સરપંચ પુત્રએ દલિત તલાટીનું અપહરણ કરી કચેરીમાં પૂરી માર માર્યો
સરપંચે ખોટું બિલ પાસ કરવાનું કહેતા દલિત તલાટીએ ના પાડી દીધી. ઉશ્કેરાયેલા સરપંચપુત્રે તલાટીનું અપહરણ કર્યું, જાનથી મારી નાખવાની ધમકી આપી અને કચેરીમાં પુરી માર માર્યો.
ચીને કૃ્ત્રિમ સૂર્ય બનાવ્યો છે, ઈલોન મસ્ક મગજમાં ચીપ ફીટ કરી માણસને વધુ સશક્ત બનાવવા જઈ રહ્યો છે. આપણા નેતાઓ સાયન્સ અને ટેકનોલોજીના વધતા પ્રભાવ અને મહત્વથી સારી પેઠે વાકેફ છે એટલે તેઓ તેમના દીકરા-દીકરીઓને વિદેશોની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં કરોડો રૂપિયા ખર્ચીને ભણાવા મોકલી રહ્યાં છે, બીજી તરફ આ જ લોકો જાતિવાદ અને ધર્માંધતાને ઉત્તેજન આપીને દલિતો, આદિવાસીઓને પછાત રાખવા વર્ણ વ્યવસ્થા આધારિત જાતિવાદ ફેલાતો રહે તે માટે પ્રયત્નો કરતા રહે છે. એનું જ કારણ છે કે, દેશનું બંધારણ દરેક રીતે સર્વોત્તમ હોવા છતાં જાતિવાદી તત્વોને કાયદો વ્યવસ્થાનો જાણે કોઈ ડર જ નથી.
આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક ગામના દલિત તલાટીને સરપંચના છોકરાએ અન્ય જાતિવાદી તત્વો સાથે મળી, તેમનું અપહરણ કરી, ગ્રામ પંચાયતની કચેરીમાં પુરીને માર માર્યો હતો. આ મામલો હોબાળો થતા તલાટી સંઘે તમામ લાગતા વળગતા ખાતાઓના અધિકારીઓને જાણ કરતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
દલિત તલાટીને સરપંચપુત્રે ધમકી આપી
મામલો જાતિવાદ માટે કુખ્યાત બની ચૂકેલા ઉત્તરપ્રદેશનો છે. અહીંના શિવરાજપુરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બ્લોકમાં તૈનાત એક ગામના દલિત તલાટી પર પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેમણે ગેરકાયદે રીતે તે ચૂકવવાની ના પાડી ત્યારે તેમના પર દબાણ કરવામાં આવ્યું. જો કે પ્રામાણિક દલિત તલાટી એ પછી પણ નમતું ન જોખતા જાતિવાદીઓએ તેમનું અપહરણ કર્યું હતું અને તેમને ગ્રામ પંચાયત કચેરીમાં પુરીને તાળું મારી દીધું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
તલાટીને જાતિસૂચક ગાળો ભાંડી મોબાઈલ છીનવી લીધો
તલાટી સત્ય પ્રકાશે પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સવારે જ્યારે તેઓ પોતાના વિસ્તારમાં સરકારી કામ કરી રહ્યા હતા ત્યારે ગામના સરપંચની ઉશ્કેરણી પર તેમનો દીકરો અને તેના સાગરિતો તેમની પાસે આવ્યા હતા અને એક કામના પૈસાનું તાત્કાલિક ચૂકવણું કરવા દબાણ કરવા લાગ્યા હતા. જ્યારે તેમણે આવું કરવાનું ના પાડી દીધી તો આ લોકો ઉશ્કેરાઈ ગયા અને તેમને જાતિસૂચક ગાળો ભાંડી અપમાનિત કરવા લાગ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા અને તેમનો મોબાઈલ પણ છીનવી લીધો.
તલાટીનું અપહરણ કરી પંચાયતમાં પુરી દીધાં
દલિત તલાટી જેમતેમ કરીને પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યા. તલાટી જીવ બચાવીને રસ્તે ભાગી રહ્યા હતા ત્યારે સરપંચપુત્રના સાગરિતો એક કુખ્યાત આરોપી સાથે તેમનો પીછો કરતા આવી પહોંચ્યા અને રસ્તામાંથી તેમનું અપહરણ કરી લીધું અને ગ્રામ પંચાયત કચેરીમાં લઈ જઈને તેમને રૂમમાં પુરી તાળું મારી દીધું હતું. અહીં પણ તેમની સાથે ગાળાગાળી કરીને જાતિસૂચક ગાળો ભાંડવામાં આવી હતી. એ પછી કેટલાક લોકોની દરમિયાનગિરી બાદ મામલો થાળે પડ્યો હતો અને દલિત તલાટીને છોડવામાં આવ્યા હતા. એ પછી તેમણે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી હતી.
તલાટી સંઘે ફરિયાદ કરતા તંત્ર હરકતમાં આવ્યું
એ દરમિયાન તેમણે જિલ્લા તલાટી સંઘને પણ તેમની સાથે જે બન્યું તે અંગે ફરિયાદ કરી હતી. એ પછી તલાટી સંઘના જિલ્લા અધ્યક્ષ સંજય મિશ્રા અને પદાધિકારીઓ શિવરાજપુર પોલીસ સ્ટેશન ગયા અને ઇન્સ્પેક્ટર તથા બીડીઓ શિવરાજપુરને ફરિયાદ કરી કાર્યવાહીની માંગ કરી હતી.
એસીપીને તપાસ સોંપવામાં આવી
બીડીઓ શિવરાજપુરનું કહેવું છે કે સમગ્ર મામલાની જાણકારી અધિકારીઓને આપવામાં આવી છે. શિવરાજપુરના ઈન્સપેક્ટરના જણાવ્યા અનુસાર, તલાટીએ ફરિયાદ આપી છે અને સમગ્ર મામલાની માહિતી એસીપીને આપવામાં આવી છે. આ મામલે તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત મહિલા સરપંચને તલાટી-ઉપસરપંચે બેસવા માટે ખુરશી ન આપી