યોગી આદિત્યનાથ સામે અમદાવાદમાં એટ્રોસિટી ફરિયાદની અરજી અપાઈ

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી અપાઈ છે.

યોગી આદિત્યનાથ સામે અમદાવાદમાં એટ્રોસિટી ફરિયાદની અરજી અપાઈ
image credit - Google images

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ અનુસૂચિત જાતિ સમાજ માટે પ્રતિબંધિત જાતિ વિષયક શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. આ બાબતે હવે તેમની વિરુદ્ધ અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે એક અરજી આપવામાં આવી છે. તે બાબતે આજરોજ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રવક્તા રત્ના વોરા દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

રત્ના વોરાએ જણાવ્યું હતું કે, યોગી આદિત્યનાથનો ૧૯ સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે અનુસુચિત જાતિ સમાજ માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કર્યો છે. ૨૨ જાન્યુઆરી ૧૯૩૮એ ડો. બાબાસાહેબ આંબેડકરે આ શબ્દ નહીં સ્વીકારવામાં આવે એવું કહીને વોકઆઉટ કર્યું હતું.

કોંગ્રેસ પ્રવક્તા રત્ના વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં સમાજ કલ્યાણ અધિકારીઓએ નવી નીતિ જાહેર કરી હતી અને ૨૦૧૭ માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે આ પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવાની મનાઈ ફરમાવી છે, તેમ છતાં આ શબ્દનો ઉપયોગ કરીને યોગી આદિત્યનાથે ગુનો કર્યો છે.

રતના વોરાએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે તેમના દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને જો ત્રણ દિવસમાં અરજી નહીં સ્વીકારાય તો અમે આ મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈશું.

આ મામલે ગુજરાત કોંગ્રેસ એસસી એસટી સેલના ચેરમેન હિતેન્દ્ર પિઠડીયા જણાવ્યું હતું કે, ૧૪૦૦ કરતા વધારે એટ્રોસિટીની ફરિયાદ થાય છે. ગુજરાતમાં દલિતો સામે સતત અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે. હાલમાં જ આઇપીએસ રાજકુમાર પાંડિયન દ્વારા દલિતોનું અપમાન કરવામાં આવ્યું હતું. એ પછી મહીસાગરના કલેક્ટર નેહા કુમારીએ નેવું ટકા એટ્રોસિટીના કેસો ખોટા હોય છે અને બ્લેકમેઈલ કરવા માટે થાય છે તેમ કહીને દલિત અત્યાચારોના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું હતું. હવે યોગી આદિત્યનાથનો વીડિયો સામે આવ્યો છે અને તેમાં તેઓ દલિતો માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરતા જણાય છે.

આ પણ વાંચો: બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.