ઓછું બોલો, ઘરે રહો, આ RSS નો મહિલાઓને લઈને વિચાર છે...
વિપક્ષના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાની મુલાકાતે છે. અહીં તેમણે એક કાર્યક્રમમાં ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણી પર આકરા પ્રહારો કર્યા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાના ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન આરએસએસ પર નિશાન સાધતા કહ્યું હતું કે, સંઘ માને છે કે મહિલાઓએ ઓછું બોલવું જોઈએ અને ઘરમાં રહીને રસોઈ જેવા પરંપરાગત કામો કરવા જોઈએ. ઓછું બોલો, ઘરમાં રહો – આ આરએસએસના મહિલાઓને લઈને વિચારો છે તેમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
વિપક્ષના નેતાએ કહ્યું “આરએસએસ માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોનું સંયોજન છે. અમે માનીએ છીએ કે દરેકને ભાગ લેવાની છૂટ હોવી જોઈએ, સપનાં જોવાની છૂટ હોવી જોઈએ. અને તેની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અને ઈતિહાસને ધ્યાનમાં લીધા વિના સ્થાન આપવું જોઈએ. ચૂંટણીમાં આ લડાઈ વધુ સ્પષ્ટ થઈ ગઈ, જ્યારે ભારતના કરોડો લોકો સમજી ગયા કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના બંધારણ પર હુમલો કરી રહ્યા છે. મેં તમને જે પણ કહ્યું છે તે બધું બંધારણમાં છે. આધુનિક ભારતનો પાયો બંધારણ છે.”
ભારતીય મહિલાઓ વિશે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, “હું મહિલા સશક્તિકરણમાં વિશ્વાસ કરું છું, મહિલાઓને વ્યવસાયમાં તકો મળે તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતી હોય તો તેમને નાણાકીય સહાય પૂરી પાડવી, તેમાં સહભાગી થવું જોઈએ.”
આ પણ વાંચો: તારો જમાઈ હોય તો તું નદીમાં કૂદી જા અને લાશ કાઢી આવ...
રાહુલે કહ્યું કે, “આ ભાજપ અને અમારી વચ્ચેના વૈચારિક સંઘર્ષનો એક ભાગ છે. ભાજપ અને આરએસએસ માને છે કે મહિલાઓને પરંપરાગત ભૂમિકાઓ સુધી જ સીમિત રાખવી જોઈએ. ઘરમાં રહેવું, રસોઈ કરવી અને ઓછું બોલવું એ આરએસએસની વિચારસરણી છે. અમારું માનવું છે કે સ્ત્રીઓ જે ઈચ્છે છે તે કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.”
રાહુલ ગાંધીએ બંધારણને લઈને કહ્યું, “ચૂંટણીમાં લોકોએ એક વાત સ્પષ્ટ રીતે સમજી અને મેં જોયું કે, જ્યારે હું બંધારણનો મુદ્દો ઉઠાવતો હતો ત્યારે લોકો સમજી જતા હતા કે હું શું કહી રહ્યો છું. લોકો કહેતા હતા કે ભાજપ અમારી પરંપરા ભાષા, રાજ્યો અને ઈતિહાસ એમ દરેક મોરચે હુમલો કરી રહ્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે લોકો સમજી ગયા છે કે જેઓ ભારતના બંધારણ પર હુમલો કરી રહ્યાં છે તે આપણા અધિકારો પર પણ હુમલા કરી રહ્યાં છે.”
રાહુલે કહ્યું, “આ ચૂંટણીની સૌથી મોટી વાત એ રહી કે, પરિણામો આવ્યા બાદ લોકોના મનમાંથી ભાજપની બીક ગાયબ થઈ ગઈ છે. પરિણામો આવ્યાની ગણતરીની મિનિટોમાં જ એકપણ વ્યક્તિ ભાજપ કે વડાપ્રધાન મોદીથી ડરતો નથી. લોકોએ એ બાબતે રાહતનો શ્વાસ લીધો કે હવે દેશના બંધારણને બદલવાની વાત કરનારા લોકોના હાથ હેઠાં પડ્યાં છે. ભારતના લોકોએ એ સાબિત કર્યું કે, તેઓ દેશના બંધારણ પરના હુમલાને જરાય સાંખી નહીં લે.
આ પણ વાંચો: IAS નું ખાનગીકરણ અનામત ખતમ કરવાની ગેરંટી છે