગયો છે? આ ઘટના બાદ સફારી પાર્ક બે દિવસ બંધ રાખવામાં આવ્યો હતો અને ગઈકાલે ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. હાલમાં દીપડો જંગલ સફારીની અંદર જ છે કે બહાર નીકળી ગયો છે તેને લઈને શંકા સેવાઈ રહી છે. પ્રવાસીઓમાં પણ આ ઘટનાને લઈને ભયનો માહોલ સ્પષ્ટ જોઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના આદિવાસી સમાજના લોકોની જમીન પર બનેલું છે. તેમને યોગ્ય વળતર આપ્યા વિના તેમની જમીનો પડાવી લેવાના આક્ષેપો મેધા પાટકરથી લઈને અનેક એક્ટિવિસ્ટો દ્વારા લગાવવામાં આવ્યા છે. આજે પણ અહીં વિસ્થાપિત થયેલા આદિવાસીઓના અનેક પ્રશ્નો જેમના તેમ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: આદિવાસીઓને જંગલમાંથી ખદેડવા ત્યાં દીપડો છોડી દેવાયો?