મેળામાંથી પરત ફરી રહેલી બે દલિત સગીરાઓ પર ગેંગરેપ
કોલકાતાની સવર્ણ ડોક્ટરના કેસમાં હોબાળો મચાવતા લોકો આ મામલે મૌન સેવીને બેસી જશે.
gang rape of two dalit minors returning from fair : હરિયાણા-જમ્મુ કાશ્મીર ચૂંટણીનો માહોલ જામવા લાગ્યો હતો ત્યારથી કોલકાતાની સવર્ણ ડોક્ટર દીકરી પર બળાત્કાર અને હત્યાના કેસને ત્યાંના મુખ્ય વિપક્ષે રાજકીય ફાયદા માટે હજુ સળગતો રાખ્યો છે. જો કે, કોલકાતાની આ ઘટના બાદ દેશમાં અનેક દલિત, આદિવાસી દીકરીઓ પર બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની ચૂકી છે, પણ ન તો આ મુખ્ય વિપક્ષના નેતાઓ તેના વિશે કશું બોલી રહ્યાં છે, ન તો તેમાં કડક પગલાં લેવા ધરણાં કરી રહ્યાં છે. જે સ્પષ્ટ બતાવે છે કે, મામલો જ્યારે દલિત, આદિવાસી કે ઓબીસી સમાજની દીકરીઓ પર થયા બળાત્કાર કે ગેંગરેપનો હશે ત્યારે તેઓ તેઓ મૌન રહીને તેઓ કોની તરફેણમાં છે તેનો સંદેશો આપી દેશે. ખેર, વધુ એક ગેંગરેપની ઘટના બની છે અને આ વખતે એક નહીં પરંતુ બે-બે દલિત સગીરાઓ તેનો ભોગ બની છે.
આ પણ વાંચોઃ રામલીલા જોવા ગયેલા દલિત શખ્સને જાતિવાદીઓએ માર્યો, લાગી આવતા ગળેફાંસો ખાઈ લીધો
મામલો ઝારખંડના પલામુ જિલ્લાનો છે. અહીં એક ગામમાં દુર્ગા પૂજાના મેળામાંથી ઘરે પરત ફરી રહેલી બે સગીર છોકરીઓ પર કથિત સામૂહિક બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે નૌડીહા બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જ્યાં કેટલાક બદમાશોએ છોકરીઓને ઘરે જતી વખતે રસ્તા વચ્ચેથી પકડીને બળાત્કાર ગુજાર્યો હતો. હાલ આરોપીઓને પકડવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રવિવારે સાંજે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક પોલીસ અધિકારીએ તેની માહિતી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે દલિત પરિવારની બે છોકરીઓ શુક્રવારે નૌડીહા પૂજા મેળામાંથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન કેટલાક બદમાશોએ તેમને પકડી લીધી હતી અને સામૂહિક બળાત્કાર કર્યો હતો. ઘરે પહોંચ્યા પછી બંને દીકરીઓએ તેમના પરિવારના સભ્યોને તેમની આપવીતી સંભળાવી હતી.
ગ્રામ પંચાયતે મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો
ચોંકાવનારી વાત એ છે કે, આટલી ગંભીર ઘટના હોવા છતાં તેમાં તરત કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નહોતી અને બે દિવસ સુધી ગ્રામ પંચાયત સ્તરે મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આખરે રવિવારે મોડી સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણએ હાલ મામલાની તપાસ ચાલી રહી છે. બંને દીકરીઓને મેદીનીરાય મેડિકલ કોલેજમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.
આરોપીઓ ફરાર, પોલીસ તપાસ શરૂ
નૌડીહા બજાર પોલીસ સ્ટેશનના પ્રભારી અમિત કુમાર દ્વિવેદીએ જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. રાત્રે પક્ષીઓનો શિકાર કરી રહેલા કેટલાક યુવકો યુવતીઓની ચીસો સાંભળીને સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યારે આ યુવકો ઘટના સ્થળે પહોંચ્યા તો આરોપીઓ ડરીને ભાગી ગયા. યુવતીઓ તેમના સંબંધીઓ સાથે દુર્ગા પૂજા મેળામાં દર્શન કરીને એક જ બાઇક પર ઘરે પરત ફરી રહી હતી.
આ પણ વાંચોઃ સારવાર માટે પિયર આવેલી દિવ્યાંગ દલિત દીકરી પર બળાત્કાર