સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે

અરવલ્લીના જનસેવક લાલજી ભગત સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને માલપુરથી દંડવત કરતા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે, પણ ભાજપના એકેય નેતાના પેટનું પાણી પણ હલતું નથી.

સફાઈકર્મીઓ માટે એક જનસેવક દંડવત યાત્રા કરતા દિલ્હી જવા નીકળ્યાં છે
image credit - Google images

ગુજરાત સહિત દેશભરમાં સફાઈકર્મીઓનું શોષણ કરતી કોન્ટ્રાક્ટર પ્રથા દાખલ કર્યા બાદ ચૂંટણી ટાણે સફાઈ કામદારોના પગ ધોઈને દેખાડો કરતા વડાપ્રધાન મોદી સફાઈકર્મીઓના અસલ પ્રશ્નોને લઈને કેટલા ગંભીર છે તેના વિશે હવે વધારે કશું કહેવાની જરૂર નથી. સફાઈકર્મીઓનું શોષણ કરતી કોન્ટ્રાક્ટ પ્રથાને પીએમ મોદીએ તેમના હોમ સ્ટેટ ગુજરાતમાં હવે કાયમી કરી નાખી હોય તેવી સ્થિતિ છે. પરિણામે સફાઈકર્મીઓ આખી જિંદગી મજૂર જ રહે છે અને કોન્ટ્રાક્ટર (જે મોટાભાગે ભાજપના જ મળતિયાઓ કે તેમના સગાસંબંધીઓ જ હોય છે.) રાતોરાત માલામાલ થઈ જાય છે.

માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા

સફાઈકર્મીઓનું ગુજરાતમાં ભારે શોષણ થઈ રહ્યું છે. તેમની અનેક માગણીઓ વર્ષોથી પડતર છે, અનેક આવેદનપત્રો આપવા છતાં કોઈ મંત્રી, અધિકારી તેના વિશે કશી નક્કર કાર્યવાહી કરતો નથી. એવી સ્થિતિમાં અરવલ્લી જિલ્લામાંથી એક જનસેવક દંડવત પ્રણામ કરતા કરતા દિલ્હી જવા માટે નીકળ્યાં છે. હાલ તેઓ મોડાસા પહોંચ્યાં છે. આવતા વર્ષ સુધીમાં તેઓ દિલ્હી પહોંચશે અને પીએમ મોદીને મળી સફાઈકર્મીઓના પડતર પ્રશ્નોનો વહેલીતકે ઉકેલ લાવો તેવી રજૂઆત કરશે. 

નેતાઓના પેટનું પાણી પણ હલતું નથી

આ જનસેવકનું નામ લાલજી ભગત છે અને હાલ તેઓ આ રીતે દંડવત પ્રણામ કરતા કરતા મોડાસા પહોંચી ગયા છે. તેમની આટલી કપરી યાત્રાને જોઈને પણ ભાજપના કોઈ નેતાના પેટનું પાણી પણ હલ્યું નથી. સફાઈ કામદારોની પડતર પ્રશ્નોને લઇને અરવલ્લીથી દિલ્હી સુધી શરૂ થયેલી આ દંડવત યાત્રાને લઇને હવે પ્રદેશ આમ આદમી પાર્ટીના નેતાઓ આગળ આવ્યા છે. આપ ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ લાલજી ભગતની દંડવત યાત્રાને લઇને પ્રધાનમંત્રી મોદીને અપીલ કરતાં જણાવ્યું કે, કોઈપણ હિસાબે સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો.

ભાજપનો એકેય નેતા હજુ મળવા આવ્યો નથી

બીજી બાજુ અરવલ્લી જિલ્લાના એકેય ધારાસભ્ય કે મંત્રી પાસે સમય જ ન હોય તેમ અદ્રશ્ય થઈ ગયા છે. એક માણસ સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે દંડવત યાત્રા કરીને ગુજરાતથી દિલ્હી સુધી જઈ રહ્યાં હોય તો કેમ કોઈ ધારાસભ્ય કે મંત્રી તેમની વાત સરકાર સુધી પહોંચાડતા નથી, શું સફાઈ કામદારોના પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી ધારાસભ્યો કે મંત્રીઓની નથી? શું તેમની વાત ગાંધીનગરમાં કોઈ સાંભળતું જ નથી? આવા સવાલો પણ સફાઈકર્મીઓમાં થઈ રહ્યાં છે.

માલપુરથી દંડવત કરતા મોડાસા પહોંચ્યાં

વર્ષ 2025ની પ્રથમ જાન્યુઆરીના રોજથી ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે અરવલ્લીના માલપુરથી દંડવત યાત્રા શરૂ કરી હતી. અંદાજે પચ્ચીસ કિલોમીટરનું અંતર કાપી તેઓ હાલ મોડાસા પહોંચ્યાં છે. જ્યાં સમાજના આગેવાનો તેમજ નગરજનોએ ભવ્ય આવકાર આપ્યો હતો.

ગાંધીનગરમાં અમારું કોઈ સાંભળતું નથી: લાલજી ભગત 

લાલજી ભગતે જણાવ્યું હતું કે, સફાઈકામદારોના પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર સરકારને રજૂઆત કરવામાં આવી છે, જોકે હજુ સુધી સફાઈકર્મીઓની વાત સાંભળવામાં આવી નથી. તેમની માંગ છે કે સફાઈ કામદારોનું શોષણ બંધ કરવામાં આવે, તેમનું વેતન સીધા બેંક ખાતામાં આવે અને અનામત સહિતની બાબતોનો પણ તેમાં અમલ કરવામાં આવે. આ મામલે ગાંધીનગરમાં કોઈ સફાઈકર્મીઓની વાત કાને ધરતું ન હોવાથી હવે મેં દિલ્હી જઈ પીએમ મોદીને મળીને રજૂઆત કરવાનું નક્કી કર્યું છે.

લાલજી ભગત અગાઉ પણ રજૂઆતો કરી ચૂક્યાં છે

ઉલ્લેખનીય છે કે, અગાઉ લાલજી ભગત દંડવત યાત્રા કરીને ગાંધીનગર સુધી જવા નીકળ્યાં હતાં. પરંતુ સત્તા પક્ષના લોકોએ તેમને આશ્વાસનો આપીને યાત્રા રોકાવી દીધી હતી. એ પહેલા પણ તેમણે દિલ્હી સુધી પદયાત્રા કરી છે પરંતુ હજુ સુધી તેમની માંગણીઓ સંતોષવામાં આવી નથી. હવે લાલજી ભગતે ફરી એકવાર સરકાર સામે બાંયો ચઢાવી છે અને સૌથી કઠિન એવી દંડવતા યાત્રા શરૂ કરી દીધી છે ત્યારે સરકાર તેમની માગણીઓને ધ્યાનમાં લે છે કે કેમ તેના પર નજર રહેશે.

આ પણ વાંચો: ગુજરાત વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ ગુજરાતથી દંડવત કરતા દિલ્હી જશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.