મફત રાશન ભાજપ પાસેથી લેવું છે ને મત બીજા કોઈને આપીશ? કહીને માર્યો
સોશિયલ મીડિયા પર એક વીડિયો ભારે વાયરલ થયો છે, જેમાં બે હોમગાર્ડ જવાનો એક દલિત વ્યક્તિને ઢોર માર મારી રહ્યાં છે. શું છે આખો મામલો, વાંચો આ રિપોર્ટમાં.
એક બાજુ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, નેતાઓ ઈચ્છા પડે તેવા વાયદાઓ કરીને મતદારો પાસેથી મતો મેળવી લેવાની ચાલાકીઓ કરી રહ્યાં છે, બીજી તરફ સત્તાપક્ષ દ્વારા લોકોના મનમાં ઘોળવામાં આવેલું પક્ષીય રાજકારણ અને જાતિગત ઝેર એટલું પ્રબળ બની ચૂક્યું છે કે, જેમના માથે લોકોના રક્ષણની જવાબદારી રહેલી છે તેવા ચોકીદારો જ પક્ષીય રાજકારણના પ્યાદાં બનીને લોકોને ખુલ્લેઆમ માર મારવા લાગ્યા છે.
આવા જ એક બનાવનો વીડિયો ગઈકાલે આખો દિવસ સોશિયલ મીડિયામાં વાયરલ થઈને ફરતો રહ્યો હતો. જેમાં એક દલિત વ્યક્તિને બે યુનિફોર્મધારી હોમગાર્ડ આડેધડ માર મારી રહ્યા છે, તેને બંદૂકના હાથાથી પણ ફટકારી રહ્યાં છે અને ખૂલ્લેઆમ ગાળો બોલી રહ્યાં છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હવે પીડિતના રિપોર્ટ પર પોલીસે બંને હોમગાર્ડ વિરુદ્ધ FIR નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
શું છે આખો મામલો?
મામલો જાતિવાદ માટે દેશભરમાં કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે, અહીંના બરેલીમાં નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની તાલુકા કચેરીમાં બે હોમગાર્ડ અને એક દલિત વચ્ચે ઝઘડો થયો હતો. પીડિત વીરેન્દ્ર કુમાર જાટવ નવાબગંજની બાજુમાં આવેલા બહોરનગલા ગામનો રહેવાસી છે અને નવાબગંજમાં જ ચોકીદાર તરીકે કામ કરે છે. ગઈકાલે વીરેન્દ્ર જમીનના કામને લઈને તાલુકા કચેરીએ ગયો હતો. આરોપ છે કે તાલુકા ઓફિસમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાનોએ તેના પર રાજકીય ટિપ્પણી કરી હતી. તેમણે વીરેન્દ્રને કહ્યું હતું કે, મફત રાશન ભાજપ પાસેથી લેવું છે અને મત કોઈ બીજાને આપવો છે. જેની સામે વીરેન્દ્રએ કહ્યું હતું કે, જે લોકો ગરીબ છે તે બધાં મફત રાશન લઈ રહ્યાં છે.
આ પણ વાંચો: વીરમગામમાં માનવ ગરિમા યોજનાની સેંકડો કિટો 2 વરસથી ધૂળ ખાય છે
આ બાબતને લઈને હોમગાર્ડ વીર બહાદુર અને રામપાલે વીરેન્દ્ર જાટવ સાથે બબાલ કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો અને હોમગાર્ડના યુનિફોર્મમાં જ વીર બહાદુર અને રામપાલ બંને વીરેન્દ્ર પર તૂટી પડ્યા હતા. તેઓ વીરેન્દ્રને જમીન પર પટકીને માર મારવા લાગ્યા હતા. દરમિયાન ત્યાં હાજર કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે બંને હોમગાર્ડ વીરેન્દ્ર જાટવને નિર્દયતાથી માર મારી રહ્યા છે. લાત અને મુક્કા મારે છે અને બંદૂકના હાથા પણ તેના મોં પર ફટકારે છે. પીડિત વીરેન્દ્ર જાટવ જમીન પર પડેલો છે અને બંને હોમગાર્ડ તેના માથા પર પગ રાખીને તેને કચડી નાખવાનો પ્રયત્ન કરે છે.
લોકો દૂરથી જોતા રહ્યાં અને વીડિયો બનાવ્યો
પીડિત વીરેન્દ્ર જાટવે આરોપ લગાવ્યો છે કે બંને હોમગાર્ડે તેની જાતિસૂચક ગાળો દઈને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દેવાની ધમકી પણ આપી હતી. આ ઘટના બની ત્યારે તાલુકા કચેરી પરિસરમાં ભારે ભીડ હતી. પણ કોઈ તેને બચાવવા માટે વચ્ચે પડ્યું નહોતું. ઉલટાનું ટોળું દૂર ઉભું રહીને આખી ઘટનાની મજા લઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉભું થયું હતું. કોઈએ પણ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ન હતો. કેટલાક લોકો વચ્ચે પડીને મામલો થાળે પાડવાને બદલે મારામારીનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ફિરાકમાં હતા.
વીરેન્દ્ર જાટવે આ ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ફરિયાદ કરી હોવાનું કહેવાય છે. હાલ પોલીસે આ સમગ્ર ઘટના પર હુમલો, ગાળાગાળી અને એસસી-એસટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, પોલીસમાં ગુનો નોંધાયા બાદ પણ હુમલો કરનાર હોમગાર્ડ વીર બહાદુર અને રામપાલની ધરપકડ થઈ શકી નથી. મામલો હોમગાર્ડ સાથે જોડાયેલો હોવાથી પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચો: લોકશાહીમાં રાજાશાહી: શહજાદા અને શહેનશાહ