કચરો ફેંકવા ગયેલી દલિત સગીરાનું અપહરણ, ચાલતી કારમાં દુષ્કર્મ આચર્યું
આરોપીઓએ સગીરાની વાંધાજનક તસવીરો પાડી ધમકી આપી. દુષ્કર્મ ગુજારી સગીરાને સ્મશાન બહાર ફેંકીને ફરાર થઈ ગયા. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી.

એકબાજી દિલ્હીની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષો દીકરીની સલામતીને લઈને મસમોટા દાવાઓ કરી રહ્યાં છે. બીજી તરફ દેશભરમાં દરરોજ દલિત દીકરીઓ સાથે કોઈને કોઈ જગ્યાએ રેપના સમાચાર આવતા રહે છે, પણ તેના પર કોઈ ધ્યાન આપતું નથી. સવર્ણ લોબીની દાદાગીરીને કારણે પોલીસ આવા કેસો નોંધતી નથી કે નથી આરોપીઓને પકડીને કડક સજા કરાવતી. પરિણામે આરોપીઓની હિંમત વધુ ખૂલતી જાય છે. આ કેસમાં પણ આરોપી બળાત્કાર ગુજાર્યા બાદ ફરાર થઈ ગયો છે અને પોલીસ હજુ સુધી તેને પકડી શકી નથી.
મામલો જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીનો છે. અહીં મુરાદાબાદમાં એક દલિત સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીરા કચરો ફેંકવા માટે ઘરની બહાર નીકળી હતી, ત્યારે અન્ય સમાજના એક યુવકે તેનું અપહરણ કર્યું હતું અને ચાલતી કારમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આરોપીએ કિશોરીના અશ્લીલ ફોટા પણ પાડ્યા છે. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે. પોલીસે આરોપીઓને વહેલી તકે ધરપકડ કરવાની ખાતરી પણ આપી છે.
બળાત્કાર બાદ પીડિતાની વાંધાજનક તસવીરો લીધી
મામલો મુરાદાબાદના ઠાકુરદ્વારા પોલીસ સ્ટેશનના શરીફનગર પોલીસ ચોકીનો છે. અહીં મંગળવારે એક 16 વર્ષની દલિત સગીરા તેના ઘરમાંથી કચરો ફેંકવા માટે બહાર ગઈ હતી ત્યારે લગભગ 10 વાગ્યે પાનુવાલા ગામનો રહેવાસી રાશિદ સ્કોર્પિયો કારમાં ત્યાં આવ્યો હતો અને તેનું અપહરણ કરીને કારમાં લઈ ગયો.
સગીરાના પિતાએ આપેલી ફરિયાદ મુજબ, તે સમયે કારમાં બીજા ઘણાં લોકો હતા. આરોપીએ કિશોરી પર ચાલતી કારમાં બળાત્કાર ગુજાર્યો. પિતાએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ નામજોગ ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત, કારમાં સવાર અન્ય લોકોની પણ શોધખોળ ચાલુ છે. કહેવાય છે કે પીડિતા પર બળાત્કાર કર્યા પછી આરોપીએ તેની વાંધાજનક તસવીરો પણ લીધી હતી.
પીડિતાને સ્મશાનગૃહ બહાર ફેંકી આરોપી ભાગી ગયો
પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓએ સગીરાને લગભગ બે કલાક સુધી કારમાં બંધક બનાવી રાખી અને તેના પર બળાત્કાર ગુજાર્યો. ત્યારબાદ તેઓ તેને સ્મશાન બહાર ફેંકીને ભાગી ગયા. જેમ તેમ કરીને પીડિતા તેના ઘરે પહોંચી અને તેની માતાને ઘટના વિશે જણાવ્યું. એ પછી તેના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાના પિતાએ જણાવ્યું કે તેમની પુત્રીએ કારમાં રાખેલા વિઝિટિંગ કાર્ડ પર આરોપી રાશિદનું નામ વાંચ્યું હતું. પોલીસે ભારતીય દંડ સંહિતાની ગંભીર કલમો અને POCSO હેઠળ કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો: ભાજપ નેતાના મેરેજ હોમમાં દલિત સગીરા સાથે ગેંગરેપ થયો?