'તું બાકી 50 રૂ. કેમ નથી આપતો?' કહી દલિત ભાઈબહેનને ફટકાર્યા
ગેરેજના માથાભારે વ્યક્તિએ દલિત યુવક સાથે માથાકૂટ કરી કર્મચારીઓ સાથે મળીને ભાઈબહેનને ઢોર માર માર્યો. ભીમ આર્મી મદદે આવી.
જાતિવાદના એપીસેન્ટર યુપીમાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 50 રૂપિયા જેવી નજીવી બાબતે એક દલિત યુવકને માર મારવામાં આવ્યો. તેની બહેન તેને બચાવવા વચ્ચે પડી તો તેની પણ એ જ હાલત કરવામાં આવી.
ઘટના મથુરાની છે. જ્યાં માથાભારે તત્વોએ એક દલિત યુવકને નિર્દયતાથી ફટકાર્યો હતો. એ દરમિયાન તેને બચાવવા આવેલી તેની બહેનને પણ લુખ્ખાઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. મામલાની જાણ થતા જ ભીમ આર્મીના કાર્યકરો પહોંચી ગયા હતા અને આ મામલે ફરિયાદ લઈને SSP ઓફિસ પહોંચ્યા હતા.
મથુરાના મગોરા પોલીસ સ્ટેશન વિસ્તારના સોંખ વિસ્તારમાં 50 રૂપિયાની ઉધાર ન ચૂકવવા બદલ માથાભારે તત્વોએ એક દલિત યુવકને માર માર્યો. બદમાશોએ યુવકને બચાવવા આવેલી તેની બહેનને પણ બક્ષી નહીં અને તેને પણ માર મારવાનું શરૂ કરી દીધું. ભીમ આર્મીના કાર્યકરો પીડિત ભાઈબહેન સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ તેમને મળી શક્યા નહીં.
સોંખનો રહેવાસી સુંદર રવિવારે આ વિસ્તારના એક બાઈક રિપેરીંગ સેન્ટરમાં ગયો હતો. અહીં તેણે સ્ટાફને તેની બાઇક ધોવાનું કહ્યું હતું. કહેવાય છે કે સુંદરે ગેરેજના માલિકને 50 રૂપિયા આપવાના બાકી હતા. તેણે બાઈકને વોશ કરતા પહેલા તેના બાકી 50 રૂપિયા માંગ્યા હતા. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે ગેરેજના માલિક અને તેના કર્મચારીઓએ મળીને દલિત યુવક સુંદરને માર માર્યો હતો. એ દરમિયાન તેની બહેન ત્યાં પહોંચી હતી.
જ્યારે તેણે તેના ભાઈને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને પણ માર મારવામાં આવ્યો અને જાતિસૂચક ગાળો ભાંડી હતી. સોમવારે ભીમ આર્મીની ફતેહપુર સીકરી ટીમના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર ગૌતમ આ ભાઈબહેનની સાથે એસએસપી ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ એસએસપીને મળી શક્યા નહોતા.
તેમણે કહ્યું કે જો ભાઈબહેનને ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. આ દરમિયાન ભીમ આર્મી સેક્ટરના પ્રમુખ સત્યપાલ સિંહ, રાજકુમાર ભારતી, જય કિશન, નિતેશ, રિંકુ, પિન્ટો, ધીરજ, મોનુ કર્દમ, ભોલો, પ્રદીપ વગેરે લોકોએ હાજર રહીને આ ભાઈબહેનને સહકાર પુરો પાડ્યો હતો.
દરવખતની જેમ આ ઘટનામાં પણ મનુમીડિયાએ આરોપીઓની ઓળખ છતી ન થઈ જાય તે માટે તેમના નામ કે અટક પબ્લિશ કર્યા નથી. જેના કારણે આ ઘટનામાં આરોપીઓ કઈ જાતિના છે, તેમના નામ શું છે અને તેમની કરમકુંડળી શું છે, તેમાંની એકેય બાબત જાહેરમાં આવી શકી નથી.
આ પણ વાંચો: બે આદિવાસી યુવકોને સવારના 8થી બપોરના 2 વાગ્યા સુધી બાંધીને માર્યા