પોલીસ પર અમને વિશ્વાસ નથી એટલે ગામ છોડીને જઈએ છીએ...
કોઈ દલિત પરિવાર પર જ્યારે અત્યાચાર થાય છે ત્યારે તેને ભાગ્યે જ એવી આશા હોય છે કે, પોલીસ તેની મદદ કરીને ન્યાય અપાવશે. આ કિસ્સો તેમાં વધુ એક ઉમેરો છે.
જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર અત્યાચારની ઘટનાઓ દેશના સેંકડો ગામોમાં દરરોજ બને છે. જેમાંની મોટાભાગની પોલીસ ચોપડે ચડતી ન હોવાથી મીડિયામાં ચમકતી નથી અને એ રીતે લોકો સુધી પણ પહોંચતી નથી. જે એકલદોકલ ઘટનાઓ પોલીસ સ્ટેશનમાં કેસ રૂપે નોંધાય છે તેમાં પણ પોલીસ ઓછી ગંભીર કલમો લગાવીને સવર્ણ આરોપીઓને છાવરવા પ્રયાસ કરતી હોય છે, તેનો આધાર લઈને પછી સવર્ણ મીડિયા આરોપીઓના નામ કે અટક છુપાવીને પોતાના રિપોર્ટ લખે છે. (આ કેસમાં પણ આરોપીઓ કોણ છે, તેમનું નામ શું છે, કઈ જાતિના છે તેવો કોઈ જ ઉલ્લેખ ઘણું રિસર્ચ કરવા છતાં ક્યાંય જોવા મળ્યાં નથી.)જેના કારણે આખી ઘટના સામાન્ય મામલામાં ખપી જાય છે. સવર્ણ મીડિયાની આવી ચાલાકીઓના કારણે દલિત અત્યાચારની આવી સેંકડો ઘટનાઓની ગંભીરતા ઘટી જાય છે.
કંઈક આવું જ આ મામલામાં થયું છે, જ્યાં એક ગામમાં જાતિવાદી માથાભારે તત્વોએ એક દલિત પરિવારને ગામ છોડવા મજબૂર કર્યો. દલિત પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ આરોપીઓના પરિવારની જ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી હળવી કલમો સાથે કેસ નોંધાયો અને પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. આખરે દલિત પરિવારે ગામ છોડી દેવું પડ્યું.
મામલો ગુનાખોરી અને જાતિવાદ માટે કુખ્યાત બિહારનો છે. સંઈયા ભયે કોતવાલ તો ફિર કાહે કા ડર આ કહેવાત યુપી-બિહારમાંથી આવી છે અને આ કેસમાં તે બરાબર ફિટ બેસે છે.
મામલો બેગુસરાયના બછવાડા પોલીસ સ્ટેશનના ચમથા ગામનો છે. અહીં જાતિવાદી તત્વોના ત્રાસથી તંગ આવી જઈને એક દલિત પરિવારે ગામ છોડી દેવું પડ્યું. બે દિવસ પહેલા અહીં ખેતરમાં પાણી પાવાને લઈને જાતિવાદી તત્વોએ કેદાર પાસવાનની પત્ની મનુકિયા દેવી અને ભત્રીજા રાજન પાસવાનને નિર્દયતાથી માર માર્યો હતો. સ્થાનિકોએ બંનેને સારવાર માટે સરકારી દવાખાનામાં ભરતી કરાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલ લઈ જઈ વધુ સારવાર કરાવવા માટે કહ્યું હતું.
આ પણ વાંચો: માથાભારે તત્વોના ત્રાસથી 5 દલિત પરિવારના 40 લોકોએ હિજરત કરી
આ મામલે પીડિત મનુકિયા દેવીએ બછવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને ફરિયાદ કરી હતી. પણ પોલીસે તેને ગંભીરતાથી લીધી નહોતી અને કોઈ નક્કર પગલા પણ નહોતા લીધાં. એ પછી મનુકિયા દેવીએ બેગૂસરાયના એસપીને ફરિયાદ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ખેતરમાં પાણી વાળવાને લઈને અમને માર મારવામાં આવ્યો હતો. આ મામલે બછવાડા પોલીસમાં ફરિયાદ કરી હતી. પણ તેણે સામાન્ય કલમો લગાવીને આખા કેસને નબળો પાડી દેવાનો પ્રયત્ન કર્યો હતો. કેમ કે, આરોપીઓના સગા આ પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. આ બધાં લોકો ગેરકાયદેસર દારૂનો ધંધો પણ કરે છે અને સોશિયલ મીડિયામાં હથિયારોના ફોટાં મૂકીને લોકોમાં ભય ફેલાવે છે.
મનુકિયા દેવીએ લખ્યું કે, આરોપીઓ દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે કે, બછવાડા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો તો શું થયું, બે ચાર મુદ્દતમાં જ આખા કેસને રફેદફે કરી નાખીશું. એ પછી તમારા આખા પરિવારને મારીને લાશ ગાયબ કરી દઈશું. કેમ કે, મારા સંબંધી બછવાડા પોલીસ સ્ટેશનમાં ચોકીદાર તરીકે કામ કરે છે. તમારી હત્યાને પણ ગુમ થયાનું જણાવી આખો કેસ સમાપ્ત કરી દઈશું.
મનુકિયા દેવીએ વધુમાં જણાવ્યું છે કે, આ બધાં આરોપીઓ ગુનાખોર માનસિકતા ધરાવે છે અને તેમની હિંમત એટલી વધી ગઈ છે કે, અમે આખો પરિવાર સતત ભયમાં જીવી રહ્યાં છીએ. અમને અમારા બાળકોની ચિંતા થાય છે એટલે હવે અમે પોલીસ પર વિશ્વાસ રાખીને અહીં રહી શકીએ તેમ નથી. ગામમાં રહીશું તો અમારી સાથે ગમે ત્યારે, ગમે તે થઈ શકે છે. એટલે હવે અમે સપરિવાર ગામ છોડીને જઈ રહ્યા છીએ.
ફરિયાદી મનુકિયા દેવીની આ ફરિયાદ બાદ પીઆઈ અમિતકુમાર કાંતે જણાવ્યું હતું કે, આખા મામલાની તપાસ કરી રહ્યાં છીએ અને આરોપીઓને છોડવામાં નહીં આવે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પીડિત પરિવાર ગામ છોડીને જતો રહ્યો છે પણ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી.
આ પણ વાંચો: આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Duda bhaiAakha Bharat ma aamaj se
-
Dhaval RahulShachi vat che