Dr. Ambedkar ની પ્રતિમા હટાવતા બબાલ: 10 પોલીસકર્મી ઘાયલ, 6 બાઈક સળગ્યાં

પોલીસ Dr. Ambedkar ની પ્રતિમા ઉપાડીને લઈ જતા લોકો બેકાબૂ બન્યાં. પોલીસકર્મીઓ પર હુમલો કરી 6 બાઈક સળગાવી દીધાં. હજુ પણ તંગ પરિસ્થિતિને જોતા પોલીસ પહેરો ગોઠવાયો.

Dr. Ambedkar ની પ્રતિમા હટાવતા બબાલ: 10 પોલીસકર્મી ઘાયલ, 6 બાઈક સળગ્યાં
image credit - Google images

યુપીના અલીગઢ (Aligarh) માં રોરાવર વિસ્તારના ઇબ્રાહિમપુર-ભીમપુર (Ibrahimpur-Bhimpur) ગામમાં ૨૭ જાન્યુઆરીની રાત્રે સ્થાપિત આંબેડકરની પ્રતિમા પોલીસે હટાવી દેતા ત્યારે રમખાણો ફાટી નીકળ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાંએ પહેલા પોલીસ પર હુમલો કર્યો અને પછી પોલીસકર્મીઓની છ બાઇક સળગાવી દીધી અને પોલીસના વાહનોમાં તોડફોડ કરી. ટોળાંને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. હવાઈ ગોળીબાર પણ કરવામાં આવ્યો. ટોળા દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં દસથી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. હાલ ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ કેમ્પિંગ કરી રહ્યા છે.

બઘેલ અને દલિત સમાજ વચ્ચે જમીનનો વિવાદ

ઈબ્રાહિમપુર-ભીમપુર ગામમાં બઘેલ (Baghel community) અને અનુસૂચિત જાતિના લોકો (Scheduled Caste) વચ્ચે ગામની જમીનને લઈને વિવાદ થયો છે. અહીં ગામની જમીનના બે પ્લોટ ખાલી પડેલા છે. 27 જાન્યુઆરીના રોજ, બઘેલ સમાજના લોકોએ એક પ્લોટ પર મંદિરનું બાંધકામ શરૂ કર્યું. અનુસૂચિત જાતિના લોકોએ આ અંગે પોલીસ અને વહીવટી અધિકારીઓને ફરિયાદ કરી. પોલીસ આવી અને મંદિરનું બાંધકામ અટકાવ્યું.

27 જાન્યુઆરીની રાત્રે, અનુસૂચિત જાતિના લોકોએ બીજા પ્લોટ પર આંબેડકરની પ્રતિમા સ્થાપિત (installed Ambedkar's statue) કરી. બઘેલ સમાજના લોકોએ તેનો વિરોધ શરૂ કર્યો. પ્રતિમાને હટાવવાની માંગણીઓ થવા લાગી. જ્યારે અનુસૂચિત જાતિ સમાજના લોકોને લાગ્યું કે પોલીસ બાબાસાહેબની પ્રતિમાને હટાવી શકે છે, ત્યારે સમાજના લોકોના ટોળાએ પ્રતિમા સ્થળને ઘેરી લીધું અને બેસી ગયા. અધિકારીઓએ લોકોને સમજાવીને પ્રતિમા હટાવવાનો પ્રયાસ કર્યો પરંતુ લોકો તૈયાર નહોતા. જેના કારણે ગામમાં પણ તણાવ વધી ગયો હતો.

ટોળું બેકાબૂ બન્યું

28 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6:30 વાગ્યે, પોલીસે અહીંથી પ્રતિમાને હટાવી અને તેને લઈ જવા લાગ્યા. જેને લઈને બે દિવસથી પ્રતિમા સ્થળની આસપાસ બેઠેલા લોકો ગુસ્સે ભરાયા અને પોલીસ પર પથ્થરમારો કર્યો. ત્યારે પોલીસકર્મીઓની સંખ્યા ઓછી હતી, તેથી તેઓ ભીડને રોકી શક્યા નહીં અને ભાગીને પોતાનો જીવ બચાવ્યો. પોલીસકર્મીઓ તેમના ગાડીઓ અને બાઈક ત્યાં જ મૂકીને ભાગી ગયા. ટોળાએ ટુ-વ્હીલરોને આગ ચાંપી દીધી હતી અને ફોર-વ્હીલર વાહનોમાં તોડફોડ કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસ બોલાવવી પડી

ઘટનાની જાણ થતા નજીકના પોલીસ સ્ટેશનની પોલીસને તાત્કાલિક બોલાવવામાં આવી. અંધાધૂંધી વધતાં, અલીગઢ-ગોંડા રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો. ભીડને કાબુમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. લગભગ છ રાઉન્ડ હવાઈ ગોળીબાર પણ થયો. બાદમાં પોલીસે ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. મોટાભાગના લોકો પોતાના ઘરોને તાળાં મારીને ચાલ્યા ગયા હતા. ગામમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એસએસપી સંજીવ સુમન કહે છે કે બદમાશોની ધરપકડ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. ગામમાં ફોર્સ તૈનાત કરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું

પોલીસે મીડિયાને જણાવ્યું કે રોરાવર પોલીસ સ્ટેશનના ભીમપુર ગામમાં 26 જાન્યુઆરીથી આ મામલો ચાલી રહ્યો હતો. મામલો સરકારી જમીન પર મંદિર અને ડો.આંબેડકરની પ્રતિમા લગાવવાનો હતો. પહેલા બઘેલ સમાજે મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું, જે જોઈને અનુસૂચિત જાતિ સમાજે બાજુની ખાલી જમીન પર ડો.આંબેડકરની પ્રતિમા લગાવવી શરૂ કરી હતી. તે પહેલાં પોલીસ સ્ટેશન દ્વારા કામ બંધ કરી દેવામાં આવ્યું. તે અડધું બંધાયેલું હતું. બે-ત્રણ દિવસમાં તેમણે રાત્રે જ એક પ્રતિમા સ્થાપિત કરી. ત્યારથી ફોર્સ ઘટનાસ્થળે હાજર છે. વિવિધ સ્તરે વાટાઘાટો થઈ છતાં ઘટના બની હતી. 28 જાન્યુઆરીના રોજ, તેમનું એક પ્રતિનિધિમંડળ ડીએમ અને એસએસપી સાથે વાત કરવા ગયું.

નિયમો હેઠળ કોઈપણ સરકારી જમીન પર કોઈ બાંધકામ કરી શકાતું નથી; પ્રતિમા પણ સ્થાપિત કરી શકાતી નથી. જ્યારે બીજા પક્ષ સાથે વાતચીત થઈ, ત્યારે તેમણે કહ્યું કે બઘેલ પક્ષ દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે. તે મંદિરની જગ્યાએ બાઉન્ડ્રી વોલ બનાવી રહ્યો હતો. તેને પણ  બાંધવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને બાબાસાહેબની પ્રતિમા પણ સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ડીએમ અને એસએસપી સાથેની વાતચીત બાદ બંને પક્ષો સંમત થયા હતા.

છેલ્લાં બે દિવસથી મામલો ગરમાયેલો હતો

આ લગભગ બે દિવસથી ચાલી રહ્યું હતું અને જ્યારે સાંજે પોલીસ પ્રતિમા હટાવવા ગઈ ત્યારે ત્યાં હાજર મહિલાઓ અને લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો. ત્રણ-ચાર સ્કૂટરોને આગ ચાંપી દેવામાં આવી. બે પોલીસકર્મીઓ ઘાયલ થયા અને તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. પ્રતિમા હવે દૂર કરવામાં આવી છે, સ્થળ પર પૂરતો પોલીસ ફોર્સ હાજર છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે. માત્ર ૧૫ મિનિટ માટે જ અંધાધૂંધી સર્જાઈ હતી. આ ઘટનામાં પૂર્વ સરપંચ અને હાલના સરપંચને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આખી ઘટના સ્થાનિક રાજકારણથી પ્રેરિત હોવાનું લાગી રહ્યું છે.

કલેક્ટરે શું કહ્યું

અલીગઢના કલેક્ટર સંજીવ રંજને જણાવ્યું હતું કે, એક સ્પષ્ટ નિયમ છે કે ગ્રામ પંચાયતની જમીન પર આ રીતે કોઈપણ મહાપુરુષની પ્રતિમા કે અન્ય કોઈ પ્રતિમા સ્થાપિત કરી શકાતી નથી. આ વાત ગામલોકોને અને તેમના નેતાઓને વારંવાર સમજાવવામાં આવી હતી. એ જ ક્રમમાં, તેમને સતત વાતચીત દ્વારા માહિતી આપવામાં આવી હતી. અમે નીચેના લેવલના અધિકારીઓની બેદરકારી અને સમયસર જાણ ન કરવાના મામલાની તપાસ કરી રહ્યાં છીએ. જે કોઈ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: દેશભરમાં ડો.આંબેડકરની પ્રતિમાઓ પર થઈ રહેલા હુમલા શું સૂચવે છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.