અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું

અમિત શાહનું રાજીનામું લઈ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજે જંગી વિરોધ પ્રદર્શન સાથે એફઆઈઆર દાખલ કરવા માંગ કરી.

અમિત શાહના વિરોધમાં મહેસાણામાં લોહીના અંગૂઠા સાથે આવેદનપત્ર અપાયું
image credit - કૌશિક પરમાર, મહેસાણા

protest against Amit Shah in Mehsana : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભમાં ડો.બાબા સાહેબ આંબેડકરના સંદર્ભે કરાયેલી અભદ્ર નિવેદનને લઈને સમગ્ર ભારત જ નહીં, વિદેશોમાં વસતા આંબેડકરવાદીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે. બહુજન સમાજ શાહના નિવેદનને લઈને તેઓ તાત્કાલિક માફી માગે તેવો આગ્રહ સેવાઈ રહ્યો છે. આ મામલે દેશના અલગ અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે અને બહુજન સમાજ અમિત શાહની માફી અને રાજીનામાની માંગણી કરી રહ્યો છે ત્યારે ગઈકાલે મહેસાણામાં પણ જંગી રેલી સાથે બહુજન સમાજે અમિત શાહ વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર આપી તત્કાલિક તેમનું રાજીનામુ લઈને તેમની વિરુદ્ધમાં એફ.આઈ.આર.દાખલ કરવા માંગ કરી છે.

અમિત શાહના નિવેદનનો ભારે વિરોધ
મહેસાણા જિલ્લા સમસ્ત અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા આ મામલે લોહીના અંગૂઠા સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, "તારીખ 17/12/2024 ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને  આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી. ગુજરાતમાં હત્યાના આરોપી બનેલા તથા 3 મહિના કરતા વધુ સમય જેલની હવા ખાઈ ચૂકેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપલાગૃહમાં ડો.બાબા સાહેબ આંબેડકરને લઈને જણાવેલ છે કે, "આજ એક ફેશન હો ગયા હૈ આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર..અરે ઇતના નામ ભગવાન કા લેતે તો સાત જન્મો તક સ્વર્ગ મિલ જાતા" અમિત શાહ પોતે અગાઉ હત્યાના આરોપી રહી ચૂકેલા છે અને તડીપાર થયેલા છે. તેમણે જેલમાંથી બહાર નીકળવા માટે ભગવાનનું નામ નહોતું લીધું પણ બાબાસાહેબે બનાવેલ બંધારણથી બનેલાં કાયદાનો ઉપયોગ કરેલો. અમિત શાહ અને તેમના સમર્થકો કાયમ વીર સાવરકરનું નામ બોલતા રહે છે, પરંતુ તેમને ક્યારેય ભગવાનનું નામ લેવાનું કહેવાતું નથી, અને આંબેડકરનું નામ લે તો એ ફેશન છે? ડો.આંબેડકર ફેશન નહીં નેશન હૈ યે બાત કેન્દ્રીય ગૃહમંત્રી કો શાયદ પતા હી નહીં."

આ પણ વાંચોઃ અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ

ડો.આંબેડકરના યોગદાનને યાદ કરવામાં આવ્યું
લોહીના અંગૂઠા સાથે અપાયેલા આવેદનપત્રમાં વધુમાં કહેવાયું છે કે, "અમો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના દલિતો અમિત શાહની આ અભદ્ર હરકતને આકરા શબ્દોમાં વખોડીયે છીએ અને તેઓની ઘોર નિંદા કરીયે છીએ. અમિત શાહે દલિત સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જ્યારે બંધારણ ઘડ્યું નહોતું ત્યારે દેશની હાલત શું હતી એ અમિત શાહને ખબર છે? બંધારણ પહેલા દેશમાં મહિલાની સ્થિતિ નર્કની ગર્તા  સમાન હતી. આ દેશમાં ધર્મના નામે કેટલીય દીકરીઓ ને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી, દેવદાસી બનાવમાં આવતી હતી. અનેક કુરિવાજોમાંથી મહિલાઓ પસાર થઈ છે. આ દેશની મહિલાઓને સમાનતાનો અધિકાર ડો.બાબાસાહેબ આંબેડકરે આપ્યો છે. શિક્ષણનો અધિકાર, પિતાની સંપત્તિમાં અધિકાર, પતિની સંપત્તિમાં અધિકાર ડો. બાબા સાહેબે આપ્યો છે. મનગમતા પાત્ર સાથે લગ્નનો અધિકાર ડો.બાબા સાહેબે આપ્યો છે. નોકરીઓમાં તકની સમાનતા, મેટરનીટી લિવ સહિતની સુવિધાના દૂરંદેશી ડો.બાબાસાહેબ આંબેડકર હતા. મહિલાઓ ઉપર જ્યારે ચારે બાજુ સિતમ હતો ત્યારે કોઈ ભગવાન તેઓની વ્હારે આવ્યા નથી, પરંતુ ડો.બાબા સાહેબ આંબેડકરના કારણે જ દેશના નાગરિકોને પોતાના હક અને અધિકાર મળેલા છે. 

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર પર અમિત શાહના નિવેદન પર માયાવતી નારાજ, જાણો શું કહ્યું

અમિત શાહનું રાજીનામું લઈ, એફઆઈઆર દાખલ કરવા માંગ
આવેદનપત્રમાં આગળ કહેવાયું છે કે, "ભારતની મહિલાઓના, દલિતોના આદિવાસીઓના ભગવાન ડો.બાબાસાહેબ આંબેડકર છે, તેથી અમે તમારી નીચ અને હલકી તેમજ ઉતરતી વિચારધારાનો આક્રોશપૂર્ણ વિરોધ કરીયે છે. સાથે લોહીયુક્ત આવેદન આપી માંગ કરીયે છે કે રાજ્યસભા મા આપ બે હાથ જોડી માફી માંગી રાજીનામું આપો અને મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મૂર્મ અને રાજ્યસભાના અધ્યક્ષ (ઉપરાષ્ટ્રપતિ) જગદીપ ધનખડને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમિત શાહનું રાજીનામુ માંગી તેઓની ઉપર સમાજમાં વર્ગવિગ્રહ ફેલાવવા, દલિતો અને બહુજનોની લાગણી દુભાવવા, વિશ્વ વંદનીય ડો.બાબા સાહેબ આંબેડકર વિશે આપત્તિજનક નિવેદન કરવા બદલ તેઓની સામે એફ.આઈ.આર.કરવાની માંગ કરીયે છીએ. સાથોસાથ 17 ડિસેમ્બરને ભારતનો આપત્તીજનક દિવસ તરીકે જાહેર કરવા માંગ કરીયે છીએ."
આવેદનપત્ર આપવા માટે મહેસાણા શહેર, જિલ્લા અને તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકો અને સામાન્ય માણસો જોડાયા હતા જેઓ ડો.આંબેડકરને પ્રેમ અને આદર આપે છે. આ ઘટનાની સમગ્ર જિલ્લામાં નોંધ લેવાઈ હતી.

આ પણ વાંચોઃ ખોખરામાં તોફાની તત્વોએ ડૉ.આંબેડકરની પ્રતિમાનું નાક તોડી નાખ્યું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.