‘રામ’ને ખબર નથી મેરઠના મુદ્દાઓ, લોકોએ અરુણ ગોવિલને ટ્રોલ કર્યા
ઉત્તરપ્રદેશની મેરઠ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અરૂણ ગોવિલને સ્થાનિક મુદ્દાઓ વિશે ખબર ન હોવાથી લોકો તેમની બરાબરની ફિરકી ઉતારી રહ્યાં છે.
દૂરદર્શન પર લોકપ્રિય ધારાવાહિક ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ આજકાલ ભારે ચર્ચામાં છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને ઉત્તરપ્રદેશના મેરઠથી ટિકિટ આપીને ઉમેદવાર બનાવ્યા છે. જો કે તેમને મેરઠના સ્થાનિક મુદ્દાઓ વિશે કશી ખબર ન હોવાથી લોકો તેમને બરાબરના ટ્રોલ કરી રહ્યાં છે. અરૂણ ગોવિલની એક રિપોર્ટર સાથેની વાતચીતનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયેલો છે. જેમાં તેઓ મેરઠના પ્રશ્નોને લઈને ‘પછી વિચારીશું’ એમ કહેતા લોકોએ તેમને બરાબરના ટ્રોલ કર્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક રિપોર્ટર અરૂણ ગોવિલને મેરઠના પ્રશ્નોને લઈને સવાલ કરી રહ્યો છે. જો કે તેમણે જે જવાબ આપ્યો તેને લઈને લોકો તેમની ભારે મજાક ઉડાવી રહ્યાં છે. રિપોર્ટરને જવાબ આપતા અરૂણ ગોવિલ કહી રહ્યાં છે કે, “તેમણે હજુ સુધી મેરઠના મુદ્દાઓને લઈ કશું વિચાર્યું નથી. હાલ તો તેમનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પ્રચાર પર છે.”
https://twitter.com/NarundarM/status/1777702896257368459
રિપોર્ટર પૂછે છે કે, “મેરઠમાં શું મુદ્દાઓ છે.” તેના પર અરૂણ ગોવિલ કહે છે કે, “મુદ્દાઓની વાત પછી આવશે. હજુ તો મેં મુદ્દાઓ વિશે વિચારવાનું પણ શરૂ નથી કર્યું. હાલ તો ચૂંટણી પર જ ધ્યાન છે. એકવાર ચૂંટણી થઈ જાય પછી સૌની સાથે મળીને બેસીશું, તેમની સમસ્યાઓ સાંભળીશું, ક્યા ક્યા મુદ્દાઓ છે તે જાણીશું.”
આ પણ વાંચો:આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે
જો કે સ્થાનિકોને સીરિયલના ‘રામ’નો આ જવાબ પસંદ નહોતો આવ્યો અને લોકોએ સોશિયલ મીડિયા પર તેમની બરાબરની ઠેકડી ઉડાવી હતી. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, “મત આપતા પહેલા વિચારી લેજો.” અન્ય એક યૂઝરે મજાકમાં લખ્યું હતું કે, “પહેલા મને આમને પીએમ નિયુક્ત કરી દેવા દો, આપણે દેશ વિશે પછી વિચારીશું.” એક યૂઝરે લખ્યું કે, “પહેલા સર્જરી કરાવી લઈએ, બિમારી શું છે એ પછી જોઈશું. – ડૉ. ગોવિલ.”
અગાઉ લોકસભા અભિયાન દરમિયાન ભગવાન રામનું ચિત્ર લઈ જવાને લઈને અરૂણ ગોવિલની ભારે ટીકા થઈ હતી. મેરઠ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્ર ભરનાર 72 વર્ષના અરૂણ ચંદ્રપ્રકાશ ગોવિલ આશ્ચર્યજનક રીતે એક બાજુ મર્સિડીઝ કારના માલિક અને કરોડપતિ હોવાની સાથે જ બીજી બાજુ તેમની ઉપર રૂ. 14 લાખનું દેવું પણ છે.
આ પણ વાંચો:રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.