ગાંધીનગરના દલિત અધ્યાપકને મનુવાદી પ્રિન્સિપાલ હેરાન કરી રહ્યાં છે

ગાંધીનગરની સરકારી આર્ટ્સ કોલેજના એક દલિત પ્રોફેસરને કોલેજના જાતિવાદી પ્રિન્સિપાલ છેલ્લાં ઘણાં સમયથી હેરાન કરી તેમની કરિયર ખતમ કરવા મથી રહ્યાં છે.

ગાંધીનગરના દલિત અધ્યાપકને મનુવાદી પ્રિન્સિપાલ હેરાન કરી રહ્યાં છે
image credit - Google images

NCSC-National Commission for SC એ બંધારણીય સંસ્થા છે. તેની સ્થાપના 19 ફેબ્રુઆરી 2004 ના રોજ સંસદ દ્વારા કરવામાં આવી છે. આ કમિશનના કર્યો છેઃ [1] દલિત સમુદાયનું શોષણ અને ભેદભાવથી રક્ષણ કરવું. દલિતોના અધિકારો અને સુરક્ષાના અભાવ બાબતેની ચોક્કસ ફરિયાદોની તપાસ કરવી. [2] દલિત સમુદાયના સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને સાંસ્કૃતિક હિતોને પ્રોત્સાહન આપવું. [3] બંધારણ હેઠળ દલિત સમુદાયને પ્રદાન કરેલ સુરક્ષાને લગતી તમામ બાબતોની તપાસ/ દેખરેખ રાખવી અને આવા સલામતીના કાર્યનું મૂલ્યાંકન કરવું. [4] દલિત સમુદાયને સામાજિક ન્યાય મળે છે કે નહીં, તેની તકેદારી રાખવી. દલિતોના સંરક્ષણ, કલ્યાણ અને સામાજિક-આર્થિક વિકાસ માટે કેન્દ્ર અથવા કોઈપણ રાજ્ય દ્વારા લેવામાં આવતા પગલાં વિશે ભલામણો કરવી. 

આ કમિશન કોર્ટની માફક કેસની સુનાવણી કરી શકે છે/પુરાવા મેળવી શકે છે અને પોતાનો નિર્ણય આપી શકે છે. તેમના નિર્ણયનો અમલ કરવો પડે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ગુજરાત સરકાર આ કમિશનને યોગ્ય મહત્વ આપતી નથી?

ગાંધીનગરમાં સરકારી આર્ટ્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ડો. મહેશકુમાર મકવાણા ફરજ બજાવે છે. તેમની સાથે તેમના પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણ પૂર્વગ્રહયુક્ત વ્યવહાર કરે છે. ડો. મહેશકુમારને ગુજરાતની સરકારી કોલેજોમાં પ્રથમ મેજર પ્રોજેક્ટ ICSSR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ, નવી દિલ્હી તરફથી માર્ચ 2023માં મળ્યો હતો, જે માટે 9 લાખની ગ્રાન્ટ મળી હતી. આ પ્રોજેક્ટ 2 વરસમાં પૂર્ણ કરવાનો હતો. પણ આ પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલે વિઘ્નો નાખ્યાં? ગ્રાન્ટ માટે પ્રિન્સિપાલના નામનું બેન્ક એકાઉન્ટ ખોલવામાં/પ્રોજેક્ટ માટે રુમ ફાળવવામાં/પ્રોજેક્ટ  માટે આસિસ્ટન્ટ તથા ફિલ્ડ ઈન્વેસ્ટિગેટર ફાળવવામાં અને અન્ય બાબતોમાં પ્રિન્સિપાલે આડોડાઈ કરી. પ્રિન્સિપાલનો ઈરાદો શક્ય તેટલાં અવરોધો ઊભા કરી આ પ્રોજેક્ટને વિલંબમાં નાખી આખરે રદ કરાવવાનો હતો. ડો. મહેશકુમારે આ અંગે શિક્ષણ સચિવ/ મુખ્યમંત્રી/ગવર્નરને ફરિયાદ કરી છતાં પ્રિન્સિપાલ સામે કોઈ પગલાં લેવાયા નહીં. શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલને 2 સપ્ટેમ્બર 2023ના રોજ પ્રિન્સિપાલના પૂર્વગ્રહયુક્ત/સામંતવાદી વલણ અંગે વિસ્તૃત ફરિયાદ કરી. છતાં પરિણામ શૂન્ય! 

આ પણ વાંચો: બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી, તેના ભાઈ પાસે પગ ધોવડાવી માફી મગાવી

પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણની ખાસિયત મનસ્વી/અપમાનિત વર્તન કરવાની છે. 17 ફેબ્રુઆરી 2021ના રોજ, 27 પ્રાધ્યાપકોએ/શૈક્ષણિક કર્મચારીઓએ તુમાખીભર્યા વર્તન અંગે પ્રિન્સિપાલને ચેતવ્યા હતા! તેમજ 28 જાન્યુઆરી 2023ના રોજ અધ્યાપક ગણે ‘સરકારી કોલેજ અધ્યાપક મંડળ’ને પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણની વહીવટી બિનકાર્યક્ષમતા/શિક્ષણ પ્રત્યેના ઉદાસીન વલણ/ અધ્યાપકો સાથેના ગેરવર્તન અંગે ફરિયાદ કરી હતી. પ્રિન્સિપાલ, સીનિયર અધ્યાપકોને તેમના જુનિયર અધ્યાપક હેઠળ ફરજ સોંપી અપમાનિત કરતા હતાં. 

છેવટે હારી થાકીને ડો. મહેશકુમારે NCSC સમક્ષ ફરિયાદ કરી. NCSCએ નોટિસ કાઢી એટલે CHE-કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશને તપાસ સમિતિ નીમી. તપાસ સમિતિએ ડો. મહેશકુમારને સાંભળ્યા વિના પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણને ક્લીન ચિટ આપી દીધી! 6 ઓગસ્ટ 2024ના રોજ NCSC સમક્ષ સુનાવણી થઈ. 

કમિશને નોંધ્યું કે “ડો. મહેશકુમાર મકવાણાને માર્ચ 2023 માં ICSSR તરફથી એક મેજર સંશોધન પ્રોજેક્ટ એનાયત કરવામાં આવ્યો હતો; જે કોલેજ અને ગુજરાત સરકાર માટે ગૌરવની વાત છે. ચોક્કસપણે આ પ્રોજેક્ટ દલિત અરજદારની શૈક્ષણિક કારકિર્દીમાં ઉજ્જવળ ભવિષ્ય લાવશે. સંશોધન પ્રોજેક્ટના કામમાં વિવિધ અવરોધોને કારણે, અરજદાર સરળતાથી કામ કરી શક્યા નથી અને સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો છે અને માત્ર 8 મહિના બાકી છે. કોલેજે નિમેલી તપાસ સમિતિનો અહેવાલ પક્ષપાતી છે, કારણ કે અરજદાર તપાસના દિવસે હાજર ન હતા અને તેમને તપાસ સમિતિ વિશે કોઈ જાણકારી ન હતી. તેઓ તપાસ સમિતિ સમક્ષ પોતાની તમામ ફરિયાદો મૂકી શક્યા ન હતા. વળી કમિશને આ કેસમાં સુનાવણી નક્કી કર્યા બાદ તપાસ સમિતિએ તપાસ હાથ ધરી હતી.  પ્રિન્સિપાલનું વર્તન અરજદાર ડો. મહેશકુમાર પ્રત્યે પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ હતું. પ્રિન્સિપાલ અરજદારના સંશોધન/શૈક્ષણિક કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવાને બદલે તેને નાની વહીવટી બાબતોમાં સામેલ કરીને તેના સંશોધનને પૂર્ણ કરવામાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રોજેક્ટ પૂર્ણ ન થવા પર અરજદારને નાણાકીય નુકસાન તરફ દોરી જશે. પ્રિન્સિપાલ દલિત અરજદારને માનસિક રીતે હેરાન કરી રહ્યા છે અને તેમની ઉજ્જવળ કારકિર્દીના વિકાસને અવરોધે છે. કમિશન ભલામણ કરે છે કે નિયામક, ઉચ્ચ શિક્ષણ તેમના સ્તરે એક બેઠક યોજી આ બાબતમાં તમામ મુદ્દાઓને ઉકેલે. ઉચ્ચ શિક્ષણ નિયામકે આ સમગ્ર મામલાની તપાસ કરવી અને અરજદારની વ્યક્તિગત સુનાવણી કરવી.” કમિશને 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી ‘એક્શન ટેકન’ રીપોર્ટ માંગ્યો, પરંતુ પરિણામ શૂન્ય! 

NCSCએ તપાસ સમિતિના રીપોર્ટને માન્ય ન રાખ્યો એટલે 13 ઓગસ્ટ 2024ના રોજ, CHE-કમિશ્નર ઓફ હાયર એજ્યુકેશને ફરી તપાસ સમિતિ નીમી. આ સમિતિએ NCSCએ દોષિત ઠરાવેલ અનૂપા ચૌહાણને ફરી ક્લીન ચિટ આપી! 

NCSCના નિર્ણય બાદ પણ પ્રિન્સિપાલે પ્રોજેક્ટમાં સતત અવરોધ ચાલુ રાખ્યો એટલે ડો. મહેશકુમારે NCSC સમક્ષ ફરી ફરિયાદ કરી. ફરી વખત 25 ઓક્ટોબર 2024ના રોજ ICSSR સમક્ષ સુનાવણી થઈ. કમિશને નોંધ કરી કે “કોલેજના પ્રિન્સિપાલ પ્રોજેકટની સુચારૂ કામગીરી માટે અડચણો ઉભી કરી રહ્યા છે. અરજદાર ડો. મહેશકુમારને પ્રોજેક્ટ અને તેને ચલાવવા માટે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવ્યો છે. અરજદાર,  નિયામક ઉચ્ચ શિક્ષણ, ગુજરાત સરકારનો સંપર્ક કરી શકે છે.”

કમિશને ફરી 15 દિવસમાં ગુજરાત સરકાર પાસેથી ‘એક્શન ટેકન’ રીપોર્ટ માંગ્યો, પરંતુ ફરી પરિણામ શૂન્ય! 

થોડાં પ્રશ્નો : [1] National Commission for SC પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણને દોષિત ઠરાવે છે છતાં ગુજરાત સરકાર તેમની સામે પગલાં લેતાં શરમાતી કેમ હશે? શું શિક્ષણમંત્રી આ પ્રિન્સિપાલને છાવરતા હશે? [2] શું એક પ્રિન્સિપાલ, અનુસૂચિત જાતિના આસિસ્ટન્ટ પ્રોફેસરને હેરાન પરેશાન કરે/તેમની સાથે ભેદભાવ કરે તે ગુજરાત સરકારને ગમતું હશે? શું શિક્ષણ સચિવને પણ આવો અન્યાય ગમતો હશે? [3] SC કમિશન તરફથી લેખિત સૂચના આપવામાં આવે/ એક્શન ટેકન રીપોર્ટ માંગવામાં આવે છતાં સરકાર નિષ્ક્રિય રહે? [4] આ પ્રોજેક્ટની મુદત એપ્રિલ 2025માં પૂર્ણ થાય છે. નવેમ્બર પૂરો થયો હવે 4 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો થાય તેવી શક્યતા નથી, ICSSR-ઈન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રીસર્ચ તરફથી ફાળવેલ 9 લાખની ગ્રાન્ટ પરત જશે. આ માટે પ્રિન્સિપાલ ડો. અનૂપા ચૌહાણની જવાબદારી બને કે નહીં? આ રીતે એક દલિત અધ્યાપકની કારકિર્દી સાથે ગંદી રમત રમનાર પ્રિન્સિપાલને છાવરીને સરકાર શું સંદેશો આપતી હશે? [5] ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે 16 ઓક્ટોબર 2024ના રોજ 38 સરકારી કોલેજોના પ્રિન્સિપાલોની બદલી કરી, પરંતુ NCSCએ દોષિત ઠરાવેલ અને 20 વર્ષથી અધ્યાપક અને 5 વર્ષથી પ્રિન્સિપાલ તરીકે રહેલ ડો. અનૂપા ચૌહાણની બદલી ન કરી; એ શું સૂચવે છે? [6] જે અધ્યાપકો, ડો. મહેશકુમારને મદદ કરી; તેમની બદલી પણ અનૂપા ચૌહાણે કરાવી નાખી! શું અનૂપા ચૌહાણ સરકારી કોલેજને રજવાડું માનતા હશે? [7] પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણે અગાઉ અંગ્રેજી વિષયના દલિત અધ્યાપક રવિકાન્ત સોલંકીની બદલી ગાંધીનગર નગરથી ઝાલોદ કરાવી હતી; તેઓ દિવ્યાંગ હતા છતાં દૂરની જગ્યાએ બદલી કરાવી! રવિકાન્ત સોલંકીને ત્રણ વર્ષ પૂરા થયા ન હતા છતાં તેમની બદલી કરાવી નાખી! રવિકાન્ત સોલંકી કોર્ટમાં ગયા, પછી સરકારે તેમને ગાંધીનગર અન્ય કોલેજમાં મૂકવા પડ્યા હતા! શું અનૂપા ચૌહાણ દલિત વિરોધી માનસિકતા ધરાવતા નથી? [8] ચમત્કાર તો જૂઓ : ડો. મહેશકુમારની ફરિયાદ અંગે બે વખત તપાસ સમિતિ નીમવામાં આવી. તપાસ સમિતિમાં કોલેજના આચાર્યો હતા. તેમણે પ્રિન્સિપાલ અનૂપા ચૌહાણને; NCSCના બે વખતના નિર્ણયો વિરુદ્ધ જઈને; બે વખત ક્લીન ચિટ આપી ! તપાસ સમિતિના આચાર્યો સર્વોચ્ચ કે બંધારણીય સંસ્થા-National Commission for SC? શું આ NCSCનું ઘોર અપમાન નથી? [9] એક શિક્ષિત અધ્યાપક, દલિત હોવાથી તેમની સાથે ભેદભાવ/ અન્યાય થાય તો ગરીબ દલિતોની સ્થિતિ કેટલી કફોડી હશે? શું શિક્ષણમંત્રી/ શિક્ષણ સચિવ/ પ્રિન્સિપાલ આટલાં બેશરમ/ સંવેદનહીન હોઈ શકે?

રમેશ સવાણી(લેખક પૂર્વ આઈપીએસ અધિકારી અને રેશનલ વિચારધારાના પક્ષધર છે.)

આ પણ વાંચો: 6 વર્ષના દલિત વિદ્યાર્થી પાસે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીની ઉલ્ટી સાફ કરાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Manubhai Parmar
    Manubhai Parmar
    No action taken by Govt. It is so harmful matter, too much action or support not by our political leaders very unhappy ness matter, like this situation I can,'t help by any sources, because l am nothing.
    8 months ago