અમુક શિક્ષિકાઓ આખું શરીર દેખાડતી સ્કૂલે આવે છેઃ રાજસ્થાનના શિક્ષણમંત્રી
રાજસ્થાનના શિક્ષણમંત્રી તેમના બેફામ નિવેદનોને લઈને જાણીતા છે. હવે તેમણે મહિલા શિક્ષિકાઓના ડ્રેસ પણ નિવેદન કરીને સરકારને પણ શરમજનક સ્થિતિમાં મૂકી દીધી છે.
ભાજપ અને આરએસએસ સાથે જોડાયેલા કેટલાક નેતાઓ-કાર્યકરો તેમના મહિલાઓને લઈને નિમ્ન સ્તરના વિચારોને લઈને કુખ્યાત છે. આ નેતાઓ જાહેરમાં પણ મહિલાઓ વિશે હલકી કક્ષાના નિવેદનો કરતા ખચકાતા નથી. આવું જ એક નિમ્ન સ્તરનું નિવેદન રાજસ્થાનના શિક્ષણમંત્રીએ મહિલા શિક્ષિકાઓના ડ્રેસને લઈને આપ્યું છે.
રાજસ્થાનના શિક્ષણ મંત્રી (Rajasthan Education Minister) મદન દિલાવરે (Madan Dilawar) મહિલા શિક્ષકોના પોશાક (Teacher's dress) પર વિવાદિત નિવેદન (controversial statement) આપીને સ્થાનિક રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. શિક્ષિકાઓના ડ્રેસ પર ટિપ્પણી કરતા દિલાવરે કહ્યું કે, "ઘણી શિક્ષિકાઓ પોતાનું આખું શરીર બતાવતી શાળાએ જાય છે. તેનાથી છોકરા-છોકરીઓ પર સારી અસર પડતી નથી. આ લોકોએ વિચારવું જોઈએ કે હું એક શિક્ષિકા છું. શિક્ષક છું. આપણે કેવો પોશાક પહેરવો જોઈએ, શું ખાવું જોઈએ તેની તકેદારી રાખવી જોઈએ. દિલાવરે કહ્યું કે શિક્ષકે યોગ્ય ડ્રેસ પહેરીને શાળાએ આવવું જોઈએ.
દિલાવરે નૃસિંહપુરી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. દિલાવરે કહ્યું કે ઘણા શિક્ષકો શાળામાં ઝૂમતા (દારૂના નશાના સંદર્ભમાં) શાળાએ આવે છે. તમે જ વિચારો, બાળકો શું વિચારશે, દારૂ પીવો સારી બાબત છે. ગુરુજી પણ પીને આવે છે.
તેમણે કહ્યું કે, જે લોકો આ પ્રકારના કૃત્યો કરે છે તેઓ શિક્ષકો નથી પરંતુ બાળકોના દુશ્મન છે. તેમને શિક્ષક કહેવા એ પાપ છે. આપણું વર્તન એવું હોવું જોઈએ કે બાળકો કંઈપણ બોલ્યા વિના પણ આપણી પાસેથી મૂલ્યો શીખી શકે.
કોંગ્રેસ આક્રમ બની
આ નિવેદન બાદ રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે અને આક્રમક બની ગઈ છે. કાર્યક્રમના થોડા સમય બાદ દિલાવરનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જે બાદ કોંગ્રેસે આ મુદ્દો ઉપાડી લીધો હતો.
વિપક્ષના નેતા ટીકારામ જુલી (Tikaram Julie) એ શિક્ષણ મંત્રીના નિવેદનને વખોડીને તેમના રાજીનામાની માંગણી કરી હતી. જુલીએ કહ્યું કે, આજે શરદ પૂર્ણિમા છે. આ શુભ અને પાવન અવસર પર શિક્ષણ મંત્રી મદન દિલાવર પાસેથી આવા અંધકારમય દ્રષ્ટિકોણની અપેક્ષા બિલકુલ ન હતી. તેમને સતત અભદ્ર ટિપ્પણી અને ભાષણ કરવાની આદત છે. પરંતુ આજે તેમણે પોતાના આ નિવેદનથી સૌ કોઈને શરમમાં મુકી દીધાં છે.
આ બેશરમીની હદ છે...
રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ ગોવિંદસિંહ ડોટાસરા (Govind Singh Dotasara) એ કહ્યું કે આ બેશરમીની હદ છે. શિક્ષકોનું અપમાન કરવું, તેમને બદનામ કરવા અને રોજ બેફામ ટિપ્પણીઓ કરીને રાજ્યને શરમજનક સ્થિતિમાં મૂકવું એ શિક્ષણમંત્રીની આદત બની ગઈ છે.
ડોટાસરાએ કહ્યું કે માનસિક રીતે દેવાળિયા બનેલા શિક્ષણ મંત્રીએ માફી માંગવી જોઈએ અથવા મુખ્યમંત્રીએ તેમને મંત્રીમંડળમાંથી બરતરફ કરવા જોઈએ. એ પછી તો વિપક્ષના અન્ય નેતાઓએ પણ શિક્ષણમંત્રીના નિવેદનોની આકરી ઝાટકણી કાઢી હતી. કહેવાય છે કે દિલાવરના આ નિવેદન સામે શિક્ષક સંગઠનોએ પણ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...