દલિત કિશોરને પોલીસે વીજ કરંટ આપી ઉંધો લટકાવીને મારતા મોત?

એક દલિત કિશોરને પોલીસે 5 દિવસ જેલમાં પૂરીને માર્યો, યુવક ઘરે પહોંચ્યો અને મોત થઈ ગયું?

દલિત કિશોરને પોલીસે વીજ કરંટ આપી ઉંધો લટકાવીને મારતા મોત?
image credit - Google images

Dalit teenager beaten by police: પોલીસની છાપ સમાજમાં શું કામ ખરાબ છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. પોલીસના મારથી એક દલિત કિશોરનું મોત થઈ જતા ચકચાર મચી ગઈ છે. આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં 3 પોલીસકર્મીઓએ તેને ઘણા દિવસો સુધી માર માર્યો હતો. એટલું જ નહીં વીજળીના ઝટકા આપ્યા હતા અને ઉંધો લટકાવ્યો હતો. એ પછી તેને રૂપિયા લઈને છોડી મૂક્યો હતો. કિશોર જ્યારે ઘરે પહોંચ્યો તો તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને સારવાર માટે દવાખાને લઈ જવો પડ્યો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કિશોરનું પોલીસના થર્ડ ડિગ્રી ટોર્ચરના કારણે મોત થઈ ગયું છે. તેમણે કિશોરને વીજળીના ઝટકા આપ્યા હતા અને ઉંધો લટકાવીને માર્યો હતો.

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીની ઘટના
ઘટના જાતિવાદ, પોલીસની સરમુખત્યારી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશની છે. અહીંના લખીમપુર ખીરીમાં આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોલીસ દ્વારા માર મારવામાં આવતા દલિત કિશોરના મોતથી ખળભળાટ મચી ગયો છે. આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં 3 પોલીસકર્મીઓએ દલિત કિશોરીને 5 દિવસ સુધી કસ્ટડીમાં રાખીને નિર્દયતાથી માર માર્યો હતો. એ પછી જ્યારે યુવક ઘરે પહોંચ્યો તો તેની તબિયત બગડી અને સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું.

ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે છોડી દીધા હતા
મામલો ફરદાન પોલીસ સ્ટેશનના સિસાવાં કલાં ગામનો છે. અહીંની એક દુકાનમાંથી કેટલોક સામાનની ચોરી થઈ ગયો હતો. દુકાનના માલિકે તે જ ગામમાં રહેતા એક સગીર દલિત યુવક અને તેના બે સાથીઓ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ કેસમાં દલિત કિશોર અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી. 

આરોપ છે કે પોલીસે દલિત કિશોરીના બંને સાથીઓને છોડી મૂક્યા હતા પણ તેને છોડ્યો નહોતો. એવો પણ આરોપ છે કે પોલીસે તેને પોલીસ સ્ટેશનની અંદર 5 દિવસ સુધી પુરી રાખીને ઢોર માર માર્યો હતો. પછી તેને છોડી દીધો. કિશોર ઘરે પહોંચતા જ તેની તબિયત લથડી હતી અને તેને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં ડોક્ટરે તેને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાંથી લખનઉ રેફર કર્યો હતો. જ્યાં તેમનું અવસાન થયું હતું.

પોલીસ સ્ટેશન સામે વિરોધ પ્રદર્શન, નેશનલ હાઈવે બ્લોક
કિશોરનું મોત થઈ જતા તેના પરિવારજનો સાથે દલિત સમાજના લોકોએ ફરદાન પોલીસ સ્ટેશન સામે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિવારે આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રામશરણ, વિનય તિવારી, જિલ્લા અધ્યક્ષ રામપાલ યાદવ સહિત સમાજવાદી પાર્ટીના ઘણા કાર્યકર્તાઓ પણ પોલીસના મારથી દલિત કિશોરના મોતના મામલે ફરદાન પોલીસ સ્ટેશનની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ દિલ્હીથી આસામને જોડતા નેશનલ હાઈવેને બ્લોક કરી દીધો છે. 

આ મામલે લખીમપુર ખીરીના એસપી ગણેશ પ્રસાદ શાહે કહ્યું છે કે, મામલાની સંપૂર્ણ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં જે પણ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પરિવારજનો સાથે પણ વાતચીત ચાલી રહી છે.

આ પણ વાંચોઃ 'પંચાયતમાં દેખાયો તો હાથપગ સાજા નહીં રહે..' કહી દલિત સરપંચને માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.