BSP ને મતનો દુકાળ, સળંગ ત્રીજી ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન
ઉત્તરપ્રદેશની પેટાચૂંટણીમાં પણ બહુજન સમાજ પાર્ટીનું નબળું પ્રદર્શન યથાવત રહ્યું છે. પક્ષના ચાર ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી.

દેશના દલિતો-વંચિતો જેના રાજકારણના કેન્દ્રમાં છે તેવો દેશનો એકમાત્ર રાજકીય પક્ષ બીએસપી હાલ તેના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલમાં જ આવેલા યુપી વિધાનસભા પેટાચૂંટણીના પરિણામોમાં પણ પક્ષની સ્થિતિમાં બહુ ફરક નથી પડ્યો અને પક્ષના ઉમેદવારો મત માટે તરસતા જોવા મળ્યાં. પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે BSPની 60 ટકાથી વધુ વોટ બેંક અન્ય પાર્ટીઓમાં શિફ્ટ થઈ છે. એટલું જ નહીં દલિત વોટ બેંકે પણ તેને ફગાવી દીધી હતી. આ સિવાય પાર્ટી મુસ્લિમ મતદારોનો વિશ્વાસ પણ જીતી શકી નથી. પેટાચૂંટણી લડવાનું બીએસપીનું બીજું પગલું પણ તેને નવી દિશા બતાવી શક્યું નથી. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન 5 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં પણ બસપાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
4 સીટો પર ડિપોઝિટ ગુમાવવી પડી
ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો કરહલ, કુંડારકી, મીરાપુર અને સીસામઉમાં બસપાની હાર થઈ છે. ચારેય બેઠકો પર બસપાનો મત પાંચ આંકડા સુધી પણ પહોંચી શક્યો ન હતો. તેના કારણે ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. મીરાપુર અને કુંડાર્કીમાં મતદારોએ બસપા કરતાં આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ મુસલમીન (AIMIM)ને પ્રાધાન્ય આપ્યું છે.
2022ની સરખામણીએ ઓછા મતો મળ્યાં
BSPનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કથેરી સીટ પર હતું, જ્યાં પાર્ટીના ઉમેદવાર અમિત વર્માને 41,647 મત મળ્યા હતા. અહીં મઝવાંના ઉમેદવાર દીપક તિવારી ઉર્ફે દીપુ તિવારીને 34,927 અને ફુલપુરના ઉમેદવાર જિતેન્દ્ર કુમાર સિંહને 20,342 મત મળ્યા હતા. જોકે, 2022ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ત્રણેય બેઠકો પર ઓછા મત મળ્યા છે. ગાઝિયાબાદમાં, બસપા માટે ટિકિટ બદલવાનો ખેલ પક્ષને મોંઘો પડ્યો છે અને તેના ઉમેદવાર પરમાનંદ ગર્ગ માત્ર 10,736 મત મેળવી શક્યા હતા.
મોટા નેતાઓએ પ્રચારથી અંતર જાળવ્યું
બસપાના આ ખરાબ પ્રદર્શનનું કારણ પાર્ટીના મોટા નેતાઓ છે, જેમણે પેટાચૂંટણીમાં પ્રચાર કરવાની પણ તસ્દી લીધી નહોતી. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પક્ષને મજબૂત કરવાના પ્રયત્નોમાં પાર્ટીએ યુપીમાં પોતાના મતદારો ગુમાવી દીધાં હોવાનું સ્પષ્ટ વર્તાય છે. પેટાચૂંટણીમાં ઉમેદવારોએ પોતાના દમ પર પ્રચાર કર્યો, જે વિજયમાં પરિવર્તિત થઈ શક્યો નહીં. બસપા સુપ્રીમો માયાવતી ઉમેદવારોને મળ્યા હતા, પરંતુ પાર્ટી દ્વારા તેમના નામની જાહેરાત છેલ્લી ઘડીએ કરવામાં આવી હતી, જેના કારણે મતદારોમાં મૂંઝવણ હતા. સોશિયલ એન્જિનિયરિંગના આધારે ચૂંટણી જીતવાના પક્ષના પ્રયાસો કામમાં ન આવ્યા. ટિકિટની વહેંચણીમાં અજાણ્યા ચહેરા પર દાવ લગાવવાની કિંમત પાર્ટીને ચૂકવવી પડી હતી.
બસપાના ઉમેદવારોને મત મળ્યા હતા
સીટ - ઉમેદવાર – કેટલા મત મળ્યાં - 2022માં કેટલા મત મળ્યાં
મીરાપુર - શાહનઝર - 3248 - 23797
મઝવાં - દીપક તિવારી - 34927 - 52990
કટેહરી - અમિત વર્મા - 41647 - 58482
ફુલપુર - જિતેન્દ્ર કુમાર સિંઘ - 20342 - 33036
સીસામઉ - વિરેન્દ્ર કુમાર - 1410 - 2937
કરહલ - અવનીશ શાક્ય - 8409 - 15701
ગાઝિયાબાદ - પરમાનંદ ગર્ગ - 10736 - 32691
કુંદરકી - રફ્તઉલ્લાહ - 1051 - 42742
ખૈર - પહેલ સિંહ - 13365 - 65302
કુલ મત - 1,35,135 - 3,27,678
આ પણ વાંચોઃ BSPનો પ્રચાર કરવા બદલ દલિત યુવક પર ફાયરિંગ, આરોપી ફરાર