કડીના જેતપુરામાં એટ્રોસિટીના કેસમાં 9 આરોપીઓને 3 વર્ષની સજા, 20 હજાર દંડ
આરોપીઓએ લોકડાઉન વખતે કીટની વહેંચણી વખતે દલિત સમાજની વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો બોલીને માર માર્યો હતો.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જેતપુરા ગામમાં એટ્રોસિટીના એક કેસમાં 9 આરોપીઓને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2020માં કોરોના કાળના લોકડાઉન વખતે અહીં કીટની વહેંચણી વખતે આરોપીઓએ અનુસૂચિત જાતિ સમાજની એક વ્યક્તિને જાતિસૂચક અપશબ્દો કહીને મારામારી કરી હતી. જેને લઈને તેમની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી મહેસાણા સ્પેશ્યિલ એટ્રોસિટી કોર્ટમાં થતા કોર્ટે 9 આરોપીઓનો ગુનેગાર ઠેરવીને 3 વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો.
મામલો શું હતો?
કડીના જેતપુરા ગામમાં તા.૨૯-૩-૨૦૨૦ના લોકડાઉનની કીટની વહેંચણી બાબતે બોલાચાલી થઈ હતી. જે અંગેની અદાવત રાખીને આરોપીઓ ગામના જ સોમા રબારી, જગદીશ અજમલ રબારી, રવિ મગન રબારી, સંજય મફા રબારી, વિશાલ રણછોડ રબારી, રાજુ લાલજી રબારી, ભાથી અરજણ રબારી, સાગર મોહન રબારીએ 12 એપ્રિલ 2020ના રોજ ગેરકાયદેસર મંડળી રચીને એકસંપ થઈને લાકડીઓ સહિતના હથિયારો સાથે અનુસૂચિત જાતિ સમાજના વિનોદભાઈ મંગળભાઈ જાદવને જાતિસૂચક અપશબ્દો કહી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હતો. આ અંગે વિનોદભાઈ જાદવે એટ્રોસિટી એક્ટ સહિતના વિવિધ કાયદા-કલમો હેઠળ બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂ. 20 હજાર દંડ
આ કેસની સુનાવણી મહેસાણાના એડીશનલ સેશન્સ અને સ્પેશીયલ એટ્રોસીટી જજ સી.એમ.પવારની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ અશોક એ. મકવાણાની દલીલો અને ભરત કાપડીયાની વીથ પ્રોશીક્યુસેનના આધારે કોર્ટે ૯ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની કેદ અને પ્રત્યેક આરોપીને રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમમાંથી ફરિયાદીને રૂ. 30 હજાર વળતર ચૂકવવા અને રૂ. 30 હજાર જિલ્લા કાનૂની સહાય કેન્દ્રમાં જમા કરવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: એટ્રોસિટીના કેસમાં કોર્ટે પહેલીવાર ‘માનસિક યાતના’ મુદ્દે આરોપીને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો