ખેતરમાં પાણી વાળતા દલિત યુવકની સરપંચ અને સાગરિતોએ હત્યા કરી
દલિત યુવક તેના મામાના ઘરે રજા ગાળવા આવ્યો હતો. તે ખેતરમાં પાણી પાતો હતો ત્યારે જ માથાભારે સરપંચ સહિત 8 લોકો ત્યાં આવી પહોંચ્યાં અને લાકડી-દંડા લઈ તૂટી પડ્યાં.
મધ્યપ્રદેશ જિલ્લો દલિતો, આદિવાસીઓ માટે નર્કાગાર બનતો જઈ રહ્યો છે. અહીં ઉત્તરપ્રદેશની જેમ દરરોજ કોઈને કોઈ ખૂણેથી દલિત કે આદિવાસી સમાજના લોકો પર અત્યાચારની ઘટના સામે આવતી રહે છે. આવી જ વધુ એક ઘટના ઘટી છે, જેમાં એક ગામમાં માથાભારે સરપંચ અને તેના પરિવારજનોએ મળીને એક દલિત યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઘટના મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાની છે. અહીં એક ગામમાં સરપંચ અને તેના પરિવારના સભ્યોએ એક દલિત યુવકને માર માર્યો હતો. દલિત યુવક તેના મામાના ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો. એ દરમિયાન અચાનક સરપંચ અને તેના સાગરિતો આવી પહોંચે છે અને વિવાદ કરે છે, જે જોતજોતામાં મામલો મારામારી અને પછી હત્યામાં ફેરવાઈ ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં માથાભારે સરપંચ તેના પરિવારના સભ્યો સાથે યુવકને જમીન પર પછાડીને મારતો જોવા મળી રહ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને કેસની તપાસ શરૂ કરી છે.
શિવપુરીના ઈન્દરગઢ ગામની ઘટના
શિવપુરી જિલ્લાના સુભાષપુરા પોલીસ સ્ટેશનના ઈન્દરગઢ ગામમાં સુભાષપુરાના સરપંચ અને તેના માણસોએ એક દલિત યુવકની નિર્દયતાથી હત્યા કરી દીધી છે. ગ્વાલિયરનો રહેવાસી વિષ્ણુ જાટવ (27) તેના મામાના ઘરે આવ્યો હતો. 26 નવેમ્બરના રોજ તે ખેતરમાં પાણી પાઈ રહ્યો હતો.
એ દરમિયાન અચાનક સરપંચ પદમસિંહ ધાકડ અને તેમના પરિવારના સભ્યો બેતાલ ધાકડ, જસવંત ધાકડ, અવધેશ ધાકડ, અંકેશ ધાકડ, મોહરપાલ ધાકડ, દાખાબાઈ ધાકડ અને વિમલ ધાકડ આવી પહોંચ્યા હતા.
દલિત યુવાનનું સારવાર દરમિયાન મોત
આ આખી ઘટનાનો વીડિયો વાયરલ થયેલો છે. જેમાં જોઈ શકાય છે કે, સરપંચ અને તેના પરિવારના સભ્યો પહેલા દલિત યુવક વિષ્ણુ જાટવ સાથે ગાળાગાળી કરે છે. એટલાથી તેમનું પેટ ન ભરાતા તેઓ લાકડીઓ લઈને વિષ્ણુ પર તૂટી પડે છે. યુવકના પરિવારજનોને ઘટનાની જાણ થતાં જ તેઓ તેઓ ખેતરમાં પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા વિષ્ણુને તાકીદે શિવપુરી મેડિકલ કોલેજ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી દલિત પરિવાર આઘાતમાં સરી પડ્યો છે અને રડી રડીને તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. સાથે જ પરિવારજનો આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગ કરી રહ્યા છે.
સરપંચ સહિત 8 લોકો સામે એફઆઈઆર
આ કેસની માહિતી આપતા સુભાષપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ક્રિપાલ સિંહ રાઠોડે જણાવ્યું કે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે સરપંચ અને તેના પરિવારના આઠ સભ્યો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: પ્રેમની સજા : દલિત યુવકના સાત ટુકડા કરી, ડોલમાં ભરીને ગટરમાં ફેંકી દીધાં