વાલ્મિકી દીકરીના લગ્ન છે, પણ જાતિવાદીઓ હોલ ભાડે આપતા નથી?
દીકરીનો પરિવાર મેરેજ માટે હોલ બુકિંગ કરાવવા મથી રહ્યો છે. દરેક વખતે તેમની દલિત વાલ્મિકી જાતિ આડે આવી જાય છે.

ઉત્ક્રાંતિનો નિયમ છે કે માણસ આદિમાનવથી આધુનિક હોમો સેપિયન્સ માનવ સુધી પહોંચ્યો છે. જો કે આ નિયમ ભારત સિવાયના માનવ માટે લાગુ પડતો હોય તેમ લાગે છે. આવું એટલા માટે લાગે, કેમ કે, દુનિયાના અન્ય દેશોમાં માણસ તેની જાતિના કારણે નહીં પરંતુ તેના કર્મો અને લાયકાતના કારણે ઓળખ પામે છે. પણ આપણે ત્યાં તેનાથી તદ્દન ઉલટી સ્થિતિ પ્રવર્તે છે અને માણસની ઓળખ તેના કર્મો અને લાયકાતના આધારે નહીં પરંતુ તેની જાતિના આધારે પહેલા કરવામાં આવે છે. તદ્દન બોગસ માણસ પણ જો કથિત ઉચ્ચ જાતિનો હોય તો તેના તમામ ગુનાઓને અવગણીને પણ તેની જાતિના લોકો તેને માથે ચડાવે છે. તેના સો ગુનાઓ માફ કરીને તેને હીરો બનાવી દે છે. પણ જો તેનાથી ક્યાંય સારો, દરેક મોરચે લાયક માણસ પણ જો કથિત નીચી જાતિનો હોય, તો તેને તોડી પાડવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી.
ડો. આંબેડકરે જાતિવાદનો તોડવા માટે આંતરજાતિય લગ્નને પ્રોત્સાહનની વાત કરી હતી. પણ જાતિ અને જાતિવાદના સતત વધતા પ્રભુત્વને કારણે જાતિ તૂટવાને બદલે વધુને વધુ મજબૂત થી જાય છે. પરિણામે કથિત નીચી જાતિના લોકોને ફરી પાછા એ જ જૂના દિવસો વેઠવાના આવી રહ્યાં છે જે આઝાદી પહેલા તેમણે જોવા પડતા હતા. એકવીસમી સદીના આઝાદ ભારતમાં પણ દલિતો, આદિવાસીઓની સ્થિતિમાં તસુભાર પણ ફરક પડ્યો નથી તેના અનેક ઉદાહરણો દરરોજ ભારતમાંથી ક્યાંયને ક્યાંક સામે આવતા રહે છે. આવો જ એક કિસ્સો હાલ જાતિવાદના એપીસેન્ટર ગણાતા યુપીમાંથી સામે આવ્યો છે. જ્યાં એક દલિત વાલ્મિકી પરિવારની દીકરીના લગ્ન હોવા છતાં તેની જાતિના કારણે કોઈ મેરેજ હોલનો માલિક તેમને હોલ ભાડે આપવા તૈયાર નથી.
ઉત્તરપ્રદેશના બદાયૂની ઘટના
ઘટના બદાયૂ જિલ્લાના સહસવાણની છે. અહીં વાલ્મિકી સમાજની એક દીકરીના લગ્ન માટે જાતિવાદી તત્વો મેરેજ હોલ ભાડે ન આપતા હોવાની ચર્ચા ઉઠી છે. આ મામલે સોશિયલ મીડિયા પર એક ફરિયાદ પત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાલ્મિકી સમાજની દીકરીના લગ્ન નક્કી થઈ ગયા છે પણ કોઈ મેરેજ હોલ ભાડે આપવા માટે તૈયાર નથી. પોલીસે વાયરલ થઈ રહેલા ફરિયાદ પત્રની સત્યતા તપાસવાનું શરૂ કરી દીધું છે.
દીકરીના પિતાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ
બદાયૂ જિલ્લાના સહસવાણ તાલુકાના નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટના નામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરનો આ ફરિયાદ પત્ર વાયરલ થયો છે. વાયરલ પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે સહસવાણના નીચી નિન્હોર વિસ્તારમાં રહેતા આગનલાલના પુત્ર અચ્છન લાલની દીકરીના લગ્ન 4 ફેબ્રુઆરી 2025ના રોજ નિર્ધારિત કર્યા છે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જાન આવવાની હોવાથી દીકરીનો પરિવાર સૌથી પહેલા મેરેજ હોલ શોધવામાં લાગ્યો હતો. પણ તેઓ અનુસૂચિત જાતિ સમાજના વાલ્મિકી હોવાથી કોઈ મેરેજ હોલના માલિક તેમને હોલ ભાડે આપવા માટે તૈયાર નથી.
જાતિ જાણીને હોલ આપવાનો ઈનકાર કરાય છે
અચ્છન લાલે તેની પુત્રીના લગ્ન માટે મેરેજ હોલ બુક કરાવવા માટે સહસવાણના ઘણાં મેરેજ હોલના માલિકોનો સંપર્ક કર્યો. જો કે તેમની જાતિ વિશે જાણીને તેઓ હોલ આપવાનો ઈનકાર કરી દે છે. અચ્છન લાલના ફરિયાદ પત્ર મુજબ, તે જ તારીખે બુકિંગ માટે અન્ય જ્ઞાતિના લોકોનું નામ લઈને સંપર્ક કરવામાં આવ્યો ત્યારે મેરેજ હોલ માટે બુકિંગની પરવાનગી આપવામાં આવી હતી. અચ્છન લાલે એસડીએમ સહસવાણને આ મામલાની તપાસ કરવાની માંગ કરી છે અને દીકરીના લગ્ન સમારોહ માટે મેરેજ હોલ અપાવવા વિનંતી કરી છે.
સીએમ યોગીને ફરિયાદ કરવામાં આવી
આ મામલે સહસવાણ પોલીસનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ બાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પીડિત અચ્છન લાલનો તેના વાયરલ ફરિયાદ પત્રમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના પુત્ર અરુણ કુમારે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે બહેનના લગ્ન 4 ફેબ્રુઆરીએ થવાના છે. અમે જ્યાં પણ મેરેજ હોલ બુક કરાવવા જઈએ છીએ ત્યાં જ્ઞાતિ વિશે પૂછીને પછી ના પાડવામાં આવે છે. આ મામલાની ફરિયાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, એસડીએમ સહસવાણ અને પોલીસને કરવામાં આવી છે.
આ પણ વાંચો: કર્ણાટકમાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે કાર્યવાહી શરૂ