દલિત યુવક પર પહેલા ફાયરિંગ કર્યું, પછી પેટ્રોલ છાંટી જીવતો સળગાવ્યો
માથાભારે તત્વો દલિત યુવકને ગામથી બહાર લઈ ગયા, પછી તેના પિસ્તોલથી ફાયરિંગ કર્યું. એ પછી પણ યુવક જીવતો હોવાનું જણાતા તેના પર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી.
દલિતો પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યાં. દરરોજ દેશના કોઈને કોઈ ખૂણે નજીવી બાબતમાં અથવા તો કોઈ જ બાબત વિના માત્ર પોતાનો અહમ સંતોષવા માટે થઈને દલિતો પર હુમલા, માર મારવો, ધાક-ધમકી આપવી જેવી ઘટનાઓ બને છે. આવી વધુ એક ઘટના સામે આવી છે જેમાં માથાભારે શખ્સોએ એક દલિત યુવકની જમીનનો સોદો કર્યા પછી તેને રૂપિયા દેવા ઘરે બોલાવ્યા બાદ તેના પર બંદૂકથી ફાયરિંગ કર્યું હતું, એટલાથી સંતોષ ન થતા લુખ્ખા તત્વોએ યુવક પર પેટ્રોલ છાંટી તેને આગ લગાવી દીધી હતી.
ઘટના દલિત-આદિવાસી અત્યાચારોની સૌથી વધુ ઘટનાઓ જે ત્રણ રાજ્યોમાં બને છે તે પૈકીના એક એવા મધ્યપ્રદેશની છે. અહીંના છતરપુર જિલ્લામાં એક દલિત યુવકને જીવતા સળગાવી દેવાનો મામલો સામે આવ્યો છે. બદમાશોએ પહેલા દલિત યુવક પર ગોળીબાર કર્યો અને પછી તેને મૃત સમજીને તેના પર પેટ્રોલ રેડીને તેને જીવતો સળગાવી દીધો. હાલ યુવકને ગંભીર હાલતમાં છતરપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પરિવારજનોની ફરિયાદ બાદ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: આજેય એ યુવાન જવાનભાઈની કીટલીએ મળી જાય ત્યારે સાઈકલ તૂટ્યાની વેદનાને સંભારે છે
મામલો છતરપુર જિલ્લાના રાજનગર પોલીસ સ્ટેશન વિસ્તારના દેવ પુલિયા ગામનો છે. અહીં રહેતા 57 વર્ષના નંદી અહિરવાર પર ગામના જ એક માથાભારે શખ્સે હુમલો કર્યો છે. થોડા દિવસો પહેલા નંદીએ તેનો એક પ્લોટ તે જ ગામના મનોજ પટેલને રૂ. 4 લાખ 50 હજારમાં વેચ્યો હતો. મનોજ પટેલે નંદીને પૈસાની લેણદેણ કવા માટે બોલાવ્યો હતો અને પછી તેના પર જીવલેણ હુમલો કર્યો હતો.
પ્લોટનો સોદો ફાઇનલ થઈ ગયા બાદ મનોજના મોટા ભાઇ કમલેશ પટેલે નંદી અહિરવારને રકમ ચૂકવવા માટે બોલાવ્યો હતો. કમલેશ તેને બાઇક પર દેવ પુલિયા ગામથી લુગાસી ચોકી સુધી લઇ ગયો હતો. જ્યાં પુલ પાસે પહોંચ્યા બાદ તેણે મારામારી શરૂ કરી દીધી હતી. નંદીને માર માર્યા બાદ આરોપીઓએ તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી હતી.
ઇજાગ્રસ્ત નંદીએ જણાવ્યું હતું કે, કમલેશ પટેલે દેશી બનાવટની પિસ્તોલના બટ વડે પહેલા તેના માથામાં અનેક વાર ઘા કર્યા હતા. જ્યારે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો, એ પછી તેના હાથમાં ફાયરિંગ કર્યું, જેનાથી તેનો આખો હાથ પણ ગંભીર રીતે તૂટી ગયો છે. આ હુમલા બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. આરોપી જો કે આયલેથી પણ અટક્યો નહોતો, તેણે નંદી પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો.
આ મામલે છતરપુરના એસપી અગમ જૈનનું કહેવું છે કે ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આ કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હાલ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા