અમરેલીમાં BSP કાર્યકરોએ અમિત શાહના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

બીએસપીના અમરેલીના કાર્યકરોએ શાહના નિવેદનને વખોડી કાઢી તેમની માફી અને રાજીનામાની માંગ કરી છે.

અમરેલીમાં BSP કાર્યકરોએ અમિત શાહના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
image credit - નરેશ વાળા, ચિત્તલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સંસદમાં કરેલા ડો.આંબેડકર અંગેના નિવેદનને લઈને આજે બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે અમરેલીમાં બીએસપીના કાર્યકરો સાથે બહુજન સમાજના પ્રબુદ્ધ નાગરિકો, જાગૃત લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર સુપરત કર્યું હતું.

આવેદન પત્ર આપતી વખતે બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો નરેશ વાળા, વિક્રમ મકવાણા, સુરેશભાઈ વાળા, ધીરુભાઈ ખીટોલિયા, કિશન વાળા, જીગ્નેશ સોલંકી, દિનેશભાઈ પરમાર, નાનજીભાઈ પરમાર, ભરત કાતરિયા, કમલેશ હેલૈયા, રાહુલ વાળા, કિસન આર વાળા, સુનીલ વાળા, અજય ખુમાણ, શૈલેષ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બહુજન સમાજ પાર્ટીના કાર્યકરોએ માંગ કરી હતી કે, અમિત શાહ દ્વારા ડો.આંબેડકર અંગે જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી બહુજન સમાજના લોકોની લાગણીને ભારે ઠેસ પહોંચી છે. તેમણે માફી માંગવી જોઈએ અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપવું જોઈએ.

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ડો.આંબેડકરે આધુનિક ભારતના નિર્માણમાં મોટું યોગદાન આપેલું છે. તેમના બંધારણ થકી દેશના તમામ જાતિ, ધર્મના ગરીબ, તવંગર સૌ લોકો એક તાંતણે બંધાયેલા છે. બંધારણનું નિર્માણ કરીને તેમણે સમાનતા, ન્યાય અને બંધુતાની ભાવનાને સ્થાપિત કરીને કથિત ભગવાન કરતા પણ મોટું કામ કર્યું છે, જે સાત જન્મો નહીં પણ યુગો પછી પણ યાદ રખાશે. દેશમાં તેમના આ મહાન કાર્યને કારણે સામાન્ય માણસને અનેક અધિકારો પ્રાપ્ત થયા છે. ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન કર્યું છે તેનાથી સમગ્ર દેશમાં ડો.આંબેડકરને માનતા સર્વ સમાજના લોકોમાં રોષ છે.

આ પણ વાંચોઃ અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.