બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે

જાતિવાદથી ત્રસ્ત થઈને બેંગ્લુરુમાં 500થી વધુ દલિત પરિવારોના 3 હજાર લોકો મહાનાયક બાબાસાહેબની રાહે ચાલીને બૌદ્ધ ધર્મ અપનાવવા જઈ રહ્યાં છે.

બેંગ્લુરૂમાં 500 દલિત પરિવારના 3000 લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે
image credit - Google images

દલિત-બહુજન સમાજના મહાનાયક માટે ખબરઅંતર.કોમ જિનિયસ શબ્દ શા માટે વાપરે છે તેનો વધુ એક પુરાવો આવતા બે દિવસમાં ભારતના આઈટી સિટી ગણાતા બેંગ્લુરુમાં જોવા મળવાનો છે. બાબાસાહેબે હિંદુ તરીકે જન્મ્યો છું પણ હિંદુ તરીકે મરીશ નહીં તેમ કહ્યું એ પછી અનેક ધર્મના લોકો તેમને પોતાની તરફ ખેંચી જવા મથતા રહ્યા. પણ બાબાસાહેબે તથાગત ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મ પર પસંદગી ઉતારી અને તેમના પગલે લાખો દલિતોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. જે રીતે તેમણે 75 વરસ પહેલા લખેલું ભારતનું બંધારણ મનુવાદીઓની સતત વધતી જતી તાકાત વચ્ચે આજે પણ અડીખમ છે, તે જ રીતે બાબાસાહેબનો બૌદ્ધ ધર્મ અપનાવવાનો એ નિર્ણય પણ દૂરંદેશીભર્યો સાબિત થયો છે અને દિનપ્રતિદિન દલિત-બહુજનોનો વર્ણવ્યવસ્થાના પાયા પર ઉભેલા હિંદુ ધર્મથી મોહભંગ થઈ રહ્યો છે અને તેમને એકમાત્ર રસ્તો તથાગત ગૌતમ બુદ્ધના બૌદ્ધ ધર્મમાં દેખાઈ રહ્યો છે.

બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની આવી જ એક મોટી ઘટના આગામી 2 જૂને કર્ણાટકના પાટનગર બેંગ્લુરૂમાં ઘટવા જઈ રહી છે. જ્યાં લગભગ 500 દલિત પરિવારો બૌદ્ધ ધર્મ અપનાવશે. કર્ણાટક રાજ્યમાં છેલ્લા બે દાયકામાં બૌદ્ધ અનુયાયીઓની ઘટતી સંખ્યા વચ્ચે આટલી મોટી સંખ્યામાં બૌદ્ધ ધર્મ અંગિકાર થવા જઈ રહ્યાંની જાણ થતા જ દલિત સમાજમાં આનંદની લહેર પ્રસરી ગઈ છે. આંબેડકરવાદી સંગઠનોના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધ ધર્મીઓનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું

આ કાર્યક્રમના સંયોજક આનંદ ચક્રવર્તીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ ભવ્ય સમારોહમાં લગભગ 3000 લોકો સ્વેચ્છાએ હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવશે. આયોજકોને આંબેડકર સ્કૂલ ઓફ થોટ, સમતા સૈનિક દળ, નીલમ સાંસ્કૃતિક કેન્દ્ર, ભીમ બુક બેંક, ફુલે સિવિલ એકેડમી, આંબેડકર સ્ટડી સર્કલ વગેરે જેવી વિવિધ આંબેડકરવાદી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. આ સંગઠનો કર્ણાટકના વિવિધ જિલ્લાઓ અને ગામડાઓમાં જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરતા આવ્યા છે. 

આનંદ ચક્રવર્તીએ વધુમાં જણાવ્યું હતું કે, આ દલિત સામાજિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે અને દરરોડ ટ્યુશન કેર અને કારકિર્દી માર્ગદર્શન, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, કામદારો વગેરે માટે સામાજિક જાગૃતિ શિબિરોનું આયોજન કરે છે. 

તેઓ વધુમાં જણાવે છે કે, વર્તમાનમાં બગડતી જતી જાતિ વ્યવસ્થાના દુષણચક્રમાંથી બહાર નીકળવા માટે આપણા મહાનાયક ડો. આબેડકર દ્વારા બતાવવામાં આવેલા માર્ગના રૂપમાં બૌદ્ધ ધર્મ અપનાવવાના ઉદ્દેશ્ય સાથે બધી સંસ્થાઓ એક સાથે આવી હતી. આ પ્રસંગે લગભગ 500 દલિત પરિવારોના 3000 કરતા વધુ લોકો સ્વૈચ્છિક રીતે બૌદ્ધ ધર્મ અપનાવશે. સેંકડો લોકો આ યાદગાર પ્રસંગના સાક્ષી બનવા માટે રાજ્યના ખૂણેખૂણેથી આવવાના છે. સરજાપુર શહેરના ડો.બી.આર.આંબેડકર ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સ્વયંસેવકો ઘરે ઘરે સંપર્ક કરીને પત્રિકાઓનું વિતરણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ઐશ્વર્યા-સુસ્મિતાને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો

ઉલ્લેખનીય છે કે, 14 ઓક્ટોબર, 1956ના રોજ નાગપુરની દીક્ષાભૂમિ ખાતે લાખો લોકોની હાજરી વચ્ચે ડૉ. આંબેડકરે જાતિવાદી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો હતો. તેમની સાથે તેમના 6 લાખ જેટલા અનુયાયીઓએ પણ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ સામૂહિક ધર્માંતરણ માત્ર એક ધાર્મિક વિધિ નહોતી પરંતુ ઓળખના એક કટ્ટરપંથી દાવાઓ અને સદીઓથી ભારતીય સમાજને ત્રસ્ત કરનારી દમનકારી જાતિ વ્યવસ્થાના અસ્વીકારનું પ્રતિનિધિત્વ કરતું હતું. બૌદ્ધ ધર્મમાં આંબેડકરને માત્ર આધ્યાત્મિક આશ્રય જ નહીં પરંતુ સમાનતા, કરુણા અને સામાજિક ન્યાયમાં રહેલ ફિલસૂફી પણ મળી. 

આયોજક આનંદે ચક્રવર્તીએ જણાવ્યું હતું કે 2 જૂને કર્ણાટકના સેંકડો દલિત પરિવારો બાબા સાહેબના બતાવેલા માર્ગ પર ચાલશે અને હિન્દુ ધર્મમાં પ્રવર્તી રહેલા જાતિવાદ, ઊંચનીચ અને જાતિવાદની સાંકળોથી પોતાને મુક્ત કરશે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મ સ્વીકારનાર પરિવારો બાબા સાહેબના 22 વ્રતોનું પાલન કરવાનો સંકલ્પ લેશે. જેમાં દરેક સાથે સમતા, સમાનતા, કરુણા અને ભાઈચારાનો વ્યવહાર, જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો, વ્યસન અને દેખાડાથી દૂર રહીને જીવન જીવવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ સવર્ણો જેને પછાત વિસ્તાર માને છે તે લાંભામાં પ્રગતિશીલ બૌદ્ધ લગ્ન યોજાયા

બાબા સાહેબે બૌદ્ધ ધર્મને દલિત લોકોના સશક્તિકરણ માટેના એક શક્તિશાળી સાધન તરીકે જોયો, જે તેમની જાતિ અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વિના, આત્મ-અનુભૂતિ અને ગૌરવનો માર્ગ પ્રદાન કરે છે.

બાબાસાહેબ આંબેડકરનું બૌદ્ધ ધર્મમાં પરિવર્તન સમગ્ર દેશમાં ગુંજ્યું હતું અને સામાજિક જાગૃતિની લહેર ફેલાઈ હતી જેણે અસંખ્ય વ્યક્તિઓને તેમની સ્વતંત્રતા પુનઃપ્રાપ્ત કરવા અને તેમના અધિકારોનો દાવો કરવા પ્રેરણા આપી હતી. ધમ્મ દીક્ષા લીધા પછી નવ-બૌદ્ધોના જીવનમાં હિંદુ રીત-રિવાજો, તહેવારો, માન્યતાઓ અને કર્મકાંડોને કોઈ સ્થાન રહેશે નહીં. તેમની વસાહતમાં ભજન અને કીર્તનને બદલે બુદ્ધની પૂજાના અવાજો સંભળાશે.

આગળ વાંચોઃ ...અને પછી ચામુંડાના ભૂવાએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • મુકેશ કુમાર
    મુકેશ કુમાર
    ખુબ સરસ તમામ sc લોકો આધર્મ અપનાવવો જોઈએ જય ભીમ
    1 month ago
  • Amrut bhai
    Amrut bhai
    Good ideology, Namobuddhay jay bhim
    1 month ago
  • Ramesh Bhai
    Ramesh Bhai
    Namo Buddha
    1 month ago