કર્ણાટકમાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે કાર્યવાહી શરૂ
યાદગીર જિલ્લાના બપ્પારાગામાં દલિતોનો બહિષ્કાર કરનાર જાતિવાદીઓ સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
Karnataka Boycott of Dalits: કર્ણાટકના યાદગીર(Yadgir) જિલ્લાના બપ્પારાગા(Bapparagga) ગામમાં દલિત સમાજના 250થી વધુ લોકોના સામાજિક બહિષ્કાર(Social exclusion) મામલે રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વરે(G. Parameswaram) કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે. આ મામલે તેમણે ઉચ્ચ અધિકારીઓ પાસેથી સમગ્ર મામલાનો રિપોર્ટ માંગ્યો છે અને દલિત સમાજનો બહિષ્કાર કરનાર સવર્ણ જાતિના લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
ગૃહરાજ્યમંત્રીએ ઘટનાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી
એચ.એમ. પરમેશ્વરે શનિવારે બેંગલુરુમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "મેં અધિકારીઓને રિપોર્ટ આપવા કહ્યું છે. આ 500ની વસ્તી ધરાવતું ગામ છે અને મોટાભાગના લોકો અનુસૂચિત જાતિના છે. અહીં એક દલિત સગીરાને લગ્નની લાલચ આપીને એક કથિત સવર્ણ જાતિના યુવકે બળાત્કાર થયો હતો. સગીરા ગર્ભવતી થયા બાદ તેની સાથે લગ્ન કરવાનો તેણે ઈનકાર કરી દેતા, દીકરીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ પાછો ખેંચી લેવાનું ગામના સવર્ણો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરાયો હતો. શાળાના બાળકોને નોટબુક, પેન નથી મળી રહી અને ગામમાં દલિતોને પાણી લાવતા પણ રોકવામાં આવી રહ્યાં છે. મેં અધિકારીઓને તાત્કાલિક ત્યાં જઈને કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો જરૂરી હોય તો ફરિયાદ દાખલ કરો. તપાસ હાલમાં પ્રારંભિક તબક્કે છે અને મેં વરિષ્ઠ અધિકારીઓને વધુ અહેવાલો સબમિટ કરવા કહ્યું છે."
ઘટના શું હતી?
કર્ણાટકના યાદગીર જિલ્લાના બપ્પારાગા ગામમાં સવર્ણોએ છેલ્લા એક મહિનાથી દલિતોનો બહિષ્કાર કર્યો છે. સ્થિતિ એ છે કે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તો ઠીક, દલિત બાળકોને ભણવા માટે જરૂરી એવા પુસ્તકો અને પેન્સિલ પણ સવર્ણ દુકાનદારો આપતા નથી.
ઘટનાના મૂળમાં એક દલિત સગીરાનું થયેલું જાતીય શોષણ છે. સગીરાના પરિવારે 23 વર્ષના એક સવર્ણ છોકરા પર તેમની દીકરીનું જાતીષ શોષણ કરવાનો કેસ કર્યો છે. જેને પાછો ખેંચી લેવા માટે આખા ગામના સવર્ણો એક થઈ ગયા છે અને દલિતોનો સામાજિક બહિષ્કાર કરીને મામલો રફેદફે કરવા માંગે છે. પણ દલિતો જરાય નમતું જોખવા તૈયાર નથી અને તેમણે "કેસ તો પાછો નહીં જ ખેંચાય, જે થતું હોય એ કરી લેવું" એમ સ્પષ્ટ વાત કરી દીધી છે. દલિતોના આવા મજબૂત મનોબળને કારણે હવે છોકરાના બાપ સહિત આખા ગામના સવર્ણો ઢીલા પડ્યાં છે.
સગીરા ગર્ભવતી થતા છોકરાએ લગ્નની ના પાડી હતી
પોલીસ સૂત્રોનું કહેવું છે કે 15 વર્ષની છોકરી 23 વર્ષના સવર્ણ છોકરા સાથે રિલેશનશિપમાં હતી. છોકરાએ લગ્નના બહાને તેની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા. જેના કારણે તે ગર્ભવતી બની હતી. સગીરા પાંચ મહિનાની ગર્ભવતી હતી ત્યારે તેણે તેના માતા-પિતાને આખી વાત કહી હતી. એ પછી દીકરીના પરિવારે પેલા છોકરાને વાયદા પ્રમાણે લગ્ન કરી લેવા કહ્યું, પણ છોકરાએ ના પાડી દીધી. ત્યાર બાદ સગીરાના માતા-પિતાએ 12 ઓગસ્ટે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો હતો.
સગીરાના પરિવારે ફરિયાદ કરતા દલિતોનો બહિષ્કાર કરાયો
ફરિયાદ બાદ પોલીસે કાયદા મુજબ કાર્યવાહી કરીને છોકરાની ધરપકડ કરી હતી. જેના કારણે ગામના તેની જાતિના લોકો દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. તેમણે સગીરાના માતા-પિતાને સમાધાન માટે બોલાવ્યા હતા. પણ દીકરીના માતા-પિતા આ મામલે પોલીસ કાર્યવાહી ઈચ્છતા હતા. જેના કારણે 13 ઓગસ્ટના રોજ પોલીસ દ્વારા આરોપી છોકરાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. જેનાથી ગામના સવર્ણો એટલા નારાજ થયા હતા કે તેમણે દલિત પરિવારોનો સામાજિક બહિષ્કાર જાહેર કરી દીધો હતો.
દલિતોએ લડી લેવાનું નક્કી કર્યું છે
સામે દલિતોએ પણ લડી લેવાનું નક્કી કર્યું છે અને તેમણે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને દલિત સામાજિક સંગઠનોની મદદ માંગી છે. તેમણે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરીને દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો રાષ્ટ્રીય સ્તરે ગાજતા આખરે ગૃહરાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે યાદગીર કર્ણાટકના સૌથી પછાત જિલ્લાઓ પૈકીનો એક છે.
આ પણ વાંચોઃ 12 વર્ષના દલિત કિશોરને જાતિવાદીઓએ નગ્ન કરીને કહ્યું - ચાલ હવે ડાન્સ કર