માલપુરથી દિલ્હી દંડવત યાત્રાએ નીકળેલા લાલજી ભગતની તબિયત લથડી
લાલજી ભગત સફાઈ કામદારોની પડતર માંગણીઓને લઈને પીએમ મોદીને વેદનાપત્ર આપવા નીકળ્યાં છે. મોડાસાના મહાદેવપુરા પાસે રસ્તામાં તેમની તબિયત લથડી છે.

સફાઈ કામદારોના વર્ષો જૂના પડતર પ્રશ્નોને લઈને અરવલ્લી જિલ્લાના માલપુરથી દેશની રાજધાની દિલ્હી સુધી દંડવત યાત્રા કરતા જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર પાઠવવા માટે નીકળેલા વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતની મોડાસાથી આગળ જતાં મહાદેવપુરા પાસે રસ્તામાં તબિયત લથડતાં 108 દ્વારા સારવાર આપવામાં આવી હતી.
ગુજરાત વાલ્મિકી સંગઠનના નેજા હેઠળ રાજ્યમાં સરકારી અને અર્ધ સરકારી કચેરીઓમાં આઉટ સોર્સ તરીકે ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને પૂરા પગારથી કાયમી કરવા અને જુદી જુદી પડતર માંગણીઓ અને લાભો માટે માલપુરના લાલજી ભગત છેલ્લા કેટલાય સમયથી આંદોલન દ્વારા લડત ચલાવી રહ્યા છે તેમ છતાં પણ સફાઈ કામદારોની માંગણીઓ સંતોષવામાં ન આવતાં તા.1 જાન્યુઆરીથી તેઓ માલપુરથી દિલ્હી સુધી દંડવત યાત્રા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદના પત્ર પાઠવવા નીકળ્યાં છે.
બે દિવસ પહેલા તેઓ મોડાસામાં પ્રવેશતા સમસ્ત વાલ્મિકી સમાજના ભાઈ-બહેનો અને સફાઈકર્મીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. અહીંથી તેઓ દંડવત યાત્રાનું પ્રસ્થાન કરીને મહાદેવપુરા તરફ આગળ વધ્યાં હતા. એ દરમિયાન અચાનક તેમની તબિયત લથડતાં તાત્કાલિક 108ને જાણ કરવામાં આવતા રસ્તામાં જ તેમને સારવાર આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, સફાઈકર્મીઓની નોકરીઓ કોન્ટ્રાક્ટર પર આપી દઈને શોષણ કરતી સરકાર સામે લાલજી ભગત સહિત તમામ સફાઈકર્મીઓમાં રોષ છે. એક બાજુ પીએમ મોદી સફાઈકર્મીઓના પગ ધોઈને જાહેરમાં પોતે સફાઈકર્મીઓના હામી હોવાનો દેખાડો કરે છે, બીજી તરફ તેમના જ ગૃહરાજ્યમાં એક સફાઈકર્મી આંદોલન કરીને પોતાના હકની માગણી કરી રહ્યો છે, છતાં સત્તા પક્ષના એકેય નેતાના પેટનું પાણી પણ હલ્યું નથી. આ સાથે જ સત્તાધારી ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોવાનું પણ સામે આવી ગયું છે. જોવાનું એ રહે છે કે, લાલજી ભગત જેવા વડીલની માગણીને સરકાર કાને ધરે છે કે નહીં.
આ પણ વાંચો: સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે