ફોન પર 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર દલિત યુવકને માર માર્યો
'જય ભીમ' અને 'નમો બુદ્ધાયઃ' હવે બહુજન સમાજની ઓળખ બની ગયા છે. પરંતુ એક ગામમાં એક દલિત યુવકને આ બે શબ્દો બોલવા બદલ જાતિવાદીઓએ માર માર્યો હતો.

જાતિવાદથી ગ્રસ્ત ભારતમાં દરેક સમાજ પોતાની જાતિની ઓળખ માટે ચોક્કસ પ્રતિકોનો ઉપયોગ કરવામાં ગર્વ અનુભવે છે. ક્ષત્રિયો જય માતાજી બોલે છે, પટેલો જય સ્વામીનારાયણ બોલે, વૈષ્ણવો જયશ્રી કૃષ્ણ બોલે, બ્રાહ્મણો મહાદેવ હર બોલે, વણિકો જય જિનેન્દ્ર બોલે છે. દલિત સમાજ આવી જાતિગત ઓળખથી દૂર રહ્યો. કેમ કે, જાતિની ઓળખ તેને સૌથી વધુ નડતી હતી. તેને માર ખાવો પડતો, અપમાનો સહન કરવા પડતા. કથિત સવર્ણનું છોકરું પણ દલિત સમાજના વડીલનું તેની જાતિના કારણે ભરબજારે અપમાન કરી જતું.
આવા માહોલ વચ્ચે અસંગઠિત દલિતોને જિનિયસ ડો. ભીમરાવ આંબેડકર નામે એક તારણહાર મળ્યાં. જે કોઈ જાતિગત ઓળખ ના બદલે તેમના સામાજિક ઉદ્ધારક તરીકેના પ્રતીક બન્યાં. દલિતો જેમ જેમ વાંચતા-લખતા થયા, સમજતા થયા તેમ તેમ બાબાસાહેબના વિચારોનો પ્રભાવ તેમનામાં ઉતરતો ગયો. જેના કારણે દલિતોના એક વર્ગમાં કોઈ માતાજી કે દેવનું નામ લઈને અભિવાદન કરવાને બદલે જય ભીમના ક્રાંતિકારી નારાથી અભિવાદન કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના કારણે યુવાનોમાં આ ટ્રેન્ડ વધુ ઝડપથી સ્વીકાર્ય બન્યો છે. ખાસ કરીને યુવા વર્ગમાં એકબીજાનું અભિવાદન કરવા માટે, વાતચીત કરવામાં 'જય ભીમ' અને 'નમો બુદ્ધાયઃ' શબ્દોનો ભરપૂર ઉપયોગ કરતા થયા છે.
જો કે 'જય ભીમ' તરીકેની આ જ ઓળખ ક્યારેક તેમના માટે મુસીબત નોતરતી હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જ્યાં એક દલિત યુવકને ફોન પર વાતચીત કરતી વખતે 'જય ભીમ, નમો બુદ્ધાયઃ' બોલવા બદલ કેટલાક જાતિવાદી તત્વોએ માર માર્યો હતો. યુવક બાજુના ગામમાં એક પ્રસંગે બેન્ડવાજા વગાડવા માટે ગયો હતો. એ દરમિયાન તેને તેના કોઈ મિત્રનો ફોન આવ્યો અને તેણે ફોન રિસીવ કરતી વખતે 'જય ભીમ, નમો બુદ્ધાય'થી અભિવાદન કર્યું. જે તેની બાજુમાં ઉભેલા જાતિવાદી તત્વોથી સહન ન થયું અને તેમણે યુવકને માર મારવાનું શરૂ કરી દીધું. આ પીડિત દલિત યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: વાયકોમ સત્યાગ્રહઃ મંદિરના માર્ગ પરથી પસાર થવાના અધિકાર માટેની લડત
ઘટના મધ્યપ્રદેશના શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ સ્ટેશનના સાખી ગામની છે. અહીં બે જાતિવાદી તત્વોએ એક બેંડવાજા વગાડનાર દલિત યુવકને 'જય ભીમ, નમો બુદ્ધાય' બોલવા પર માર માર્યો હતો. યુવકનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેણે તેના મોબાઈલ પર આવેલો ફોન રિસીવ કરતી વખતે 'જય ભીમ, નમો બુદ્ધાય' કહ્યું હતું. જે બાજુમાં ઉભેલા કથિત સવર્ણ જાતિવાદી છોકરાઓને ગમ્યું નહોતું. તરત તેમણે યુવકને માર મારવાનું શરૂ કરી દીધું હતું. દલિત યુવકને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને હવે પીડિત યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે લુખ્ખા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરી છે.
પીડિત યુવકે આપવીતી સંભળાવી
શહડોલ જિલ્લાના બ્યોહારી પોલીસ સ્ટેશનમાં આવતા બિજહા બારાટોલાના રહેવાસી ચંદ્રશેખર સાકેતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા તેને સાખી ગામના રામસુકુલ રાઠૌડે પોતાના દીકરાના લગ્નમાં બેન્ડવાજા વગાડવા માટે બોલાવ્યા હતા. બેન્ડપાર્ટી સાથે રાજેશ સાકેત, બબલૂ સાકેત, નીરજ સાકેત અને રાજુ સાકેત એ લગ્ન પ્રસંગમાં બેન્ડવાજા વગાડવા માટે ગયા હતા. સાંજના પાંચ વાગ્યા આસપાસ ચંદ્રશેખર સાકેતે પોતાના મોબાઈલ ફોનથી ખડ્ડા ગામના તેના સંબંધી પુષ્પેન્દ્ર સાકેતને ફોન કર્યો હતો. ફોન સામેથી રીસિવ થતા જ તેણે 'જય ભીમ, નમો બુદ્ધાયઃ' બોલીને પુષ્પેન્દ્રનું અભિવાદન કર્યું હતું. એ જ વખતે તેની બાજુમાં ઉભેલા ડબ્બૂ ગૌતમ અને શિવાંશુ ગૌતમને તે ગમ્યું નહોતું. તરત બંને ચંદ્રશેખરની પાસે આવ્યા હતા અને 'તું શું બોલ્યો?' એમ કહીને તેને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. તેણે બચાવ માટે રાડો પાડવાની શરૂ કરી દેતા રાજેશ સાકેત અને રાજુ સાકેતે આવીને તેને બચાવ્યો હતો. એ પછી બંને લુખ્ખા તત્વો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. આ આખી ઘટના વર્ણવતો એક વીડિયો ચંદ્રશેખર સાકેતે સોશિયલ મીડિયમાં મૂક્યો છે. જે વાયરલ થઈ રહ્યો છે અને લોકો લુખ્ખા તત્વો સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
આ મામલે બાદમાં ચંદ્રશેખર સાકેતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બ્યોહારી પોલીસે માર મારનાર બંને આરોપીઓ ડબ્બૂ અને શિવાંશુ ગૌતમ વિરુદ્દ કલમ 293, 323, 506, 34 અંતર્ગત ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ચંદ્રશેખર પોતાને 'જય ભીમ' બોલવા પર આરોપીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા તે વાયરલ થઈ ગયો છે. ત્યારે પોલીસ પર એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવા દબાણ વધી રહ્યું છે.
બ્યોહારી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મોહન પડવારે, આરોપીઓનો બચાવ કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જય ભીમ બોલવા પર નહીં પરંતુ અન્ય કોઈ બાબતે થયેલા વિવાદમાં મારમારી થઈ છે. પીડિતની ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે હજુ સુધી એકેયની ધરપકડ કરવામાં નથી આવી.
આ પણ વાંચો: ઘડામાંથી પાણી પીધું તો દલિત યુવકને મારી મારીને અધમૂઓ કરી નાખ્યો