કેરળમાં RSS ની બેઠકમાં ક્યા ક્યા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી?
કેરળના પલક્કડમાં RSS ની ત્રણ દિવસની સંકલન બેઠક ગઈકાલે સમાપ્ત થઈ ગઈ. સંઘની કથની અને કરણીમાં આભજમીનનું અંતર હોય છે, જે અહીં પણ જોવા મળ્યું.
કેરળના પલક્કડમાં RSS ની સંકલન બેઠક ગઈકાલે પૂર્ણ થઈ ગઈ. બીજા દિવસે કુલ ૫ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સત્રોને જૂથોમાં વહેંચીને ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ, સુરક્ષા, આર્થિક નીતિ અને સામાજિક સમરસતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન બેઠકમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, "રાજકીય પક્ષો ભારતના હિંદુ સમાજને જાતિ વર્ગોમાં તોડવાનો પ્રયાસ કરતા રહેશે પરંતુ સંઘનું કામ સામાજિક સમરસતા જાળવવાનું અને બધાને સાથે રાખવાનું છે. આપણે સંઘની વિચારસરણીના આધારે બધાને સાથે લઈને ચાલવાનું છે. સામાજિક સમરસતા જાળવવી એ આપણી ફરજ છે."
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગવતે કહ્યું કે, સામાજિક વર્ગીકરણના પણ ઘણાં પરિમાણો છે. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થે આવી માંગણીઓ કરતા રહેશે. આવું થવું જોઈએ કે નહીં એ સરકાર અને કોર્ટનું કામ છે. આપણે એ કામ કરતા રહેવાનું છે જે આપણું છે અને જેના માટે સંઘની રચના થઈ છે. બધાંને સાથે લઈને સમાજમાં ભેદભાવ દૂર કરવા સતત પ્રયત્નો કરવા. આ માટે સમાજમાં સામાજિક પ્રવૃતિઓને લગતી કામગીરી તેજ કરવી પડશે. લોકોમાં પરસ્પર ભાઈચારો અને પ્રેમ જળવાઈ રહેવો જોઈએ. તો જ સંવાદિતાની અસર જોવા મળશે. (જો કે આ જ સંઘ પર દેશની સામાજિક એકતાને તોડવાના આરોપો લાગતા રહે છે. હિંદુ મુસ્લિમ દંગાઓ પાછળ સંઘની સંસ્થાઓની ભૂમિકાથી કોઈ અજાણ નથી. સંઘની કથની અને કરણીમાં અંતર સમજી શકાય છે. સંઘ જાહેરમાં જે કહે છે, અંદરખાને તેનાથી તદ્દન ઉલટું કરે છે.)
જ્યારે બાકીના સત્રોમાં શિક્ષણના મુદ્દા પર વિગતવાર ચર્ચા અને અસર તરીકે એક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સંબંધિત સંસ્થાઓ વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સત્રમાં ભારત સરકારની નવી શિક્ષણ નીતિ અંગે ચર્ચા થઈ હતી. જેમાં મુખ્યત્વે તેનો ક્યાં અમલ થયો તેની ચર્ચા કરવામાં આવી હતી. નવી શિક્ષણ નીતિની શિક્ષણ અને સમાજના ક્ષેત્ર પર શું અસર પડી? તેની ચર્ચા કરાઈ હતી. (સંઘની રાજકીય પાંખ ભાજપ હાલ સત્તામાં છે અને તેના થકી તે શિક્ષણમાં સંઘની વિચારધારાને લોકો પર થોપી રહી છે. દેશની શાળાઓના અભ્યાસક્રમોમાં સંઘી વિચારધારાને લગતા પાઠ અને અભ્યાસક્રમો દાખલ કરાઈ રહ્યાં છે. દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પર કાપ મૂકાઈ રહ્યો છે, જેથી તેઓ ભણી ન શકે.)
આ પણ વાંચો: હવે દલિતોને રીઝવવા વિશ્વ હિંદુ પરિષદ તેમના ઘરે જઈને ભોજન કરશે
આરએસએસની બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જેમાં બાંગ્લાદેશમાં ઉથલપાથલને કારણે ભારતની સુરક્ષાની ચિંતાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, આ ઉપરાંત પડોશી દેશ ચીન, અફઘાનિસ્તાન સહિત અન્ય દેશો તરફથી વધી રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને વ્યાપક રણનીતિ હેઠળ પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. (ચીન મુદ્દે ભાજપની સરકારે કાયમ મૌન સેવ્યું છે. ચીને અત્યાર સુધીમાં ભારતની સરહદે અનેકવાર ઘૂસણખોરી કરી છે, છતાં ભાજપ સરકાર કોઈ ઘૂસા નહીં કહીને મૌન રહે છે. આ હકીકત છે.)
આ અંતર્ગત બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર, તેમના વિસ્થાપનની સમસ્યા અને તેમના પુનર્વસન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે તે સિવાય બીજું શું કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. (સંઘને બાંગ્લાદેશના હિંદુઓની ચિંતા થાય છે, પણ ભારતમાં જ હિંદુઓ ગરીબી, બેકારી, ભૂખમરો, બેરોજગારીથી ત્રસ્ત થઈ રહ્યાં છે તેના વિશે તે ભાજપને કશું કહીને કરાવતો નથી. યુવાનોને ગરીબ રાખીને અદાણી જેવા લોકો થકી દેશ પર નિયંત્રણ રાખવાનું કાવતરું લોકો સમજી રહ્યાં છે.)
રાષ્ટ્રીય સુરક્ષાને લઈને જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર પણ ચર્ચા થઈ હતી. જમ્મુ-કાશ્મીર અને ખીણમાં હિંદુઓ માટે આગામી ખતરા અંગે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યમાં અશાંતિ ફેલાવવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો.
આ પણ વાંચો: RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, કેરળના પલક્કડમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની બેઠકનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ૩૧ ઓગસ્ટથી શરૂ થયેલી સંઘની બેઠકના છેલ્લાં દિવસે ભાજપ સહિત સંઘના ૩૨ સહયોગી સંગઠનો સાથે જોડાયેલા લોકોએ ભાગ લીધો હતો. ૧ ઓગસ્ટના રોજ આ બેઠકમાં સામાજિક સમરસતા પર લાંબી ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન, વિપક્ષ દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોમાં ઉઠાવવામાં આવેલી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે સંઘનું માનવું છે કે સામાજિક સમરસતા હેઠળ હિન્દુત્વના મુદ્દા સાથે સમાજને જાતિઓમાં વહેંચાતા અટકાવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૪ની ચૂંટણી પછી સંઘ અને તેના સહયોગી દળો વચ્ચે આ પહેલી સંકલન બેઠક હતી. સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તન - સામાજિક સમરસતા, પારિવારિક જ્ઞાન, પર્યાવરણ સંરક્ષણ, રાષ્ટ્રીય ઓળખ અને નાગરિક ફરજના આધારે દેશવ્યાપી સામાજિક પરિવર્તનનું આયોજન કરી રહ્યું છે. શતાબ્દી વર્ષમાં સંઘ પંચ પરિવર્તન અંતર્ગત સામાજિક સમરસતામાં દેશવ્યાપી પરિવર્તન માટે અભિયાન ચલાવશે. સંઘની સંકલન બેઠકમાં સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે દ્વારા સામાજિક સમરસતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને સંઘના અનેક અધિકારીઓ અને સંઘની સહયોગી સંસ્થાઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોના કેન્દ્રીય અધિકારીઓએ પણ બેઠકમાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની વિગતો શેર કરી હતી.
બેઠકમાં, જેપી નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે પાર્ટીના સભ્યપદ અભિયાન અને આંતરિક ચૂંટણીઓની વિગતો શેર કરી હતી. બેઠક દરમિયાન જેપી નડ્ડા સંઘ પ્રમુખ ભાગવત અને અન્ય સહિત સંઘના ટોચના અધિકારીઓને પણ મળ્યા હતા. સંઘના અધિકારીઓ અને જેપી નડ્ડા વચ્ચેની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે લોકસભા ચૂંટણી પહેલા જેપી નડ્ડાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પાર્ટી હવે આર્ત્મનિભર છે અને તેને સંઘના સમર્થનની જરૂર નથી
આ પણ વાંચો: 2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે